Gujarat

ધારાસભ્ય કુંવરજી બાવળિયા સાંસદ પણ રહી ચૂક્યા છે જ્યારે પ્રફુલ્લ પાનશેરિયા બે ટર્મના કોર્પોરેટર

ગાંધીનગર : ગુજરાતના (Gujarat) રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત કેબિનેટ કક્ષાના ૦૮, રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા ૦૨ મંત્રીઓને અને રાજ્યકક્ષાના ૦૬ મંત્રીઓ એમ કુલ ૧૬ મંત્રીઓને આજે હેલિપેડ, ગાંધીનગર ખાતે વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં શપથ લેવડાવ્યા હતાં. મુખ્યમંત્રી સહિત નવ રચિત કેબિનેટના સભ્યોના પરિચયમાં ગુજરાતની ૧૫મી વિધાનસભાના ૧૭મા મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા ભૂપેન્દ્ર પટેલે ડિપ્લોમા સિવિલ એન્જિનિયર સુધીનો અભ્યાસ કર્યો છે તેમજ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ વર્ષ-૨૦૧૭માં અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતાં અને એક લાખ કરતાં પણ વધુ મતોથી જીત્યા હતાં. વર્ષ-૨૦૨૨માં ઘાટલોડિયા મત વિસ્તારમાંથી ૧.૯૨ લાખની જંગી બહુમતીથી જીત મેળવી હતી. તેઓ મેમનગર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અને ત્યારબાદ મેમનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે, અમદાવાદ સ્કૂલબોર્ડના વાઇસ ચેરમેન તરીકે, થલતેજ વોર્ડના કાઉન્સિલર તરીકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અને ત્યારબાદ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના ચેરમેન તરીકે સેવા આપી ચૂક્યા છે.
તેમની પ્રતિભા કર્મઠ અને નિષ્ઠાવાન સમાજ સેવકની છે. સરદારધામ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓમાં તેઓ વર્ષોથી યોગદાન આપતા આવ્યાં છે. તેઓ આધ્યાત્મિક ગુરુ દાદા ભગવાનમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે. તેઓ ક્રિકેટ અને બેડમિન્ટનનો શોખ ધરાવે છે.

(2)કનુભાઇ દેસાઇ
કેબિનેટ સભ્યોમાં કનુભાઈ મોહનલાલ દેસાઈનો જન્મ ૩જી ફેબ્રુઆરી, ૧૯૫૧માં ઉમરસાડી ગામે થયો હતો. તેઓ વિધાસનભાની પારડી-વલસાડ બેઠક પર વિજતા બન્યા હતા. તેઓ બી.કોમ., એલએલ.બી. (સ્પેશિયલ) સુધીનો અભ્યાસ કરેલો છે. બે ટર્મ તેઓ ધારાસભ્ય તરીકે સેવા આપી ૧૪મી વિધાનસભામાં નાણા મંત્રી તરીકે કાર્યરત હતાં.

(3) ઋષિકેશ ગણેશભાઇ પટેલ
ઋષિકેશ ગણેશભાઇ પટેલ મહેસાણાના વિસનગર બેઠક પરથી વિજેતા થયાં છે. તેઓનો જન્મ ૩૦ ઓક્ટોબર-૧૯૬૧ ખેરાલુના સુંઢિયા ગામે થયો હતો. તેઓ ડિપ્લોમા ઈન સિવિલ એન્‍જિનિયરિંગ સુધીનો અભ્યાસ કરેલો છે. બારમી-તેરમી વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી હતી, જ્યારે ૧૪મી ગુજરાત વિધાનસભામાં આરોગ્ય મંત્રી તરીકે કાર્યરત હતાં.

(4) રાઘવજી પટેલ
રાઘવજી પટેલ જામનગર (ગ્રામ્ય) મત વિસ્તારમાંથી વિજેતા થયા છે. તેઓએ બી.એ., એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કરેલો છે. વર્ષ ૧૯૯૦-૯૫માં આઠમી ગુજરાત વિધાનસભા, ૧૯૯૫-૯૭માં નવમી ગુજરાત વિધાનસભા, ૧૯૯૮-૨૦૦૨માં દશમી ગુજરાત વિધાનસભા, ૨૦૦૭-૧૨માં બારમી ગુજરાત વિધાનસભા અને ૨૦૧૨-૧૭માં તેરમી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે કાર્યરત હતા. વર્ષ-૧૯૯૫-૯૬માં ગ્રામ ગૃહનિર્માણ વિભાગ, રાજ્ય કક્ષાના મંત્રી તરીકે અને ૧૪મી વિધાનસભામાં કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે.

