SURAT

આ વેબસિરિઝ જોઈ ફેનિલે હત્યાનો પ્લાન બનાવ્યો હતો, ઘરમાં લગ્ન હોય એક મહિનો રાહ જોઈ

સુરત: એકતરફી પ્રેમમાં પાગલ ગ્રીષ્માની હત્યાનો પ્લાન ખૂબ પહેલાં બનાવી દીધો હતો. ફેનિલ વેબસિરિઝ જોવાનો શોખીન હતો. ખાસ કરીને મારધાડ માળી વેબસિરિઝ તે નિયમિત જોતો હતો. બદલાપુર, ભૌકાલ અને આશ્રમ જેવી વેબસિરિઝ તે જોઈ હતી. આ વેબસિરિઝ જોઈ જ તેને ગ્રીષ્માની હત્યાનો પ્લાન બનાવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફેનિલે બે મહિના પહેલાં તેને બે ચપ્પુ ખરીદી રાખ્યા હતા. તે ડિસેમ્બરમાં જ ગ્રીષ્મા અને તેના પરિવારની હત્યા કરવાનો હતો, પરંતુ પરિવારમાં એક લગ્નપ્રસંગ હોવાના લીધે ફેનિલે ગ્રીષ્માની હત્યાનો પ્લાન પોસ્ટપોન્ડ કર્યો હતો. ફેનિલે પોલીસને કહ્યું કે, લગ્નપ્રસંગ બગડે નહીં તે માટે દોઢ મહિનો બાદ હત્યા કરવાનું નક્કી કર્યું હતું.

ગ્રીષ્માના પરિવારજનોને નહીં મારી શક્યાનો ફેનિલને અફસોસ
બે મહિનાથી બે ચપ્પુ લઈને ગ્રીષ્મા અને તેના પરિવારજનોની હત્યા માટે ફેનિલ ફરી રહ્યો હતો. તે કોઈ પણ ભોગે બધાને મારી નાંખવા માંગતો હતો. 12મી ફેબ્રુઆરીએ ગ્રીષ્માનું ગળું કાપ્યા બાદ તે ગ્રીષ્માના ભાઈ ધ્રુવ અને માતા પાછળ દોડ્યો હતો, પરંતુ લોકટોળું ભેગા થઈ જતા તે ભાગ્યો હતો અને લોકોથી બચવા હાથ પર ચપ્પુ મારવાનું નાટક કર્યું હતું. જમાદાર અને ડીસ્ટાફ પહોંચી જઈને તેને પકડી લીધો હતો.

એવું તો શું થયું કે ફેનિલે ગ્રીષ્માની હત્યા કરી? એવો કયો ટ્રીગર પોઈન્ટ હતો?
ગ્રીષ્મા હત્યાકાંડ બાદ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. ફેનિલ અને ગ્રીષ્મા વચ્ચે પ્રેમસંબંધ હતો એવી ચર્ચા છે. કોઈ કહે છે ફેનિલ એકતરફી પ્રેમ કરતો હતો. તો બંને વચ્ચે એવું શું બન્યું કે ફેનિલે ગ્રીષ્માની ઘાતકી હત્યા કરી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગ્રીષ્મા-ફેનિલ વચ્ચે પ્રેમસંબંધ નહોતો. ફેનિલ એકતરફી પ્રેમ કરતો હતો. સ્કૂલ સમયથી તે ગ્રીષ્માને પસંદ કરતો હતો. અનેકોવાર તેને પ્રપોઝ કર્યું હતું પરંતુ ગ્રીષ્મા તેને ના પાડતી હતી. ફેનિલની હરકતોની વાત ગ્રીષ્મા અને ફેનિલના પરિવાર સુધી પહોંચી હતી. છેલ્લાં દોઢ વર્ષથી ગ્રીષ્માનો પરિવાર ફેનિલને સમજાવતો હતો. ફેનિલના ઘરે પણ સમજાવવા ગયા હતા. છેલ્લાં બે મહિનાથી ફેનિલને તેના જ પરિવારે નજરકેદ કર્યો હતો. ગ્રીષ્મા પ્રેમ સ્વીકારતી નહોતી અને બીજી તરફ પરિવાર સુધી વાત પહોંચી હતી. તે અને પરિવાર બદનામ થવા સાથે અપમાનજનક સ્થિતિમાં મુકાયો હતો તેમ અનુભવતા ‘તું મારી નહીં તો કોઈની નહીં’ એ ભાવના સાથે ગ્રીષ્મા અને તેના પરિવારની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.

Most Popular

To Top