Charchapatra

શાસકો  વિશ્ચાસ અને મૂલ્યનિષ્ઠા ગુમાવશે?


‘ગુજરાતમિત્ર’ દૈનિકમાં તાજેતરમાં જ એવા,એવા સમાચારો વાંચવામાં આવ્યા છે કે, મનપા દ્વારા કરવામાં આવેલા ધોળા હાથી ( મરામતના કાયમી ખર્ચાવાળા ) સમાન પ્રોજેક્ટો હવે, રીતસરના ખર્ચાળ સાબિત થઈ રહ્યા છે, ત્યારે નજીકના ભવિષ્યમાં જો,આવા જ બેજવાબદાર અને અક્કલના પ્રદર્શન થતાં રહેશે તો, સુરતનાં નાગરિકોનો શાસકપક્ષ સદંતર વિશ્વાસ ગુમાવી, સોંપવામાં આવેલ સત્તા પણ પરત ખેંચી લાવે તો નવાઈ નહીં.  સંજીવકુમાર ઓડિટૉરીયમ ખાતે સર્કસ, પછી ‘યોગ’ ના ઉપયોગથી બે કરોડ જેટલો વર્લ્ડ રેકોર્ડ માટે બિનજરૂરી એવા જાહેર ખર્ચાઓ,હવે આજે તારીખ : ૨૪ને શુક્રવારે એવું વાંચવા મળે છે કે, સિટી લાઈટ રોડ ઉપરના સાયન્સ સેન્ટરમાં આર્ટ ગેલેરીમાં બૂટ – ચંપલના સેલ /વેચાણ માટે..

રૂપિયા કમાવાની હોડ લાગી હોય એમ ( જો કે, સમારકામ માટે તથા મરામતની રકમની પણ તો વાર્ષિક જોગવાઈ કરવાની રહેશે ને ? દર વર્ષે વેરા વધારાની દરખાસ્ત વખતે ..વિપક્ષોના સવાલોનો ધોધમાર માર , કોણ ખાયા કરશે ?? ) સત્તા ભોગવતાં પહેલાં લોકોને, નાગરિકોને, મતદારોને રીઝવવા માટે કરેલાં બોદાં વચનોનો ભાર આખરે પ્રજાની પરસેવાની કમાણી કરાવતું વાર્ષિક આનંદ વેરાબીલ જ ભરપાઈ કરી રહ્યું છે ને. છેલ્લાં વીસ – પચ્ચીસ વર્ષોથી  ગમે તે કહો, આખરે આવા ડફોળ અને અધકચરા જાહેર નિર્ણય લેવામાં આવશે ત્યારે અબુધ અને શિક્ષિત બેઉ મતદારો તરફથી લોકરોષનો ભોગ શાસકોએ બનવું પડે છે એ સર્વસ્વીકૃત છે.

ત્યારે હવે પછીના સમયમાં સરકાર પક્ષે સત્તાધીશો દ્વારા કોઈ પણ પ્રકારના જાહેર ખર્ચાની બાબતો હોય કે, આવક રળવા માટે જાહેર સ્રોતો પાસેથી રૂપિયા ખંખેરવાની પેરવી હોય, ધારાધોરણો મુજબ સૌથી પહેલાં પ્રજાના પ્રતિનિધિઓ એવા વિપક્ષને પણ શાસકોએ સાંભળવાની ખેલદિલી રાખવી જોઈશે.  બાકી દલા તરવાડીની વાડી જેવા બનાવી દીધેલા અમારા સુરતને,અમારા ગુજરાતને તો હવે, કોઈ સર્વ શક્તિમાન એવી ઈશ્વરીય શક્તિ જ બચાવી શકશે.
 સુરત.   પંકજ શાં.મહેતા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

સુરતના ‘ફેમિલી ડૉક્ટરો’
પહેલી જુલાઈએ રાષ્ટ્રીય ‘ડૉક્ટર ડે’ નિમિત્તે તળ સુરતનાં લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા હતા એવા ડૉકટરોને આ તકે યાદ કરવા પડે. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યની તબીબી સારવાર કરે તેને ‘ફેમિલી ડૉક્ટર’ કહેવાય. પહેલાં સુરતનાં પરાંઓમાં જૂજ એલોપથી દવાખાનાં હતાં. પહેલાંના સમયમાં સામાન્ય રોગ થતા હતા. એક બે દિવસની દવા લેવાથી દરદી સાજો થઈ જતો. મહોલ્લામાં કોઈક ના ઘરે ડૉકટર વિઝીટ પર આવે ત્યારે મહોલ્લામાં ચિંતાનો વિષય બનતો, બિમાર દર્દીની ખબર અંતર પૂછવા અને મદદે મહોલ્લાવાસીઓ દોડી જતાં.

તળ સુરતના જાણીતા દિવંગત ફેમિલી ડૉકટરોમાં સગરામપુરામાં ડૉ.નાનુભાઈ દેસાઈ, ડૉ.હરિસુદભાઈ શાસ્ત્રી, ડૉ.મધુસુદન વૈધ, રૂસ્તમપુરામાં ડૉ.મગનભાઈ દૂધવાલા, ડૉ.મહેશભાઈ શાહ, ડૉ.દિનસાજી ડુમસિયા, ગોપીપુરામાં ડૉ.નવનીતભાઈ નાગરવાડિયા, કોટસફીલ રોડ ખાતે ડૉ.મનુભાઈ જોશી, પીરછડી રોડ પર ડૉ.નવિનભાઈ ચાંગાવાલા, બેગમપુરામાં ડૉ.એ.ટી. દેસાઈ અને ડૉ.ઈશ્વરભાઈ કાપડિયા, ઈંદરપુરામાં ડૉ.સન્મુખભાઈ કાપડિયા અને ડૉ.પ્રવીણભાઈ ચાંગાવાલા, સલાબતપુરામાં ડૉ.ધીરજભાઈ યાજ્ઞિક, ડૉ.ઈન્દ્રજીતભાઈ વૈદ્ય, ડૉ.પ્રવીણભાઈ વૈદ્ય, ડૉ.કિશોરભાઈ આઇટોડા, ડૉ.કુમુદભાઈ વૈદ્ય વિ. જેવા નામી અનામી પ્રામાણિક ‘ફેમિલી ડૉકટરો’ સુરતીઓને તંદુરસ્ત રાખતા હતા.
સુરત.           -કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top