(5) બળવંતસિંહ રાજપૂત
બળવંતસિંહ રાજપૂત પાટણની સિદ્ધપુર બેઠક પર વિજેતા થયા છે. તેમનો જન્મ ૧ મે, ૧૯૬૨ના રોજ થયો છે. તેઓ ગ્રેજ્યુએટ થયેલા છે. એક ટર્મ નગરપાલિકા, બે ટર્મ વિધાનસભા સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે.

(6) કુંવરજી બાવળિયા
કુંવરજી બાવળિયા રાજકોટની જસદણ બેઠક પર વિજેતા થયા છે. બી.એસસી., બી.એડ. સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ વર્ષ ૧૯૯૫-૯૭માં નવમી ગુજરાત વિધાનસભા, ૧૯૯૮-૨૦૦૨માં દસમી ગુજરાત વિધાનસભા, ૨૦૦૨-૦૭માં અગિયારમી ગુજરાત વિધાનસભા, ર૦૦૭-૧૨માં બારમી ગુજરાત વિધાનસભા સભ્ય અને ૨૦૦૯-૧૪માં પંદરમી લોકસભાના સભ્ય તરીકે સેવા આપી છે. ૧૪મી વિધાનસભામાં પાણી પુરવઠો, પશુપાલન, ગ્રામ ગૃહનિર્માણ મંત્રી તરીકે કાર્યરત હતાં.

(7) મુળુભાઇ બેરા
મુળુભાઈ હરદાસભાઈ બેરાએ જામખંભાળિયા બેઠક પરથી જીત મેળવી છે. તેઓ ધો.૧૨ પાસ છે. ચાર ટર્મ ધારાસભ્ય અને પૂર્વ રાજ્ય મંત્રી તરીકે સેવા આપી હતી.

(8) કુબેરભાઇ ડિંડોર
કુબેરભાઇ મનસુખભાઇ ડિંડોરે સંતરામપુર (મહિસાગર) બેઠક પરથી જીત મેળવી છે. તેઓ એમ.એ., પીએચ.ડી થયેલા છે. વર્ષ-૨૦૧૪-૧૭માં વનવિકાસ નિગમના ચેરમેન, આદિજાતિ મોરચાના મહામંત્રી અને ૧૪મી ગુજરાત વિધાનસભામાં ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવા આપી છે.

(9) ભાનુબહેન બાબરિયા
ભાનુબહેન મનોહરભાઈ બાબરિયા રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી વિજેતા થયા છે. તેઓનો જન્મ ૧૪ સપ્ટેમ્બર, ૧૯૭૫ના રોજ થયો છે. તેમણે બી.એ., એલ.એલ.બી. સુધી અભ્યાસ કરેલો છે. કાઉન્સિલર અને બે ટર્મ ધારાસભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે.

(10) હર્ષ સંઘવી
રાજ્યકક્ષાના સભ્યોમાં હર્ષ રમેશકુમાર સંઘવી સુરતના મજૂરા બેઠક પર વિજયી થયા છે. તેઓનો જન્મ તારીખ ૮ જાન્યુઆરી-૧૯૮૫ સુરતમાં થયો છે. તેઓએ મેટ્રિક સુધી અભ્યાસ કરેલો છે. ૧૩મી વિધાનસભાના સભ્ય અને ૧૪મી ગુજરાત વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી, તરીકે સેવા આપી હતી.

(11) જગદીશ વિશ્વકર્મા
જગદીશ ઇશ્વરભાઇ વિશ્વકર્મા અમદાવાદની નિકોલ બેઠક પરથી જીત મેળવી છે. તેઓ એસ.વાય.બી.એ., એમ.બી.એ. ઇન માર્કેટીંગ (સર્ટિફિકેટ કોર્સ)નો અભ્યાસ કરેલો છે. ત્રણ ટર્મ વિધાનસભાના સભ્ય તથા ૧૪મી ગુજરાત વિધાનસભામાં કુટિર ઉદ્યોગ, સહકાર, વન-પર્યાવરણ, રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવા આપી હતી.

