અમેરિકી સંરક્ષણ મંત્રી લોઇડ ઓસ્ટિન હાલમાં ભારતની બે દિવસની મુલાકાતે આવી ગયા. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે તેમણે મંત્રણા કરી અને અનેક મહત્વના સંરક્ષણ સહકારના કરારો કરી ગયા. સોમવારે રાજનાથ સિંહ સાથે ઓસ્ટીનની જે મંત્રણાઓ યોજાઇ તેમાં બંને દેશો સંરક્ષણ અંગેની ટેકનોલોજીની એકબીજાને ટ્રાન્સફર ઝડપી બનાવવા સહમત થયા છે અને બીજી પણ મહત્વની સમજૂતિઓ બંને દેશો વચ્ચે થઇ છે.
બંને દેશોના સંરક્ષણ મંત્રીઓ અને અધિકારીઓ વચ્ચેની મંત્રણાઓ દરમ્યાન ભારત અને અમેરિકાએ ટેકનોલોજીની ટ્રાન્સફરને ઝડપી બનાવવા અને એર કોમ્બેટ અને લેન્ડ સિસ્ટમો સહિતના લશ્કરી પ્લેટફોર્મ્સના સહિયારા ઉત્પાદનને વેગ આપવા માટે સંરક્ષણ ઉદ્યોગ સહકાર માટેની એક મહત્વાકાંક્ષી રૂપરેખાને આખરી ઓપ આપ્યો હતો, જે પગલું ઇન્ડો- પેસેફિક પ્રદેશમાં ચીનની વધતી જતી આક્રમક વર્તણૂકનાં સંજોગોમાં આવ્યું છે. દેખીતી રીતે જ ભારત અને અમેરિકા વચ્ચેનો વધતો લશ્કરી સહકાર પણ ચીનની આક્રમકતાનો ભેગા થઇને સામનો કરવા માટે જ છે.
હાલ અમેરિકી સંરક્ષણ મંત્રી સાથે ભારતીય સંરક્ષણ મંત્રીની મંત્રણામાં ખરેખર તો સંરક્ષણ સહકાર માટેનું એક નવું માળખું જ ગોઠવાયું લાગે છે. સહકાર માટેનું આ નવું માળખું સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ભારતની મુલાકાતે પધારેલા અમેરિકી સંરક્ષણ મંત્રી લોઇડ ઓસ્ટિન વચ્ચેની મંત્રણા દરમ્યાન નક્કી કરવામાં આવ્યું હતું, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વૉશિંગ્ટનની સત્તાવાર મુલાકાતના બે સપ્તાહ પહેલા થયું છે. વડાપ્રધાન મોદી આ મહિનાની ૨૧મીથી ૨૪મી તારીખે અમેરિકાની મુલાકાતે જનાર છે અને આ તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત હશે.
આ પહેલા મોદી વડાપ્રધાન બન્યા બાદ અનેક વખત અમેરિકાની યાત્રાએ જઇ આવ્યા છે પરં તુ આ તેમની પહેલી સત્તાવાર યાત્રા હશે. કારણ કે અમેરિકી પ્રમુખ જો બાઇડન અને પ્રથમ સન્નારી જિલ બાઇડને તેમને સત્તાવાર ભોજન માટે આમંત્રણ આપ્યું છે જે આજ પહેલા કોઇ અમેરિકી પ્રમુખે મોદીને આપ્યું ન હતું. આમ તો મોદી ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ મિત્ર મનાતા હતા અને તે રીતે બાઇડનને તેમના તરફ સહેજ નારાજગી હોય તે સ્વાભાવિક છે પરંતુ મોદીને અને ભારતને બાઇડન આટલું મહત્વ આપે છે તેનું દેખીતું કારણ જ ચીન છે.
