Columns

મૂળ સ્વભાવ

ઝેન ગુરુ બેનકેઈના આશ્રમમાં તેમનો એક જુનો શિષ્ય આવ્યો અને આવીને ગુરુજીને કહેવા લાગ્યો, ‘ગુરુજી, મારો ગુસ્સો મારા અંકુશમાં રહેતો નથી અને ગમે ત્યારે એકદમ અચાનક ખરાબ રીતે બહાર આવે છે.આ બેકાબૂ ગુસ્સાને હું કઈ રીતે કાબૂમાં કરું? કઈ રીતે આ સ્વભાવને સુધારું કંઈ સમજાતું નથી.’ ઝેન ગુરુ બોલ્યા, ‘અરે, સારી વાત છે કે તને ખબર પડે છે કે તારો ગુસ્સાવાળો સ્વભાવ ખરાબ કહેવાય …ઘણાને આ ખબર જ પડતી નથી.પણ હવે મારે જાણવું છે કે તું મારો શિષ્ય છે અને જ્ઞાની છે છતાં તારો સ્વભાવ આવો છે તે થોડું વિચિત્ર કહેવાય.મને બતાવ કેવો ગુસ્સો તું કરે છે.’

શિષ્ય મૂંઝાયો. બોલ્યો , ‘ગુરુજી, એમ હું તમને અત્યારે કઈ રીતે બતાવી શકું? અને તમારી સામે તો હું ગુસ્સો કેમ કરી શકું?’ઝેન ગુરુએ પૂછ્યું, ‘કેમ તારો સ્વભાવ છે તો તારે જ બતાવવો પડે ને બોલ તું કયારે મને તારો ગુસ્સાવાળો સ્વભાવ બતાવી શકીશ?’શિષ્ય બોલ્યો, ‘ગુરુજી, એ તો હું કેવી રીતે કહી શકું? મારો ગુસ્સો તો ગમે ત્યારે અચાનક બહાર આવે છે.ઓચિન્તાનું મગજ ફાટે છે અને હું ગુસ્સો કરવા લાગુ છું.’ ઝેન ગુરુ બોલ્યા, ‘અચ્છા એમ વાત છે…તને ખબર છે કે હું ગુરુ છું તો મારી સામે ગુસ્સો ન કરાય.

એટલે એ તો સાબિત થાય છે કે આ તારો મૂળ સ્વભાવ નથી.’ શિષ્ય ફરી મૂંઝાયો અને બોલ્યો, ‘પણ ગુરુજી, હું પોતે તમને કહું છું કે મારો સ્વભાવ એકદમ ગુસ્સાવાળો છે.’ ગુરુજી બોલ્યા, ‘ના, એવું મને નથી લાગતું.જો તારો સ્વભાવ ગુસ્સાવાળો જ હોત તો તું મને હમણાં જ ગુસ્સો કરીને બતાવી શકત.તારો જન્મ થયો ત્યારે તું એ ગુસ્સો સાથે લઈને જન્મ્યો નથી અને તારા માતાપિતાએ પણ તને આ ગુસ્સો ભેટમાં આપ્યો નથી.

તો પછી વિચાર કર કે આ ગુસ્સો આવે છે ક્યાંથી?’ શિષ્ય વિચારમાં પડ્યો.ઝેન ગુરુ બોલ્યા, ‘માત્ર તારામાં નહિ, પણ કોઈનામાં પણ ગુસ્સો ઉદ્ભવે છે જયારે મનગમતું ન થાય અને જે થાય અને જે થતું હોય તેનું મન સ્વીકાર કરવા તૈયાર ન થાય.બધું મારી જ ઈચ્છા પ્રમાણે થાય તે જીદ અને અસ્વીકારની ભાવના મનમાં ગુસ્સો જગાડે છે.બસ જીવનમાં સ્વીકાર ભાવ કેળવ…તો તારો સ્વભાવ બદલાવા લાગશે કારણકે કોઈનો મૂળ સ્વભાવ ગુસ્સાવાળો હોતો જ નથી.’ગુરુજીએ સાચી સમજણ આપી.

Most Popular

To Top