સવાલોથી જ બધી બબાલો ચાલુ થાય છે. સવાલો જિજ્ઞાસા જગાડે છે પછી એ જિજીવિષા બને જેના લીધે આપણે જીવંત થઈએ. પદ્મશ્રી ખલીલ ધનતેજવી સાહેબની એક ગઝલના શેર છે કે,
‘સવાલો આપ-લે કરીએ; જવાબો મેળવી લઈએ,
તમારી ડાયરી; મારી કિતાબો મેળવી લઈએ.
તમારાં સ્મિત સામે મેં રોકડા આંસુ ચૂકવ્યાં છે,
છતાં જો હોય શંકા તો હિસાબો મેળવી લઈએ.’
સવાલોથી જ નવું સર્જન થાય છે. પ્રશ્ન જ ના હોત તો કોઈ ફિલસૂફીઓ, ઉપદેશો, વાર્તાઓ કે કહેવતો હોત જ નહિ. આપણી અંદર સવાલો પડેલાં છે એટલે જ તો આપણને એના જવાબો મેળવવાની જિજ્ઞાસા થાય છે. જેના લીધે જિંદગી બહુ મસ્ત રીતે કપાય છે. સવાલો જ ના હોત તો લાઇફ કેટલી બોરિંગ હોત યાર!! અર્જુનને સવાલ થયા એમાંથી તો આપણને ગીતા મળી. એટલે તો ભગવદ્દ ગીતાનો પેલો અધ્યાય અર્જુન વિષાદ યોગમાં માત્ર અર્જુનના સવાલો છે. આપણા ગ્રંથો એ સંવાદ જ છે અને સંવાદ સવાલથી જ શરૂ થાય છે. ગ્રોથ કરવો હોય, નવું શીખવું હોય, ગોલ અચિવ કરવા હોય આ બધાં માટે સવાલો તો જોઈશે જ. સવાલ નથી થતાં તો વિકાસ પણ અટકી જશે. જે માણસ સવાલો પૂછે એ જ આગળ વધે. આ વેલેન્ટાઈન વીક હમણાં શરૂ થશે. (જો કે મને તો પ્રેમનું અઠવાડિયું છે કે પછી અઠવાડિયાનો પ્રેમ છે એ જ નક્કી નથી થતું) એમાંય પ્રપોઝ કરવાથી જ તો શરૂઆત થાય છે.
મતલબ સવાલથી જ થયું ને સ્ટાર્ટિંગ. હું તને પ્રેમ કરું છું કરતાં તમે મને પ્રેમ કરો છો? એ વધારે મહત્ત્વનું છે. એટલે જ તો સૌથી વધારે ખુશી આપતો શબ્દ એ આઇ લવ યુ નથી પણ આઇ લવ યુ ટુ છે. (જો કે આપણા માટે તો પેમેન્ટ લઈ જાવ જેટલું ખુશી આપતું વાક્ય એકેય નથી..) આપણા વડા પ્રધાનનાં ભાષણો ઇલેક્શન વખતનાં સાંભળજો. ‘‘મૈં આપસે પૂછના ચાહતા હુ મેરે ભાઈઓ – બહેનો..’’(હા..હા.) તો ધ પોઇન્ટ ઇઝ ધેટ કે સવાલો આપણી અંદર પેદા થવા જોઈએ. હું કેમ ના કરી શકું? મારાથી કેમ ના થાય? આ બધા સવાલો સેલ્ફ મોટીવેશન છે. એના માટે તમારે કોઈ ખોટિવેશનલ.. આઇ મીન મોટીવેશનલ સ્પીકરને સાંભળવાની જરૂર નથી અને કદાચ સાંભળો તો પણ એ લોકો પણ સવાલોથી જ શરૂઆત કરતા હોય છે. આપણને એ દરેક પ્રવચનો, લેખો, વાર્તાઓ, ફિલ્મો, કવિતાઓ કે વાતો ગમે છે કે જેમાં આપણને જવાબો મળતા હોય એટલે જ આપણને એ આપણા માટે બન્યું છે, લખ્યું છે કે ભજવાયું છે એવું ફીલ થાય. હકીકતે એ આપણા સવાલોના પ્રત્યુત્તર જ છે બીજું કશું નથી.
વિરલ દેસાઇની પંકતિઓ છે કે,
‘ જો ઝંખના મરી જશે; તો વાર્તા પતી જશે,
જીવ ઝળહળી જશે; તો વાર્તા પતી જશે.
તું હા કે ના કહે; ત્યાં સુધી જ છે મજા-મજા,
જવાબ જો મળી જશે, વાર્તા પતી જશે.’
પણ હા, સવાલો ક્યાં અને કોને પૂછવા એ પણ સૌથી અગત્યનું છે. એ પણ અનુભવે આવડી જ જાય અને બધા જ સવાલોના જવાબો તરત જ નથી મળતા. એની જ તો મજા છે. નહિતર આપણી પાસે જિજ્ઞાસા જેવું કંઈ નહિ રહે. કિક નહીં મળે. કેટલીય જોબ્સ કે બિઝનેસ કવાઇટ કરવાનું એક રીઝન રૂટિન ઢબમાં ઢળવાનું ન પસંદ હોવું પણ છે. આપણી જનરેશન એ વ્હોટ્સ ન્યૂ વાળી છે એટલે અત્યાર સુધીમાં સૌથી વધારે સવાલો પૂછનારી પેઢી પણ આપણી જ છે. જેણે જવાબો નથી આપવા કે નથી જાણતાં અને નિયમ કે પરંપરાના નામે ચલાવતા આવ્યા છીએ એમને આપણા સવાલોથી થોડી તકલીફ રહેવાની પણ એમને ઇગ્નોર કરીએ. એ આવા કેમ છે એ પણ એક સવાલ છે.(હા..હા..) ખેર, આજનો આર્ટિકલ અહીં પૂરો કરું છું પણ પ્લીઝ તમે સવાલો પૂરા ના કરતા. નહિતર તમે અંદરથી મરી જશો અને મરણનો દાખલો પણ નહિ કઢાવી શકો.