સાપુતારા: ડાંગ (Dang) જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે આવેલી પ્રતિષ્ઠિત દીપદર્શન ઈંગ્લીશ મીડીયમ માધ્યમની શાળામાં (DipDarshan English Medium School) શિક્ષિકા દ્વારા માસૂમ બાળકને ઢોર માર (Teacher Beat Student) મારવાની ઘટના પ્રકાશમાં આવતા જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ડાંગ જિલ્લાની દીપદર્શન ઈંગ્લીશ મિડીયમ શાળામાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતો સમર્થકુમાર અરૂણ સોનવણે (ઉ.5. રે. આહવા)ને શાળાનાં શિક્ષિકા દ્વારા અંગ્રેજી વિષયની પરીક્ષામાં ધીમું લખવા બાબતેની નજીવી ભૂલની આકરી સજા આપી છે. આ દીપદર્શન શાળાની શિક્ષિકાએ શિક્ષણની ગરીમાને ભૂલી જઈ માસૂમ બાળકને ઢોર માર મારી ધીબી નાખતા આ માસૂમ બાળકનાં શરીરે લાલ લીસોટા પડી જવા પામ્યા હતા.
આ બનાવની જાણ બાળકે ઘરે આવી માતાને કરતા માતા -પિતા શાળામાં દોડી ગયા હતા. પરંતુ શાળા સંચાલકો દ્વારા પણ બાળકને નાપાસ કરવાની ધમકી આપી કેસ ન કરવા બાબતે માતા પિતા પર દબાણ કરતા નિસહાય બન્યા હતા. તેવામાં દીપદર્શન શાળાનાં ઈંગ્લીશ મીડીયમમાં જુનિયર કેજીનાં વિદ્યાર્થીને માર મરાયા હોવાનાં ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા ડાંગ શિક્ષણ જગતમાં કલંકિત ઘટના લેખાવાની સાથે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે આ સમગ્ર ઘટના માટે જવાબદાર દીપદર્શન શાળાનાં સંચાલકો અને માર મારનાર શિક્ષિકા સામે કડક પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
જવાબદારો સામે કડક પગલાં લેવાશે: જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઠાકર
દીપદર્શન શાળામાં ઈંગ્લીશ મીડીયમમાં ભણતા માસૂમ વિદ્યાર્થીને માર મરાયોની ઘટના પ્રકાશમાં આવતા ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી વી.ડી.દેશમુખ અને પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રભાઈ ઠાકરે તુરંત જ શાળામાં દોડી ગયા હતા. આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રભાઈ ઠાકરેએ જણાવ્યું હતું કે માસુમ બાળકને માર મરાયાની ઘટના ઘણી દુઃખદ બાબત છે. આ સમગ્ર બાબતે અમોએ વાલીને મળીને તુરંત જ રિપોર્ટનાં આદેશ કરી તપાસ સોંપી દેવામાં આવ્યો છે.આ ઘટનામાં જે પણ જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ડાંગ જિલ્લામાં આવી ઘટનાને ચલાવી લેવામાં આવશે નહી.