ચીનની વધતી આક્રમકતા સામે બંને દેશોને એકબીજાની ગરજ છે. ભારતની મુલાકાતને અમેરિકી સંરક્ષણ મંત્રીએ બે દિવસ ફાળવ્યા તેની પાછળ પણ સ્વાભાવિક રીતે ચીન જ કારણભૂત જણાય છે. રાજનાથ સિંહ અને ઓસ્ટિને પુરવઠા વ્યવસ્થાની સલામતી અને પરસ્પરના હિતના સંરક્ષણ ખરીદી કરાર માટેના માળખા માટે પણ મંત્રણા શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. અમેરિકાના સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે અમેરિકા અને ભારતનો સહકાર મહત્વનો છે કારણ કે આપણે તમામ એક ઝડપથી બદલાતા વિશ્વનો સામનો કરી રહ્યા છીએ. આપણે ચીનના લશ્કરની દાદાગીરી અને આક્રમકતાને જોઇએ છીએ અને યુક્રેન સામે રશિયાના આક્રમણને જોઇ રહ્યા છીએ જે સરહદો ફરી દોરવા માગે છે અને રાષ્ટ્રીય સાર્વભૌમત્વ સામે ખતરો ઉભો કરે છે.
એવું જાણવા મળે છે કે રાજનાથ અને ઓસ્ટિન વચ્ચે ફાઇટર જેટ એન્જિનો માટે ભારતને ટેકનોલોજી આપવાની જનરલ મોટર્સની દરખાસ્ત અંગે પણ ચર્ચા થઇ હતી અને અમેરિકી સંરક્ષણ કંપની જનરલ એટોમિક્સ એરોનોટિકલ સિસ્ટમ્સ પાસેથી ૩ અબજ ડોલરના ખર્ચે ૩૦ એમક્યુ-૯બી સશસ્ત્ર ડ્રોન્સ ખરીદવા માટેની ભારતની યોજના અંગે પણ ચર્ચા થઇ હતી. એમ જાણવા મળે છે કે મોદીની અમેરિકા યાત્રા દરમ્યાન આ એન્જિન સોદા અંગેની જાહેરાત થઇ શકે છે. અમેરિકી સંરક્ષણ મંત્રીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલ સાથે પણ અલગથી મંત્રણા કરી હતી. સંરક્ષણ મંત્રાલયે પોતાના નિવેદનમાં મંત્રણાને ઉષ્માભરી અને સહકારપૂર્ણ ગણાવી હતી.
આપણે અગાઉ જોયું તેમ ચીનની વધતી આક્રમકત સામે ભારત અને અમેરિકા બંનેને એકબીજાની ગરજ છે. ભારતની ઉત્તરીય સરહદે લદાખ, અરૂણાચલ અને હવે તો ઉત્તરાખંડ સરહદે પણ ચીન જાત જાતના ગતકડા કરતું રહે છે. દેખીતી રીતે ભારતને ચીન સામે ટક્કર લેવા અમેરિકાની હૂંફ અને સહકારની જરૂર છે. બીજી બાજુ પેસેફિક ક્ષેત્રમાં, દક્ષિણ ચીની સમુદ્રમાં ચીન અત્યંત આક્રમક વલણ છેલ્લા કેટલાક સમયથી અપનાવી રહ્યું છે અને અમેરિકા સહિતના દેશોના વેપારી જહાજો માટે પણ તે અડચણો ઉભી કરે છે.
આ ક્ષેત્રમાં ચીનની દાદાગીરીનો સામનો કરવા માટે અમેરિકાએ જાપાન અને ઓસ્ટ્રેલિયાનો તો સહકાર લીધો જ છે પરંતુ ઇન્ડો-પેસેફિક ક્ષેત્રની એક વગદાર નૌકા શક્તિ તરીકે ભારતનો પણ સહકાર લીધો છે અને ક્વાડ સંગઠનની રચના જ પેસેફિક ક્ષેત્રમાં ચીનની આક્રમકતાનો સામનો કરવા માટે થઇ છે. અમેરિકા પ્રસંગોપાત પાકિસ્તાનને પણ મદદ કરે છે પરંતુ તે બાબતે નારાજ થઇને ભારત અમેરિકા સાથે સંબંધો બગાડી શકે નહીં અને ભારતની રશિયા સાથેની નિકટતા છતાં અમેરિકા ભારત સાથે સંબંધ બગાડતું નથી કારણ કે ચીનનો મુકાબલો કરવા બંનેને એકબીજાની જરૂર છે.