નડિયાદ: માતરમાં વિશ્વ હિન્દુ પરિષદની ટીમે પશુઓને કતલખાને લઈ જતું વાહન રોક્યું હતું. જે બાદ એક કાર્યકર આ વાહનને પોલીસ મથકમાં મુકી બહાર નીકળ્યાં હતાં. તે વખતે વિધર્મીઓનું ટોળું એકાએક ત્યાં આવીને વી.એચ.પી કાર્યકર ઉપર હુમલો કરી, ઈજા પહોંચાડી હતી. આ મામલે માતર પોલીસે પાંચ વિધર્મીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
માતર પંથકના કેટલાક વિધર્મીઓ દ્વારા છેલ્લાં કેટલાક દિવસોથી દરરોજ મોટી સંખ્યામાં ગૌવંશ સહિતના પશુઓને અમદાવાદના કતલખાને ધકેલવામાં આવી રહ્યાં છે.
જેને પગલે વિશ્વ હિન્દુ પરિષદ (વી.એચ.પી) ની ટીમ સક્રિય બની, પશુઓને બચાવવાના કામે લાગી છે. જે અંતર્ગત વી.એચ.પીની ટીમે ગત 24 મી જુને 5 પશુઓ તેમજ 25 મી જુને 10 પશુઓને કતલખાને જતાં બચાવ્યાં હતાં. જેથી વી.એચ.પીના કાર્યકરો આ વિધર્મી કસાઈઓના આંખમાં કણાની ખુંચવા લાગ્યાં હતાં. એમાંય વળી બીજા દિવસે એટલે કે, તારીખ 26 મી જુને પણ વી.એચ.પી ની ટીમે પીકઅપ ડાલું નં જીજે 09 એવી 1236 ને રોકી તેમાં ભરી લઈ જવાતાં 4 પશુઓને બચાવ્યાં હતાં અને ડાલાના ચાલક અલતાફ યુનુસભાઈ ઘાંચી (રહે.સરખેજ) તેમજ ક્લિનરની અટકાયત કરી હતી. જે બાદ વિશ્વ હિન્દુ પરિષદના રાજેશભાઈ આચાર્ય પશુ ભરેલી ગાડી લઈને પોલીસમથક પહોંચ્યાં હતાં.
જ્યારે, વી.એચ.પી ના અન્ય કાર્યકરો પકડાયેલ ચાલક-ક્લિનરને લઈને પોલીસમથક તરફ જતાં હતાં. દરમિયાન ક્લિનર ભાગી ગયો હતો. બીજી બાજુ રાજેશભાઈ આચાર્ય પોલીસમથકમાં પીકઅપ ડાલું મુકી, બહાર નીકળ્યાં હતાં. તે વખતે 20 થી 25 વિધર્મીઓનું ટોળું એકાએક પોલીસમથકના ગેટ પાસે આવી ચડ્યું હતું. જે પૈકી સેલાણી રીયાઝ કુરેશી, મોહસીન ઉર્ફે ગલો, ઈકબાલ મહંમદ કુરેશી, પીરૂમીયાં રીક્ષાવાળો (તમામ રહે.માતર) એ અમારી ગાડી પોલીસસ્ટેશન કેમ લાવ્યો છું તેમ કહી ઝઘડો કર્યો હતો અને રાજેશભાઈ આચાર્યને મારમારી ઈજા પહોંચાડી હતી. આ મામલે રાજેશભાઈ આચાર્યની ફરીયાદને આધારે પોલીસે ચારેય હુમલાખોર તેમજ પશુ હેરાફેરી કરતાં પકડાયેલ ચાલક સામે ઈ.પી.કો કલમ 323, 504, 506(2), 114 તેમજ પશુક્રુરતાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.