ગુજરાતની કૃષિમાં બેફામ જંતુનાશકો છાંટવામાં આવતાં હોવાથી રોજ ૧૦૦ લોકોના સીધી કે આડકતરી રીતે કેન્સરથી મોત થઈ રહ્યાં છે. ગુજરાતમાં ૩ વર્ષમાં કેન્સરના ૨ લાખ નવા દર્દીઓ શોધાયા છે. વર્ષ ૨૦૧૮ માં ગુજરાતમાં કેન્સરના નવા ૬૬ હજાર દર્દીઓ શોધાયા હતા. ૨૦૨૦ માં કેન્સરના નવા ૭૦ હજાર દર્દીઓ શોધાયા છે અને ૨૦૨૪માં ગુજરાતમાં કેન્સરના એક લાખ નવા દર્દીઓ શોધાયા હશે. તેના માટે ખેતરોમાં પાક પર આવતાં જંતુઓના નાશ માટે અને ખડના નાશ માટે વપરાતી ૧૦૪ ઝેરી દવાઓ જવાબદાર છે. અગાઉ ડાયાબીટીશ અને હૃદયરોગમાં ભારતમાં ગુજરાતના સૌથી વધુ દર્દીઓ હતા. હવે ગુજરાતમાં કેન્સરના સૌથી વધુ દર્દીઓ આવી રહ્યા છે. હવે પંજાબને પછાડીને ગુજરાત કેન્સરમાં ભારતમાં ટોપ ટેનમાં આવી ગયું છે. ગુજરાતમાં સ્તન કેન્સરના ૩૦ ટકા અને મોંઢાના કેન્સરના ૩૬ ટકા દર્દીઓ છે, જે જંતુનાશકો અને તમાકુના કારણે છે.
ગુજરાતનાં ખેતરોમાં ૬,૨૦૦ મેટ્રિક ટન જંતુનાશકો ઉપરાંત ૪ હજાર ટન ફૂગનાશકો અને ખડનાશકો મળીને કુલ ૧૦,૨૦૦ ટન જંતુનાશકોનો વપરાશ થઈ રહ્યો છે. તથા ૧,૮૨,૨૦૦ હેક્ટરમાં ૪,૦૭,૦૬૦ મેટ્રિક ટન તમાકુ ઉત્પન્ન કરીને અને બીડી, સિગારેટ, તેમ જ ગુટખાના કારણે કેન્સર વધી રહ્યું છે. કૃષિમાં વપરાતાં ૧૦૪ જંતુનાશકોની સમીક્ષા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે પિટીશન દાખલ કરનારા જે.એસ. સંધુને સરકારી સમિતિ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું હતું.
કેન્દ્ર સરકારે માત્ર ૧૮ જંતુનાશકો પર પ્રતિબંધ મૂક્યો હોવાથી આ સમિતિએ પણ માત્ર ૧૮ ને જ ગણતરીમાં લીધાં હતાં. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ જંતુનાશકોને ઝેરની શ્રેણી ‘ક્લાસ-૧બી’માં સામેલ કર્યાં છે. કેન્દ્ર સરકારે જે ૧૮ જંતુનાશકો પર પ્રતિબંધ મૂક્યો છે તેમાં મોનોક્રોટોફોસ નામનાં ઘાતક જંતુનાશકોનો સમાવેશ થતો નથી. ભારતમાં કુલ ૧૦૪ જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ અન્ય દેશોમાં તેના પર પ્રતિબંધ છે.
મહારાષ્ટ્ર વર્ષે ૧૩,૪૯૬ મેટ્રિક ટન જંતુનાશકો વાપરે છે. ઉત્તર પ્રદેશમાં ૧૧,૫૦૦ ટન અને ગુજરાતમાં ૬,૨૦૦ ટન જંતુનાશકો વપરાય છે. પંજાબ ૫,૨૦૦ ટન જંતુનાશકો વાપરે છે. ૨૭ મોટાં કારખાનાઓમાં મહિને ૨૧ હજાર ટન જંતુનાશક દવાઓ ભારત બનાવે છે. દેશમાં વર્ષે બે લાખ ટન જંતુનાશક દવાઓ બને છે. ભારતમાં દર મહિને ૮ લાખ ટન કેમિકલ પેદા થાય છે. જંતુનાશક અધિનિયમ ૧૯૬૮ આ રસાયણોની ખતરનાક અસરો સામે રક્ષણ આપતો નથી. તીવ્ર ઝેરના કારણે કૃષિ કામદારો અને ખેડૂતોનાં વ્યાપક મૃત્યુ થાય છે કે હોસ્પિટલમાં દાખલ થવું પડે છે.
