National

મુંબઈમાં 60 માળની ઇમારતમાં આગ લાગી, યુવકે ગભરાટમાં 19 માં માળેથી કૂદકો માર્યો, વીડિયો વાયરલ

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક 60 માળની (Mumbai Fire) ઈમારતમાં શુક્રવારે આગ લાગી હતી. લાલબાગ (Lalbaug Area) વિસ્તારમાં કરી રોડ પર આવેલા અવિઘ્ન પાર્ક બિલ્ડિંગમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ દરમિયાન 19 મા માળેથી કૂદીને વ્યક્તિના મોતના સમાચાર પણ છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આગને કારણે ગભરાટમાં એક યુવક 19 માં માળેથી કૂદી પડ્યો હતો, જેમાં તેનું મૃત્યુ થયું હતું. 30 વર્ષીય યુવકને તાત્કાલિક KEM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ સિવાય અન્ય એક ઘાયલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ફાયર ફાયટરો દ્વારા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મુંબઈ પોલીસ અને ફાયર બ્રિગેડે આપેલી માહિતી મુજબ આ આગ બપોરે 12 વાગ્યાની આસપાસ લાગી હતી. એક ડઝનથી વધુ ફાયર ટેન્કરો, 5 જમ્બો ટેન્કરો આગ ઓલવવા માટે સ્થળ પર પહોંચી ગયા હતા. મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. 19 માં માળેથી કૂદીને મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ અરુણ તિવારી તરીકે થઈ છે. વાસ્તવમાં, બિલ્ડિંગના 19 માં માળે આગ લાગી હતી અને ગભરાટમાં અરુણ તિવારી કૂદી પડ્યો હતો.

મુંબઈના મેયર કિશોરી પેડણેકર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કાર્યની દેખરેખ રાખી રહ્યા છે. આગને કાબૂમાં લેવા માટે લગભગ બે ડઝન ફાયર ટેન્ડરોને સેવા માટે મોકલવામાં આવ્યા છે. અત્યારે આગ લાગવાના કારણ વિશે કોઈ માહિતી નથી.

Most Popular

To Top