ગાંધીનગર : રાજય સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં વિવિધ હોસ્પિટલોમાં સારવાર દરમિયાન હોસ્પિટલના ઈન હાઉસ મેડિકલ સ્ટોરમાંથી જ દવા ખરીદવા માટે દબાણ કરી શકાશે નહીં.
ખોરાક અને ઔષધ નિયમનતંત્રના કમિશનર ડૉ.એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું કે રાજય સરકારના ધ્યાન ઉપર આવ્યા મુજબ રાજ્યમાં આવેલ કેટલીક હોસ્પિટલો દ્વારા તેમની હોસ્પિટલ ખાતે સારવાર માટે આવતા દર્દીઓને ઇન હાઉસ મેડિકલ સ્ટોર ખાતેથી જ દવા ખરીદવા ફરજ પાડવામાં આવતી હોય છે. જેથી દર્દીઓ જેનરિક દવાઓ કે અન્ય સસ્તી દવાઓ મેળવી શકતા નથી અને આર્થિક બોજો સહન કરવો પડે છે. આ સ્થિતિને ધ્યાને લઈને ખોરાક અને ઔષધ નિયમનતંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે કે તમામ હોસ્પિટલોની ઇન હાઉસ મેડિકલ સ્ટોરના સંચાલકોને -“આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી ” તેવા સાઈન બોર્ડ પ્રસિદ્ધ કરવા અંગેની કાર્યવાહી કરવાની રહેશે. જેથી દર્દીઓના સગાઓને હોસ્પિટલના ઈન હાઉસ સ્ટોરમાંથી દવા ખરીદવાનો આગ્રહ રાખી શકાશે નહીં, જેના કારણે દર્દીઓ સરળતાથી કોઈપણ મેડિકલ સ્ટોર ખાતેથી દવા ખરીદી શકે.