SURAT

CA ફાઈનલમાં સુરતની સૃષ્ટિ સંઘવી દેશભરમાં ત્રીજા ક્રમે

સુરત: વર્ષ 2022માં લેવાયેલી ઓલ ઇન્ડિયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઈનલ પરીક્ષાના પરિણામ જાહેર થયા છે. જેમાં સુરતની સૃષ્ટિ સંઘવીએ દેશભરમાં ત્રીજો ક્રમ મેળવીને સુરત સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે. દેશભરમાંથી સીએના ગ્રુપમાં 29,348 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં દેશભરમાંથી 3,695 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાંથી સૃષ્ટિ સંઘવીને દેશભરમાં ત્રીજો ક્રમ મેળવવામાં સફળતા મળી છે.

આ રીતે મેળવી સફળતા
સૃષ્ટિએ જણાવ્યું હતું કે, સીએનો અભ્યાસક્રમ ખુબ મોટો હતો. જેથી તેણે સંપૂર્ણ ફોકસ અભ્યાસ પર કર્યું હતું. તેના માટે તેણે સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ ઉપરથી એક્ટિવ રહેવાનું છોડી દીધું હતું. તેને ડાન્સનો શોખ છે. જેથી પરીક્ષા દરમિયાન તે રિલેક્સ થવા માટે ડાન્સ કરતી હતી. રિવિઝન વગર આ પરીક્ષા ક્લિયર કરવી ખૂબ અઘરી થઈ જાય છે. જેથી તેને સતત રિવિઝન કરવું જોઈએ. સાથે જ અઘરા વિષયને પણ ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે તમારે પહેલેથી જ ગોલ રાખવો પડે છે. આ ઉપરાંત જુના પેપરને પણ સોલ્વ કરવા પડે છે. સતત પેપર સોલ અને રિવિઝનના કારણે સફળતા મળી શકે છે.

દાદા, પિતા, કાકા, બાદ હવે દીકરી પણ સીએ
સૃષ્ટિ સંઘવીના પરિવારમાં દાદા અશ્વિન સંઘવી, પિતા કેયુર સંઘવી, કાકા સીએ છે અને હવે દીકરી પણ સીએ થઇ જતા પરિવારજનો આનંદમાં આવી ગયા છે. આ ઉપરાંત સૃષ્ટિની સગાઇ થઇ ગઈ છે અને તેમનો ફિયાન્સ હર્ષ પણ સીએની પ્રેક્ટિસ કરે છે. સૃષ્ટિનાં દાદા સી.એ. અશ્વિન સંઘવી ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાની સુરત શાખાના ભૂતપૂર્વ ચેરમેન હતા. સૃષ્ટિએ જણાવ્યું હતું કે પરિવારમાં મોટાભાગના સભ્યો સીએ હોવાથી મને પહેલે દિવસથી જ એટલે કે બાળપણથી જ સીએ બનવાની ઈચ્છા હતી. જેથી હું એ મુજબ તૈયારી કરતી હતી. જેના કારણે આજે સફળતા મળી છે. ફિયાન્સ હર્ષ દ્વારા પૂરતો સપોર્ટ મળ્યો હતો. તેણે હમણાં જ સી.એ કમ્પ્લીટ કર્યું હોવાથી તેની પાસે કોઈ ડાઉટસ હોય તો સોલ્વ કરવાનું મોકો મળતો હતો અને તે પણ મને કહેતા હતા કે કઈ રીતે આ અઘરી ગણાતી પરીક્ષાને આપણે ક્લિયર કરી શકીએ.

ઇન્ટરમિડીયેટમાં 10મો ક્રમ હતો
સીએની ઇન્ટરમિડીયેટમાં અગાઉ સૃષ્ટિનો દસમો ક્રમ ઓલ ઇન્ડિયામાં આવ્યો હતો. ત્યારથી તે સતત તૈયારી કરતી હતી. રોજના 10 થી 12 કલાક તૈયારી કરતી હતી. આર્ટીકલશિપના ત્રણ વર્ષ દરમિયાન પણ તેણે તૈયારી કરતી હતી. જેના કારણે આ સફળતા મળી છે.

Most Popular

To Top