Business

શાંતિ રક્ષક અભિયાનોમાં જીવનનું બલિદાન આપનાર સૈનિકોનાં નામ કોતરવા યુએન ખાતે ભીંત ઉભી કરવાનો ઠરાવ ખૂબ સરાહનીય

હાલમાં સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાએ ભારત દ્વારા રજૂ કરાયેલો એ ઠરાવ સર્વાનુમતે સ્વીકાર્યો છે કે ફરજ બજાવતી વખતે માર્યા ગયેલા શાંતિરક્ષક સૈનિકોના માનમાં યુએનના વડામથકે એક સ્મૃતિ ભીંત ઉભી કરવામાં આવે. યુએનની સામાન્ય સભામાં આ ઠરાવ ગયા બુધવારે વિક્રમી ૧૯૦ કો-સ્પોન્સરશીપો સાથે પસાર થયો હતો જે એના થોડા દિવસ પહેલા થયું છે જ્યારે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએનની સત્તાવાર મુલાકાત યોજાનાર છે અને તેઓ ૨૧ જૂને યુનાઇટેડ નેશન્સના વડામથકે યોજાનાર આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીમાં ભાગ લેનાર છે.

યુએન ખાતેના ભારતના કાયમી પ્રતિનિધિ રૂચિરા કંબોજે યુએનની સામાન્ય સભાના ખંડમાં બુધવારે આ ઠરાવનો મુસદ્દો રજૂ કર્યો હતો જેનું નામ ફરજ બજાવતા મૃત્યુ પામેલા સંયુક્ત રાષ્ટ્રોના શાંતિરક્ષકોના માનમાં સ્મૃતિ દિવાલ એવું હતું. આ ઠરાવ સર્વસંમતિથી સ્વીકારાયો હતો. ભારતની આ દરખાસ્ત બિલકુલ વાજબી છે અને તેને આટલો વ્યાપક ટેકો યુએનમાં મળ્યો તે સરાહનીય તો છે જ પરંતુ આવું થવું જરૂરી પણ હતું કારણ કે યુએનના શાંતિરક્ષક અભિયાનોમાં સૌથી વધુ ફાળો આપનાર દેશોમાં ભારતનું સ્થાન આગળ પડતું રહ્યું છે.

યુએનની સામાન્ય સભામાં ભારત વતી આ ઠરાવ યુએન ખાતેના ભારતના કાયમી પ્રતિનિધિ રૂચિરા કંબોજે રજૂ કર્યો હતો. સભ્ય રાષ્ટ્રોની આ આવકાર્ય પહેલ છે કે યુએનના વડામથકે એક સ્મૃતિ ભીંત ઉભી કરવામાં આવે, જેમાં જેમણે સર્વોચ્ચ બલિદાન આપ્યું હોય તેવા શાંતિરક્ષક સૈનિકોના નામો કોતરવા સહિતની વિધિઓનો સમાવેશ થશે એ મુજબ આ ઠરાવ રજૂ કરતા કંબોજે કહ્યું હતું. વિવિધ અશાંત દેશોમાં યુએનના અભિયાનમાં શાંતિ રક્ષક સૈનિકો મોકલવાની બાબતમાં દુનિયાભરમાં ભારતનો ત્રીજો ક્રમ આવે છે જ્યારે આવા શાંતિ રક્ષક અભિયાનોમાં અત્યાર સુધી ભારતના ૧૭૭ સૈનિકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે જે યુએનના શાંતિ રક્ષક અભિયાનોમાં ફાળો આપનાર અન્ય કોઇ પણ દેશના માર્યા ગયેલા શાંતિરક્ષકો કરતા મોટી સંખ્યા છે.

