Columns

દરેક સરકારી કોન્ટ્રેક્ટમાં ૪૦ ટકા લાંચ આપવી પડતી હોય છે?

ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર માઝા મૂકી રહ્યો છે. કોંગ્રેસના રાજમાં સરકારી કામ કરતા કોન્ટ્રેક્ટરોને પાંચથી દસ ટકા રકમ લાંચ તરીકે પ્રધાનોને અને સરકારી અધિકારીઓને આપવી પડતી હતી. ભાજપનું રાજ આવતાં તે રકમ વધીને ૪૦ ટકા પર પહોંચી ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ‘ખાતો નથી અને ખાવા દેતો નથી’ ની છાપ બિલકુલ ભૂંસાઈ ગઈ છે. તેમની છત્રછાયામાં દેશમાં અને ખાસ કરીને ભાજપશાસિત રાજ્યોમાં ભ્રષ્ટાચાર હદ વટાવી ગયો છે. કર્ણાટકના ૩૭ વર્ષના કોન્ટ્રેક્ટર સંતોષ પાટિલે તાજેતરમાં આપઘાત કર્યો. મરણ પહેલાંની નોંધમાં તેણે લખ્યું કે ‘‘કર્ણાટકના પ્રધાન ઈશ્વરપ્પા મારા મોત માટે જવાબદાર છે.’’ સંતોષ પાટિલના કહેવા મુજબ કર્ણાટકના ગ્રામિણ વિકાસ અને પંચાયતી રાજ ખાતાના પ્રધાન કે.એસ. ઈશ્વરપ્પાએ તેમનું ચાર કરોડ રૂપિયાનું બિલ પાસ કરવા માટે ૧.૬૦ કરોડ રૂપિયાની લાંચ માગી હતી.

સંતોષ પાટિલને આપઘાત કરવા મજબૂર કરનારા ઈશ્વરપ્પા સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પણ તેમણે નફ્ફટ બનીને રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્માઇ પણ ઈશ્વરપ્પાનું રાજીનામું માગતા નથી; કારણ કે તેનાથી ભાજપની દલિત મતબેન્કમાં ગાબડું પડી જાય તેમ છે. દરમિયાન કર્ણાટક રાજ્યના કોન્ટ્રેક્ટર એસોસિયેશને ધમકી આપી છે કે જો તા. ૨૫ મે સુધીમાં સરકાર તરફથી પગલાં નહીં લેવામાં આવે તો તેઓ સરકારી કામો બંધ કરી દેશે. ભારતનાં દરેક રાજ્યોમાં સરકારી કામો લાંચ લીધા વિના થતાં નથી તે જાણીતી બાબત છે; પરંતુ લાંચ ન આપવાને કારણે કોઈ કોન્ટ્રેક્ટરને આપઘાત કરવાની ફરજ પડી હોય તેવી ઘટના કદાચ ભારતમાં પહેલી વખત બની છે. સામાન્ય રીતે લાંચ આપીને સરકારી કામો મેળવી લેતા કોન્ટ્રેક્ટરો પણ આ ૪૦ ટકા લાંચના કલ્ચરથી કેટલા કંટાળી ગયા છે તે આ પ્રકરણ પરથી સમજાય છે.