ભારતીયોના ખોરાકમાં પ્રતિબંધિત જંતુનાશકોના અવશેષો આવી રહ્યાં છે. નકલી કે ખોટા બ્રાન્ડેડ રાસાયણિક જંતુનાશકો જૈવિક જંતુનાશકો તરીકે વેચવામાં આવે છે. ઝેરના કારણે પક્ષીઓ, વન્ય જીવો અને પાણીમાં માછલીઓનાં મોત થઈ રહ્યાં છે. સરેરાશ ભારતીય ખોરાક સાથે તેના દૈનિક આહારમાં ૦.૨૭ મિલિગ્રામ ડીડીટીનું સેવન કરે છે, પરિણામે સરેરાશ ભારતીયના શરીરની પેશીઓમાં સંચિત ડીડીટી સ્તર ૧૨.૮ થી ૩૧ પીપીએમ છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. જંતુનાશકનું સ્તર ઘઉંમાં ૧.૬ થી ૧૭.૪ પીપીએમ, ચોખામાં ૦.૮ થી ૧૬.૪ પીપીએમ, કઠોળમાં ૨.૯ થી ૧૬.૯ પીપીએમ, મગફળીમાં ૩.૦ થી ૧૯.૧ પીપીએમ, લીલા શાકભાજીમાં ૫.૦૦ અને બટાટામાં ૬૮.૫ પીપીએમ મળે છે.
ગુજરાતમાં ડેરીના દૂધમાં ૯૦ ટકા નમૂનાઓમાં ૪.૮ થી ૬.૩ પીપીએમ સુધી ડીલડ્રીન નામનું ઝેર મળી આવ્યું હતું. ખેતીમાં રાસાયણિક ઝેરના ઉપયોગથી નદીઓનાં પાણી પણ ઝેરી બની ગયાં છે. તળાવોનાં પીવાનાં પાણીમાં ૦.૦૨ થી ૦.૨૦ પીપીએમ સુધીના જંતુનાશકો મળી આવ્યા છે. સરકારી ડેટા કહે છે કે વર્ષ ૨૦૧૯ માં ભારતમાં જંતુનાશકોને કારણે ૩૧,૨૦૬ લોકો મૃત્યુ પામ્યા હતા. જંતુનાશકોની લાંબા ગાળાની અસરો ઊમેરીએ તો આ સંખ્યા લાખોમાં હશે.
હજુ પણ એવાં ઘણાં જંતુનાશકો છે, જેને તેમની ખતરનાક અસરોને કારણે અન્ય ઘણા દેશોમાં પ્રતિબંધિત કર્યાં છે, પણ તે ભારતમાં વેચાય છે. સરકારે વર્ષ ૨૦૧૮માં ૯ અને ૨૦૧૯માં ૧૮ જંતુનાશકો પર પ્રતિબંધ મૂક્યો હતો; જેમાં બેનોમિલ, કાર્બારીલ, ડાયઝીનોન, ફેનારીમોલ, ફેન્થિઓન, લિન્યુરોન, મેથોક્સી એથિલ મર્ક્યુરી ક્લોરાઇડ, મિથાઈલ પેરાથિઓન, સોડિયમ સાયનાઈડ, થિયોમોટોન, ટ્રાઈડેમોર્ફિલ, એલેક્લોર, ડિક્લોરવોસ, ફોરેટ, ફોસ્ફેમિડોન, ટ્રાયઝોફોસ છે. બિયારણ પર પ્રક્રિયા કરવા માટે વપરાતી જંતુનાશક દવાઓ થિરમ, કેપ્ટાન, ડેલ્ટામેથ્રિન અને કાર્બેન્ડિઝમનો સમાવેશ પ્રતિબંધિત યાદીમાં થાય છે. કુલ ૨૭ જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ છે.