એવું નક્કી થયું છે કે આ સ્મૃતિ ભીંતનું આયોજન, બાંધકામ અને જાળવણીનો તમામ ખર્ચ સમગ્રપણે સ્વૈચ્છિક ફાળાઓમાંથી આવશે. યુએનના વડામથકના પરિસરમાં આ ભીંત ઉભી થાય અને તેમાં શાંતિ અભિયાનોમાં પોતાના જીવનના બલિદાન આપનાર વિવિધ દેશોના સૈનિકોના નામ કોતરાય તે તેમને ઘણી સારી અંજલિ અને સન્માન ગણાશે અને તે મેળવવાના તેઓ હકદાર છે જ. પોતાના દેશના આદેશ મુજબ અને દેશની વિશ્વ શાંતિ પ્રત્યેની પ્રતિબધ્ધતામાં ફાળો આપવા માટે યુએનના શાંતિ અભિયાનમાં જોડાવા આ સૈનિકો કોઇ દૂર સુદૂરના પારકા દેશમાં શાંતિ જાળવવાની કામગીરી માટે જાય અને ત્યાં જો જીવ ગુમાવે તો સાચે જ ઘણુ મોટું બલિદાન ગણાય.

યુએનના શાંતિ રક્ષક અભિયાનોની શરૂઆત થઇ ત્યારથી તેમાં ફાળો આપવાની ભારતની એક સમૃદ્ધ પરંપરા રહી છે. ભારતે યુએનના વિવિધ શાંતિ રક્ષણ અભિયાનોમાં અત્યાર સુધીમાં અંદાજે ૨૭પ૦૦૦ જેટલા સૈનિકો મોકલ્યા છે જેમાંથી ૧૭૭ સૈનિકોએ આ અભિયાનો દરમ્યાન થયેલી અથડામણ વગેરેમાં પોતાના જીવ ગુમાવ્યા છે. અત્યારે પણ યુએનના ૧૨ મિશનોમાં ભારતના પ૯૦૦ જેટલા સૈનિકો તૈનાત છે એમ ગયા મહિનાના અંતભાગના આંકડાઓ જણાવે છે.

કોઇ અશાંત વિસ્તારના બે પક્ષકારો વચ્ચે એકવાર શાંતિ સંધિ થાય અને તેમાં શામેલ પક્ષકારો યુએનને વિવિધ બાબતો પર ધ્યાન રાખવા શાંતિ રક્ષક દળ મોકલવાની વિનંતી કરે ત્યારે સામાન્ય રીતે આવા દળો મોકલવામાં આવે છે. યુએનની સુરક્ષા પરિષદ આવી વિનંતી પછી કોઇ ચોક્કસ શાંતિ રક્ષક અભિયાન શરૂ કરવાની મંજૂરી આપે પછી તેના પર કામગીરી શરૂ થાય છે અને વિવિધ તટસ્થ દેશોના સૈનિકો વડે એક હંગામી દળ ઉભું કરવામાં આવે છે. યુએન પાસે પોતાનું કોઇ લશ્કર નથી, તેથી આવા શાંતિ રક્ષક દળોમાં વિવિધ દેશો પોત પોતાના ફાળા તરીકે પોતાના સૈનિકો મોકલે છે.

આવા સૈનિકો મોકલવામાં પાકિસ્તાન પણ મોખરે છે તેની પણ નોંધ લેવી પડે. કેટલીક વખત અશાંત પ્રદેશમાં આવા શાંતિ રક્ષક સૈનિકો પર જ હુમલા થઇ જાય છે કે પછી વિવિધ પક્ષકારો વચ્ચે ચાલતી લડાઇમાં હસ્તક્ષેપ કરવા જતા શાંતિ રક્ષક દળના સૈનિકોનાં પણ મોત થાય તેવું બની શકે છે. આપણે અગાઉ જોયું તેમ આ સૈનિકોનું આવું બલિદાન ઘણુ ઉત્કૃષ્ટ પ્રકારનું બલિદાન કહેવાય અને તેમનું નામ અમર કરવા યુએન વડામથકે ભીંત પર તેમનું નામ કોતરવામાં આવે તે યોગ્ય અને જરૂરી હતું અને ભારતની દરખાસ્તથી મોડે મોડે પણ આવી દિવાલ યુએન વડામથકે ઉભી કરવાનું નક્કી થયું છે તે યોગ્ય જ થયું છે.

Most Popular

To Top