Columns

ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં સમાન નાગરિક ધારો કેટલો ઉચિત છે?

ભારત દેશનો જ્યારે જ્યારે પણ ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તેના વૈવિધ્યનો ઉલ્લેખ અચૂક કરવામાં આવે છે. ભારત જેવા વિશાળ દેશમાં અનેક ધર્મો, જાતિઓ, કોમો, સંસ્કૃતિઓ, વિવિધ ભાષાઓ બોલતી પ્રજાઓ હળીમળીને રહે છે તે ગૌરવ લેવા જેવી બાબત છે. આ વિવિધરંગી પ્રજાનાં લગ્ન, વારસો, દહેજ વગેરે સામાજિક રીતરિવાજો અલગ હોય તે પણ સહજ અને સ્વાભાવિક છે. તે મુજબ દરેક જૂથના પોતાના કાયદાઓ હોય છે. ભારતમાં સમગ્ર પ્રજા માટે ફોજદારી કાયદો એક છે, પણ નાગરિક (સિવિલ) કાયદાઓ બધા માટે અલગ છે.

તેમાં પણ મુસ્લિમો તેમના પોતાના શરિયતના કાનૂનને માને છે. હિન્દુઓ અગાઉ મનુસ્મૃતિને નાગરિક કાયદો માનતા હતા, પણ હિન્દુ કોડ બિલ દ્વારા તેમનો તે વિશેષાધિકાર ૧૯૫૦ના દાયકામાં જ ઝૂંટવી લેવામાં આવ્યો હતો. હવે મુસ્લિમોને પણ સમાન નાગરિક કાયદાના દાયરામાં લાવવા માટે ભાજપ દ્વારા તેની જોરદાર વકીલાત કરવામાં આવી રહી છે. મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારનાં શ્રીગણેશ કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમાન નાગરિક ધારાનું બ્યૂગલ ફૂંકી દેવામાં આવ્યું છે.

દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ મુસ્લિમ નેતાઓના ભારે વિરોધને કારણે સમાન નાગરિક ધારા પર આગળ વધ્યા ન હતા. જો કે, ૧૯૫૪-૫૫માં ભારે વિરોધ હોવા છતાં હિન્દુ કોડ બિલ લાવવામાં આવ્યું હતું. હિંદુ મેરેજ એક્ટ ૧૯૫૫, હિંદુ સક્સેશન એક્ટ ૧૯૫૬, હિંદુ દત્તક અને જાળવણી એક્ટ ૧૯૫૬ અને હિંદુ લઘુમતી અને ગાર્ડિયનશિપ એક્ટ ૧૯૫૬ અમલમાં આવ્યો હતો. આ કારણે સંસદમાં બનેલા કાયદાઓ દ્વારા હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ સમુદાયો માટે લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર, દત્તક લેવા જેવા નિયમો નક્કી કરવામાં આવ્યા હતા. હિન્દુ સમાજને કાયદાના બંધનમાં બાંધી લેવાયો, પરંતુ મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને પારસીઓ તેમના ધાર્મિક કાયદાઓ અનુસાર લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર જેવા મુદ્દાઓ નક્કી કરવા માટે સ્વતંત્ર રહ્યા હતા.

સમાન નાગરિક ધારાની તરફેણમાં રહેલાં લોકોનું કહેવું છે કે બંધારણની પ્રસ્તાવનામાં સમાવિષ્ટ સમાનતા અને બંધુત્વનો આદર્શ ત્યારે જ સિદ્ધ થઈ શકે, જ્યારે દેશમાં દરેક નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા હોય. સેક્યુલર શબ્દ ૪૨મા બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં ઉમેરવામાં આવ્યો હતો. આ અંતર્ગત સરકાર કોઈ પણ ધર્મને સમર્થન નહીં આપે. કોડની તરફેણમાં એવી દલીલ કરવામાં આવે છે કે ધર્મ પર આધારિત પર્સનલ લૉ રાખવાથી બંધારણની ધર્મનિરપેક્ષ ભાવનાનું ઉલ્લંઘન થાય છે.

સંહિતાના સમર્થકો માને છે કે દરેક નાગરિકને કલમ ૧૪ હેઠળ કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર છે, કલમ ૧૫માં ધર્મ, જાતિ, લિંગના આધારે ભેદભાવ પર પ્રતિબંધ અને કલમ ૨૧ હેઠળ જીવન અને ગોપનીયતાના રક્ષણનો અધિકાર છે. તેઓ દલીલ કરે છે કે યુનિફોર્મ સિવિલ કોડની ગેરહાજરીમાં મહિલાઓના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર જેવા મુદ્દાઓ પર સમાન કાયદાના અભાવે મહિલાઓ સાથે ભેદભાવ થઈ રહ્યો છે. આ લોકોની દલીલ છે કે લિંગ સમાનતા અને સામાજિક સમાનતા માટે સમાન નાગરિક સંહિતા હોવી જોઈએ. તરફેણમાં દલીલ કરનારાઓનું કહેવું છે કે મુસ્લિમ સમાજમાં મહિલાઓ ધર્મ આધારિત પર્સનલ લોના કારણે હિંસા અને ભેદભાવનો ભોગ બની રહી છે. આ મહિલાઓને બહુપત્નીત્વ અને હલાલા જેવી પ્રથાઓનો ભોગ બનવું પડે છે.