અનુપમ વર્મા સમિતિએ ૬૬ જંતુનાશકોની સમીક્ષા કરી અને તેમાંથી ૧૮ જંતુનાશકો પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી. ૬૬ જંતુનાશકો એવાં છે કે જે વિદેશોમાં પ્રતિબંધિત છે, પણ ભારતમાં વપરાય છે. ૨૭ અન્ય જંતુનાશકોની સમીક્ષા હવે કરવામાં આવશે. મોનોક્રોટોફોસ નામના જંતુનાશકના કારણે હજારો લોકોનાં મોત થયાં છે. બિહારના છપરા જિલ્લાની એક શાળામાં વર્ષ ૨૦૧૩માં મધ્યાહ્ન ભોજન લીધા બાદ ૨૩ બાળકોનાં મૃત્યુ માટે આ જ જંતુનાશકને જવાબદાર ગણવામાં આવ્યું હતું. પાંચ ટકા જંતુઓ, ફૂગ અને રોગ પેદા કરતાં બેક્ટેરિયા ખતરનાક રસાયણોની અસરો સામે પ્રતિરક્ષા પ્રાપ્ત કરે છે. આવા જંતુઓ ધીમે ધીમે વધુ પ્રતિકાર ક્ષમતા ધરાવતી નવી પેઢીઓને જન્મ આપે છે. તેને મારવા માટે વધુ ઝેરીલાં રસાયણો બનાવવા પડે છે.
ખેતરમાં ઉગાડાતાં દરેક ટામેટાં, બટાકા, સફરજન, નારંગી, ચીકુ, ઘઉં, ડાંગર અને દ્રાક્ષ જેવી ખાદ્ય ચીજો પર આ ઝેરી રસાયણોનો છંટકાવ કરવામાં આવે છે. આ ઘાતક તત્ત્વો ફળો, શાકભાજી અને બીજમાં પણ પ્રવેશ કરે છે, જે લોકો ખાય છે. આ ઝેર આપણા શરીરમાંથી પરસેવા, શ્વાસ, મળ કે પેશાબ દ્વારા બહાર નથી આવતું પરંતુ શરીરના કોષોમાં ફેલાઈને અસાધ્ય રોગો અને વિવિધ પ્રકારના કેન્સરને જન્મ આપે છે. રાસાયણિક દવાથી ઉગાડેલા ખેત પેદાશોનું સેવન કરવાથી માથાનો દુ:ખાવો, ત્વચાની સમસ્યા, અલ્સર, એસીડીટી, અપચો અને પછી કેન્સર થાય છે.
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં હરિયાણાના રોહતકમાં એલ્યુમિનિયમ ફોસ્ફાઈડની ઝેરી અસરોના ૧૧૪ , ઉત્તર પ્રદેશમાં ૫૫ અને હિમાચલ પ્રદેશમાં ૩૦ ઉદાહરણો મળ્યાં છે. ઉત્તર પ્રદેશમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવેલા ઘઉંના લોટની પુરીઓ ખાવાથી ૧૫૦ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે કેરળમાં કાલિડોલ નામની જંતુનાશક દવા છાંટેલા ઘઉંના લોટના ઉપયોગને કારણે ૧૦૬ લોકોનાં મોત થયાં હતાં.
આ જંતુનાશકોએ લાખો લોકોને કાયમ માટે બીમાર બનાવ્યા છે. જેમાંથી મોટાભાગના લોકો ઉબકા, ઝાડા, અસ્થમા, સાઇનસ, એલર્જી, રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો અને મોતિયાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. માતા બાળકોને સ્તનપાન દ્વારા જંતુનાશક રસાયણોનાં ઝેરી પદાર્થોનું સેવન કરાવે છે, જેના કારણે બાળકોમાં શારીરિક વિકલાંગતાનાં કાયમી લક્ષણો જોવા મળે છે. આ પ્રદૂષણને કારણે મહિલાઓમાં સ્તન કેન્સર વધી રહ્યું છે, ગર્ભાશય અને માસિક ધર્મની નિયમિતતા પર વિપરીત અસર થઈ રહી છે અને પુરુષોની પ્રજનનક્ષમતા સતત ઘટી રહી છે.