ગાંધીનગર: અર્થતંત્રની કરોડરજ્જુ સમાન લઘુ, મધ્યમ અને સુક્ષ્મ ઉદ્યોગોના સર્વાંગી વિકાસ માટે ચાર આઇના મંત્ર ઉપર ભાર મૂકતા મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ટીગ્રિટી, ઇન્ક્લ્યુઝિવ ડેવલપમેન્ટ અને ઇન્ટરનેશનલ આઉટલૂકના સમન્વયથી ઔદ્યોગિક એકમોનું ઉત્પાદન વૈશ્વિક હરિફાઇ કરી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આ ચાર આઇના મંત્ર ઉપર ઉદ્યોગકારોએ ફોકસ કરવાની જરૂરિયાત છે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, એમએસએમઇ ગુજરાતનું અભિન્ન અંગ છે અને રાજ્યમાં હાલમાં ૮.૬૬ લાખ જેટલા આવા ઉદ્યોગો ધમધમી રહ્યા છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશ કોરોના મહામારી બાદની આર્થિક વિપદામાંથી બહાર આવી શક્યો તેના પાછળનું એક મહત્વનું કારણ મજબૂત એમએસએમઇ સેક્ટર પણ આ ઉદ્યોગોના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રકારના કદમો ઉઠાવવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત સીસીઆઇ-એક્પો-૨૦૨૩નું ઉદ્દઘાટન કર્યું હતું હતું. વડાપ્રધાન મોદીની આત્મનિર્ભર ભારત અને મેઇક ઇન ઇન્ડિયાને સંકલ્પનાને સાકાર કરતા આ એક્પોની ૧૨મી આવૃત્તિ માં વેન્ડર ડેવલપમેન્ટ ઉપર વિશેષ લક્ષ્ય આપવામાં આવ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના જાહેર સાહસો ઉપરાંત ખાનગી ઉત્પાદકો તેમાં ભાગ લઇ રહ્યા છે. મુખ્યમંત્રીએ ઉદ્દઘાટન કર્યા બાદ એક્પોના વિવિધ સ્ટોલની મુલાકાત પણ લીધી હતી.
પટેલે એમ પણ કહ્યું હતું કે, વિશ્વના ઉદ્યોગો ભારત તરફ આકર્ષાયા છે અને તેમાં ભારતમાં રોકાણ કરવામાં ગુજરાત સૌથી પ્રથમ પસંદગી હોય છે. આપણે વિદેશ જઇએ ત્યારે ખ્યાલ આવે છે કે, પીએમ મોદીના કારણે મોટા રોકાણકારો ગુજરાત ઉપર પસંદગીનો કળશ ઢોળે છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કોરોના પછી આજે એવી સ્થિતિ છે કે વિશ્વના વિકસિત અને મોટા દેશોમાં રોજગારી નોકરી છૂટતી જાય છે. આની સામે ભારત માં વડાપ્રધાન મોદીના દીર્ઘ દ્રષ્ટિ પૂર્ણ આયોજન થી રોજગારી નોકરીઓ મળતી જાય છે. રોકાણકારો માટે ગુજરાત આદર્શ ડેસ્ટીનેશન હોવાની ભૂમિકા આપતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, દેશમાં કાર્ગો હેન્ડલિંગ, સ્ટાર્ટઅપ, નિકાસ અને નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત સમગ્ર ભારતમાં અગ્રેસર રાજ્ય બન્યું છે. રાજ્યમાં ઉદ્યોગોની સ્થાપના અને આનુષાંગિક શ્રેષ્ઠ ભૌતિક સુવિધા ઉપલબ્ધ છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં પણ ગુજરાત ટોપ એચિવર સ્ટેટ છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, ગુજરાત દેશનો પાંચ ટકા ભૌગોલિક હિસ્સો ધરાવે છે, પણ દેશના કુલ ઘરેલું ઉત્પાદનમાં ૮ ટકા અને દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન ૧૮ ટકા જેટલું છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગુજરાતે છેલ્લા બે દાયકામાં સર્વાંગી વિકાસ સાધ્યો છે. ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, દેશના ડિફેન્સ તથા એરોસ્પેસ ક્ષેત્રમાં સૌથી મોટું રોકાણ વડોદરામાં થયું છે. આ રોકાણ સાથે એરક્રાક્ટ મેન્યુફેક્ચરિંગ માટે નવી ઇકોસિસ્ટમનો વિકાસ થશે. વડોદરાની એવિએશન હબ તરીકે નવી ઓળખ મળશે, તેનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.