Columns

હરિની આંખમાં આંસુ

મંદિરમાં ઉત્સવનું વાતાવરણ હતું.લક્ષ્મી નારાયણને સુંદર શણગાર, મંદિરમાં ફૂલોનું સુશોભન,ચારે બાજુ દીવા …છપ્પન ભોગની પ્રસાદી..બહુ જ ભવ્ય વાતાવરણ અને ચારે બાજુ ભક્તોની ભીડ …લાંબી કતાર…દરેક ભક્તના હાથમાં હારતોરા, પ્રસાદ …ઘંટોના નાદ ….અને શ્રી હરિના નામનો જયજયકાર….. આ વાતવરણમાં બધા શ્રી હરિ નામ લેતાં લેતાં દર્શન માટે પોતાનો વારો આવવાની રાહ જોતા હતા.ચારે બાજુના ભવ્ય ભક્તિમય વાતાવરણમાં એક વિચિત્ર થયું. શ્રી હરિની આંખોમાં આંસુ આવ્યા …ભલે આ આંસુ કોઈને ન દેખાયા, પણ લક્ષ્મીજીની નજરોથી છૂપાં ન રહ્યાં.લક્ષ્મીજીએ પૂછ્યું, ‘સ્વામી, આ શું? આટલો ભવ્ય ઉત્સવ તમારા ભક્તો ઉજવી રહ્યા છે અને તમારા ભક્તોની લાંબી કતાર છે, આટલા બધા ભક્તો તમને ભજે છે, તમારા દર્શન માટે આવ્યા છે અને તમારી આંખોમાં આંસુ કેમ આવ્યા? શું આ ખુશીના આંસુ છે?’ શ્રી હરિએ કહ્યું, ‘ના દેવી, મારી આંખોમાં ખુશીના આંસુ નથી ……’ લક્ષ્મીજી તરત બોલી ઊઠ્યાં, ‘તો પછી પ્રભુ તમે તો સૃષ્ટિના પાલનહાર છો. આટલા બધા તમારા ભક્તો છે, છતાં આંખો ભીની શું કામ? કઈ વાત તમને વ્યથિત કરી શકે?’

ભગવાન શ્રી હરિ બોલ્યા, ‘દેવી, તમને આટલી લાંબી ભક્તોની કતાર દેખાય છે.પણ મને તો આમાંથી એક પણ ભક્ત મારા દર્શન માટે આવ્યો હોય તેમ લાગતું નથી.આટઆટલાં ભક્તો આવ્યાં છે, પણ કોઈ માત્ર મને મળવા આવ્યું નથી. કોઈ માત્ર મારા દર્શન માટે આવ્યું નથી.જેટલા પણ લોકો આવ્યા છે તે બધા જ મારી પાસે કંઈ ને કંઈ માંગવા આવ્યા છે.બધાના હાથમાં પ્રસાદ છે અને મનમાં પોતપોતાની ઈચ્છાઓનું લાંબુ લીસ્ટ.કોઈ એક પણ એવું નથી, જેને તમે સાચો ભક્ત કહી શકો અને જેના મનમાં માત્ર મારા દર્શનની ઈચ્છા છે, બીજી કોઈ નહિ.

જે માત્ર મારા દર્શન કરવા ને મને મળવા આવ્યો છે.અહીં આટલાં ભક્તોની ભીડ છે, પણ બધાં જ કંઈ ને કંઈ માંગવા આવ્યા છે.મને મળવા માટે કોઈ નથી આવ્યું અને એટલે આ કારણથી મારી આંખોમાં આંસુ આવી ગયા છે.’ દેવી લક્ષ્મીજીએ કહ્યું, ‘પણ પ્રભુ, તમારા ભક્તો તમારી પાસે નહિ માંગે તો કોની પાસે માંગશે? કેમ આમ કહો છો?’ શ્રી હરિએ કહ્યું, ‘દેવી, પૃથ્વી પર દરેક જીવને જે મળે છે તે તેનાં સારાં ખરાબ કર્મો પ્રમાણે મળે છે.તેમાં હું શું કરવાનો હતો? કર્મના નિયમ બધાએ પાળવા જ પડે છે.તેમને જે મળશે તે તેમનાં કર્મો પ્રમાણે મળશે.પણ હું તેમને ક્યારેય નહિ મળું.’ ભગવાનને મંદિરમાં મળવા જાવ, કંઈ માંગવા નહિ.સાચી ઈશ્વરભક્તિ કરવી હોય તો પ્રભુ પાસે કંઈ ન માંગો.માંગવું જ હોય તો પ્રભુની ભક્તિ માંગો …પોતાની ભૂલોની માફી માંગો …પ્રભુનો પ્રેમ માંગો. 
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top