Dakshin Gujarat

410 પાનાંનો ચોપડો ખૂલ્યો: વિક્રમ સંવત 13થી અત્યાર સુધીની લેઉઆ પાટીદારોની વંશાવલીનો ખજાનો

ભરૂચ: (Bharuch) ભરૂચના ઝાડેશ્વર ગામના 250 પરિવારનો 750 વર્ષ જૂનો ઇતિહાસ (History), પરંપરા, રીતિ રિવાજ, કુળ, ગોત્ર અને વંશાવલીનો (Genealogy) ચોપડો 47 વર્ષ બાદ ફરી ગામમાં અમદાવાદના કનુભાઈ પરસોતમભાઈ બારોટ આવી પહોંચતાં ખૂલ્યો હતો. આ ચોપડામાં વિક્રમ સંવત 13થી અત્યાર સુધીનાં 250 ઘરોના લેઉઆ પાટીદાર (Patidar) લોકોની વંશાવલી ચોપડામાં કેદ છે.

  • ઝાડેશ્વરમાં વહીવંચા બારોટનો 410 પાનાંનો ચોપડો ખૂલ્યો, 750 વર્ષ જૂની વંશાવલી નીકળી
  • વિક્રમ સંવત 13થી અત્યાર સુધીનાં 250 ઘરોના લેઉઆ પાટીદાર લોકોની વંશાવલી ચોપડામાં કેદ
  • લોકોના કુળ, ગોત્ર, મૂળ, પરવ સહિતની તમામ માહિતી બારોટ પાસે અકબંધ
  • વૈદિકકાળથી ચાલી આવતી પેઢી દર પેઢી વંશાવલીની પરંપરા આધુનિક યુગમાં લુપ્તતાને આરે

અખિલ વિશ્વ વંશાવલી વહીવંચા બારોટના ઝાડેશ્વર ગામના 410 પાનાંના ચોપડા મુજબ ભરૂચનું ઝાડેશ્વર ગામ વિક્રમ સંવત 13મી સદીમાં અસ્તિત્વમાં આવ્યું હતું, જેમાં 11 ફળિયાંના 250 પરિવારોની 750 વર્ષની વંશાવલી લખાયેલી છે. તાજેતરમાં ડિજિટલ યુગમાં વંશજોની માહિતી એકત્ર રાખવાની વંશાવલીની પ્રણાલી લુપ્તતાને આરે છે. ત્યારે નવી પેઢીને ખબર પડે એ માટે ગામમાં 47 વર્ષ બાદ ઝાડેશ્વરની વંશાવલી સાથે કનુભાઈ બારોટને આમંત્રણ આપતાં તેમનું આગમન થયું હતું.

વૈદિક કાળથી વંશાવલી ચાલી આવે છે, જેમાં ઝાડેશ્વરની વંશાવલી મુજબ ગામમાં વસેલા 750 લેઉઆ પાટીદાર સમાજના પરિવારોને અટક દેસાઈ અને અમીન તરીકેનું બિરૂદ મળેલું. દેસાઈપણું તેમને દિલ્હીના બાદશાહ તરફથી અપાયેલું. ગ્રામજનોએ નવાબ પાસેથી ઇજારો મેળવી સોના મહોરો આપી જમીનો મેળવી હતી. ગામની હદ વંશાવલી મુજબ પશ્ચિમે દશાશ્વમેઘ ઘાટ, દક્ષિણે અંકલેશ્વર સુરવાડી, ઉત્તરે તવરા ગામ અને પૂર્વે હાઇવેના વડદલા ગામ સુધી હતી. નોંધનીય છે કે, આ વંશાવલીમાં હાલ ગામના દરેક લોકો તેમની પેઢી લખાવશે.

મહત્ત્વની બાબત એ છે કે, વંશાવલીમાં ઝાડેશ્વર ગામના સાત સદીના રીતિરિવાજો, પ્રથા, ધર્મનું અનુસરણ, કુળ, ગોત્ર, મૂળ, પરવ, પૂર્વજો, સંસ્કાર, ભૌગોલિક આર્થિક ચિત્ર, આસ્થા સહિતની માહિતી અકબંધ છે. અખિલ વિશ્વ વંશાવલી સંગઠન અને સંવર્ધન સમિતિને હંગેરી, જાપાન, જર્મની સહિતના દેશોમાંથી ત્યાંની પ્રજાના નિમંત્રણના કાગળો પણ આવ્યા છે. જેમાં બારોટોને તેઓ પોતાના દેશમાં લઈ જવા તૈયાર છે. જે થકી તેમના લુપ્ત થયેલાં સંસ્કાર તેઓ પાછા લાવી શકે.

Most Popular

To Top