હમણાં થોડા સમય પહેલાં વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના કેમ્પસ સ્થિત બોટોનિકલ ગાર્ડનમાં અંધજનોએ સ્પર્શ દ્વારા અનુભવી શકે એવા છોડો વિકસાવ્યા છે. ૧૦૨ વર્ષ જૂના આ ગાર્ડનમાં અંધજનો એ છોડોને અડકી શકે, સુવાસ લઇ શકે અને સ્વાદ પણ માણી શકે છે. યુનિવર્સિટીના ડીન શ્રી હરિભાઇ કતારીઆ અને ઇજનેર શ્રીરુદ્રેશ શર્માના સહયોગથી વિકસાવાયેલ આ ગાર્ડનનું યુનિવર્સિટીના ચાન્સેલર શુભાંગિની રાજે ગાયકવાડ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યા પછી લાયન બ્લાઇન્ડ ગર્લ્સ સ્કૂલ, વડોદરાની દૃષ્ટિવિહોણી ચોવીસ છોકરીઓએ આ ગાર્ડનની મુલાકાત દરમિયાન જિંદગીમાં પ્રથમ વાર આ બાગના છોડના સ્પર્શ અને સુગંધ દ્વારા ઉદ્ભવતી લાગણીનો અનુભવ કર્યો. યુનિવર્સિટીના બોટોનિકલ ડીપાર્ટમેન્ટના એસોસીએટ પ્રોફેશર શ્રી પદ્મનાભ નાગરની દેખરેખ હેઠળ સદીઓ જૂના બોટોનિકલ ગાર્ડનના બાવીસ પ્રકારના છોડોમાં થોડા ફેરફાર કરી આ પ્રકારનો સંવેદનાવાહક બગીચો પ્રથમ વખત બનાવ્યો છે.
અંધજનો આ પ્રકારના બધા છોડો પાસે સરળતાથી જઇ શકે એ માટે એના માર્ગમાં છોડો નજીક મેટ પાથરેલ છે અને આ દરેક છોડ પાસે છોડોનું નામ અને પ્રકાર જણાવતું બ્રેલ લિપિનું બોર્ડ એક સ્ટેન્ડ પર મૂકેલ છે, જેથી દરેકે દરેક વિદ્યાર્થિની/વ્યક્તિને આ છોડોનો પ્રકાર અને જાત પારખવામાં મુશ્કેલી ન પડે. આ મેટ પર ઊભા રહ્યા પછી બ્રેલ લિપિના બોર્ડ પર લખેલાં નામો જાણવા માટે જે તે બોર્ડ પર જમણા હાથને અડકાવતા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં લખેલ તુળસી, અજમો, વિગેરે દરેક છોડનું સામાન્યપણે વપરાતું નામ, વૈજ્ઞાનિક નામ અને એના ઉપયોગ બાબતે પૂરી જાણકારી મેળવી શકે છે. અહીં કોવિડ–૧૯ ની બીમારીમાં ઉપયોગી થાય એવા નાગર અને કાન્યાથુનાના છોડ પણ ઉગાડેલ છે. સંસ્કારી નગરી તરીકે જાણીતા વડોદરા શહેરનું નામ ઉજાગર કરતો આ બગીચો એક સીમાચિહ્ન છે અને દૃષ્ટિવિહોણી વ્યક્તિઓ માટે એક નજરાણા સમાન છે.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.