ઝઘડિયા: ભરૂચ (Bharuch) જિલ્લાના ઝઘડિયા તાલુકાના બોરજાઇ ગામમાં બનેલી એ ઘટનાએ કિસ્સાનું સ્વરૂપ ધારણ કરી સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. અહીં પત્નીના પ્રેમીએ (Wife Lover Beat Husband) જાહેર માર્ગ પર પતિને ઢીકાપાટુનો માર માર્યાનો બનાવ બન્યો છે. ઈજાગ્રસ્ત પતિને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં પ્રાથમિક સારવાર લીધા બાદ પતિએ પત્નીના કથિત પ્રેમી વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી છે.
- બોરજાઈ ગામની ત્રણ સંતાનોની માતાને ગામના જ યુવક સાથે પ્રેમ થયો
- પતિ પત્નીના પ્રેમીને સમજાવવા ગયો તો પ્રેમી વિફર્યો
- પત્નીના પ્રેમીએ પતિના કપાળ પર સિમેન્ટનું પતરું મારી દીધું
- ઈજાગ્રસ્ત પતિ હોસ્પિટલમાં દાખલ, પ્રેમી વિરુદ્ધ પોલીસ ફરિયાદ
આ અંગે ઝઘડિયા જીઆઇડીસી પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના બોરજાઇ ગામનો પ્રકાશભાઇ જશુભાઇ વસાવા નામનો યુવક ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પોલીસ ફરિયાદમાં જણાવાયા મુજબ ત્રણ સંતાનોના પિતા એવા પ્રકાશ વસાવાની પત્નીને ગામના જ અન્ય એક યુવક મેહુલ વિજય વસાવાની સાથે આડો સંબંધ બંધાઇ ગયો હતો. આ બાબતને માહિતી મળતા પ્રકાશે તેની પત્નીને ગઈ તા.૩ જુલાઈના રોજ સમજાવી હતી અને ત્યાર બાદ સાસુ સાથે તેના પિયર સુરત જિલ્લાના લવેટ ગામે મોકલી આપી હતી.
પત્નીને પિયર મોકલ્યા બાદ પ્રકાશ પ્રકાશ બપોરે બે વાગ્યાના અરસામાં ગામમાં આવેલા મંદિરે ગયો હતો. તે પાછો ઘરે જતો હતો, ત્યારે તેની પત્નીનો પ્રેમી મોટરસાયકલ લઇને સામો મળ્યો હતો. પ્રકાશે મેહુલને તેની પત્ની સાથેનો આડો સંબંધ છોડી દેવા કહ્યું હતું. પ્રકાશની વાત સાંભળી મેહુલ ઉશ્કેરાઇ ગયો હતો અને પ્રકાશને એલફેલ ગાળો બોલવા લાગ્યો હતો. પ્રકાશે તેને ગાળો બોલવાની ના પાડતા મેહુલે તેને પાછળથી ધક્કો માર્યો હતો, જેના લીધે પ્રકાશ રસ્તા પર નીચે પડી ગયો હતો.
આ ઝઘડા દરમિયાન મેહુલે પ્રકાશને ઢીકાપાટુનો માર માર્યો હતો, તેમજ નીચે પડેલા સિમેન્ટના પતરાનો ટુકડો લઇને પ્રકાશના કપાળ પર મારી દીધો હતો. જેને લઇને પ્રકાશ ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત પ્રકાશને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે વાલિયા ખાતે સરકારી દવાખાને લઇ જવાયો હતો. પ્રાથમિક સારવાર બાદ પ્રકાશ વસાવાએ પત્નીના કથિત પ્રેમી મેહુલ વિજય વસાવા વિરૂધ્ધ ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.