લઘુમતી સમુદાયના લોકો યુનિફોર્મ સિવિલ કોડનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે. વિરોધમાં દલીલ કરનારાઓનું કહેવું છે કે બંધારણના મૂળભૂત અધિકાર હેઠળ દરેક વ્યક્તિને અનુચ્છેદ ૨૫ થી ૨૮ વચ્ચે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર મળ્યો છે. એટલા માટે દરેક ધર્મનાં લોકો પર એકસમાન પર્સનલ લો લાદવો એ બંધારણ સાથે રમત છે. મુસ્લિમો તેને તેમની ધાર્મિક બાબતોમાં દખલ ગણે છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) હંમેશા યુનિફોર્મ સિવિલ કોડને ગેરબંધારણીય અને લઘુમતી વિરોધી ગણાવે છે.

આ બોર્ડની દલીલ છે કે બંધારણ દરેક નાગરિકને તેના ધર્મ પ્રમાણે જીવવાની છૂટ આપે છે. આ અધિકારને કારણે લઘુમતીઓ અને આદિવાસી વર્ગોને તેમના રિવાજો, આસ્થા અને પરંપરા અનુસાર અલગ વ્યક્તિગત કાયદાઓનું પાલન કરવાની છૂટ હોવી જોઈએ. બોર્ડની દલીલ છે કે બંધારણની કલમ ૩૭૧ (AJ)માં દેશના આદિવાસીઓને તેમની સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે. જો દરેક માટે સમાન કાયદો લાગુ કરવામાં આવે તો દેશના લઘુમતી સમુદાય અને આદિવાસીઓની સંસ્કૃતિને અસર થશે.

યુનિફોર્મ સિવિલ કોડના માર્ગમાં વોટબેંકની રાજનીતિ મુખ્ય અવરોધ બની રહી છે. ભારતમાં આ અંગે સર્વસંમતિ બનાવવાની જરૂર છે. મુસ્લિમ વોટબેંકના નુકસાનના ડરથી કોંગ્રેસ શરૂઆતથી ક્યારેય ખુલ્લેઆમ તેના પક્ષમાં બોલતી નથી. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ તેને માત્ર રાજકીય લાભ અને ધ્રુવીકરણ માટેનો મુદ્દો બનાવી રહ્યું છે. કોંગ્રેસનો આરોપ છે કે જ્યારે પણ ચૂંટણીનો સમય આવે છે ત્યારે ભાજપ આ મુદ્દાને વેગ આપે છે. કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે રાજકીય ખેલ કરવાને બદલે કેન્દ્ર સરકારે ગંભીરતાથી આ અંગે સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરવો જોઈએ. તેને લાગુ કરવા માટે બંધારણમાં સુધારો કરવો પડશે.

બંધારણના ભાગ-૪ માં યુનિફોર્મ સિવિલ કોડનો ઉલ્લેખ છે. બંધારણના ભાગ-૪માં, કલમ ૩૬ થી ૫૧ સુધી રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ભાગની કલમ ૪૪માં સમાન નાગરિક સંહિતાની જોગવાઈ છે. તે જણાવે છે કે સરકાર ભારતના સમગ્ર પ્રદેશમાં સમાન નાગરિક સંહિતા સુરક્ષિત કરવાનો પ્રયાસ કરશે. હવે સવાલ એ ઊભો થાય છે કે જ્યારે બંધારણમાં તેનો ઉલ્લેખ છે તો આઝાદી પછી તેના પર કોઈ કાયદો કેમ ન બન્યો? હકીકતમાં બંધારણના ભાગ-૩ માં દેશના દરેક નાગરિક માટે મૂળભૂત અધિકારોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો અમલ સરકાર માટે બંધનકર્તા છે. બીજી બાજુ, બંધારણના ભાગ-૪ માં ઉલ્લેખિત નીતિનિર્દેશ કલમોને લાગુ કરવી તે સરકારને બંધનકર્તા નથી. વાસ્તવમાં આ ભાગમાં સમાવિષ્ટ જોગવાઈઓ લોકશાહીના આદર્શો છે, જેને હાંસલ કરવાની દિશામાં દરેક સરકારે આગળ વધવું જોઈએ. બંધનકર્તા ન હોવાને કારણે દેશમાં હજુ સુધી સમાન નાગરિક સંહિતા બની શકી નથી.

ભાજપ સરકાર સંસદમાં કાયદો બનાવવાના માર્ગમાં આવતા અવરોધોથી વાકેફ છે. તે ઈચ્છે છે કે ધીમે ધીમે લોકો આ મુદ્દે આગળ આવે અને તેના પર ચર્ચા થાય. તે પછી જ સમગ્ર દેશ માટે સમાન નાગરિક સંહિતા બનાવવા માટે સંસદમાં પહેલ કરવી જોઈએ. જે રીતે ભાજપ છેલ્લા કેટલાક મહિનામાં વિધાનસભાની ચૂંટણીમાં આ મુદ્દાને મુખ્યતાથી ઉઠાવી રહી છે, તેનાથી દેશના એક મોટા વર્ગને લાગે છે કે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પહેલાં ભારતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો માર્ગ ખુલી શકે છે. ભાજપને આમ પણ મુસ્લિમોના મતોની જરૂર નથી. તેને કારણે મુસ્લિમોના વિરોધની પરવા કર્યા વિના તે સમાન નાગરિક ધારો બનાવી કાઢશે. તેને કારણે કદાચ તેની હિન્દુ મતબેન્ક મજબૂત બની જશે. ભાજપ માટે તો તે ફાયદાનો સોદો બની રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top