(12) પરસોત્તમ સોલંકી
પરસોત્તમ સોલંકી ભાવનગર (ગ્રામ્ય) બેઠક પરથી વિજેતા થયા છે. તેઓ ઈલે. એન્જિનિયરિંગમાં ડિપ્લોમાં સુધીનો અભ્યાસ કર્યો છે. ૧૦મી વિધાનસભામાં ચૂંટાયા બાદ તા. ૧૩મી માર્ચ ૧૯૯૮થી ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી રહી ચૂક્યા છે. તેઓ અગિયારમી અને બારમી વિધાનસભામાં પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ગૌ સંવર્ધન વિભાગના રાજ્ય કક્ષાના પ્રધાન રહી ચૂક્યા છે. ૧૪મી વિધાનસભામાં તેઓએ મત્‍સ્‍યોદ્યોગના મંત્રી તરીકે સેવા આપી હતી.

(13) બચુભાઇ ખાબડ
બચુભાઈ મગનભાઈ ખાબડ દેવગઢ બારીયા બેઠક પરથી વિજેતા થયા છે. તેઓનો જન્મ ૧લી એપ્રિલ-૧૯૫૫માં ધાનપુર તાલુકાના પીપેરો ગામે થયો હતો. તેઓએ એસ.વાય.બી.એ. સુધી અભ્યાસ કર્યો છે. વર્ષ-૨૦૦૨ થી ૨૦૦૭માં ૧૧મી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવાઓ આપી છે. ૧૩મી વિધાનસભામાં વર્ષ-૨૦૧૪થી મત્સ્યોદ્યોગ, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી રહ્યા હતા. ૧૪મી ગુજરાત વિધાનસભામાં ગ્રામ ગૃહનિર્માણ, ગ્રામવિકાસ, પશુપાલન, ગૌસંવર્ધન રાજ્ય મંત્રી તરીકે સેવા આપી છે.

(14) મુકેશ ઝીણાભાઇ પટેલ
મુકેશ ઝીણાભાઇ પટેલે સુરતની ઓલપાડ બેઠક પરથી જીત મેળવી છે. તેઓનો જન્મ ર૧ માર્ચ, ૧૯૭૦માં સુરત ખાતે થયો હતો. તેઓ એચ.એસ.સી., ડ્રાફ્ટ્સમેન સિવિલ સુધીનો અભ્યાસ કર્યો છે. ૧૩મી વિધાનસભાના સભ્ય અને ૧૪મી ગુજરાત વિધાનસભામાં કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ રાજ્ય મંત્રી તરીકે સેવા આપી છે.

(15) પ્રફુલ્લ પાનશેરિયા
પ્રફુલ્લ પાનશેરિયા સુરતના કામરેજ બેઠક પરથી વિજેતા બન્યા છે. તેઓનો જન્મ ૧ જૂન, ૧૯૭૧ના રોજ થયો હતો. તેઓએ એમ.એ. પોલિટિકલ સુધીનો અભ્યાસ કર્યો છે. બે ટર્મ કાઉન્સિલર અને એક ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે.

(16) ભીખુસિંહ પરમાર
ભીખુસિંહ ચતુરસિંહ પરમાર અરવલ્લીના મોડાસા વિધાનસભા બેઠક પરથી વિજયી થયા છે. તેઓ ઓલ્ડ એસ.એસ.સી. સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ સાબર ડેરીના પૂર્વ ડાયરેકટર રહી ચૂક્યા છે.

(17) કુંવરજી હળપતિ
કુંવરજી હળપતિ સુરતના માંડવી બેઠક પરથી જીત મેળવી છે. તેઓનો જન્મ ૧ જૂન, ૧૯૬૭ના રોજ થયો હતો. તેઓ એમ.એ., બી.એડ. સુધી અભ્યાસ કર્યો છે. એક ટર્મ ધારાસભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે.

Most Popular

To Top