કર્ણાટકના પ્રધાન દ્વારા સરકારી કામની ફાળવણી માટે લાંચ લેવામાં આવતી હોય તેવો આ કોઈ એકલદોકલ કિસ્સો નથી. કર્ણાટકના કોન્ટ્રેક્ટરોએ છેક ૨૦૨૧ ના જુલાઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પત્ર લખીને ફરિયાદ કરી હતી કે તેમને દરેક સરકારી કામમાં ૪૦ ટકા કમિશન આપવાની ફરજ પાડવામાં આવે છે. વડા પ્રધાને આ ફરિયાદ પર કોઈ પગલાં લીધાં નહોતાં; કારણ કે તેમને બરાબર ખબર છે કે ભાજપનું ચૂંટણી ભંડોળ આ લાંચના રૂપિયામાંથી જ આવતું હોય છે. જો કોઈ રસ્તો ૧૦ કરોડ રૂપિયાના ખર્ચે બનતો હોય અને તેમાં પ્રધાનને જ ૪૦ ટકા રકમ લાંચ તરીકે આપી દેવામાં આવતી હોય તો પ્રજાને ખાડા પડી જાય તેવો રસ્તો મળે તેમાં કોઈ નવાઈ નથી. આ રસ્તા પર વાહન ચલાવતી વખતે અકસ્માત થાય અને કોઈનું મોત થાય તો તે મોત માટે કોન્ટ્રેક્ટર ઉપરાંત તેની પાસેથી લાંચ લેનારા પ્રધાન પર પણ ખટલો ચાલવો જોઈએ. રાજકીય પક્ષોમાં સરકારી કામોમાં કમિશન લેવાની પ્રથા એટલી વ્યાપક થઈ ગઈ છે કે કોઈ તેનો વિરોધ પણ કરતું નથી. ભાજપની જેમ જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હોય ત્યાં પણ લાંચ લેવામાં આવતી હોવાથી કોઈ પક્ષ તેનો વિરોધ કરવા બહાર આવતા નથી. ઘણા કોન્ટ્રેક્ટરો તો શાસક પક્ષની જેમ વિરોધ પક્ષના નેતાને પણ લાંચ આપી દેતા હોવાથી તેઓ ચૂપ થઈ જાય છે. સરવાળે કરદાતાઓના પૈસા હજમ થઈ જાય છે.

કોઈ પણ સરકારમાં જો કોઈ ડિપાર્ટમેન્ટ સૌથી વધુ ભ્રષ્ટ હોય તો તે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ છે, કારણ કે તે નિયમિત તગડા કોન્ટ્રેક્ટો આપતું હોય છે. ગયા મહિને કર્ણાટકના ભ્રષ્ટાચારવિરોધી દળે એક જુનિયર એન્જિનિયરના ઘર પર દરોડો પાડ્યો ત્યારે તેણે પીવીસીના પાઈપમાં છૂપાવી રાખેલા લાખો રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. સરકારી તિજોરીના કરોડો રૂપિયા આવી રીતે જ ગટરમાં નાખી દેવામાં આવતા હોય છે. આપણી કેન્દ્ર અને રાજ્ય સરકારો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં કામો પાછળ પાગલ છે, તેનું રહસ્ય એ છે કે તેમાં ચિક્કાર રૂપિયા ખાવા મળે છે. દેશમાં જેટલા પણ ફોર લાઈન કે સિક્સ લાઈન હાઇ વે, એક્સપ્રેસ હાઇ વે, બ્રિજ, બંદરો, મકાનો વગેરે તૈયાર થાય છે, તેમાં જો ૪૦ ટકા કમિશન ચૂકવાતું હોય તો લાંચની કુલ રકમ કેટલી તોતિંગ થઈ જતી હશે?

૨૦૧૮ માં કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભાઓમાં સિદ્ધારામૈયાની સરકારના ભ્રષ્ટાચાર પર પ્રહાર કરતાં તેને સીધા રૂપિયા સરકાર તરીકે વર્ણવી હતી. વડા પ્રધાનના દાવા મુજબ કોંગ્રેસની સરકાર દરેક કામમાં ૧૦ ટકા લાંચ લેતી હતી. ભાજપના રાજમાં તો લાંચની ટકાવારી ઉત્તરોત્તર વધીને ૪૦ ટકા પર પહોંચી ગઈ છે. કર્ણાટકના કોન્ટ્રેક્ટરો દ્વારા વડા પ્રધાન પર જુલાઈ મહિનામાં જે પત્ર લખવામાં આવ્યો હતો, તેમાં લાંચ કઈ રીતે માગવામાં આવે છે, તેની પદ્ધતિનું પણ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું હતું. તેમના કહેવા મુજબ કોઈ પણ પ્રોજેક્ટની મંજૂરી મેળવવા માટે તે ખાતાના પ્રધાનને પાંચ ટકા રકમ એડવાન્સમાં ચૂકવવી પડે છે. ત્યાર બાદ રોડ માટે ૧૦ ટકા અને મકાન માટે પાંચ ટકા રકમ ચૂંટાયેલા પ્રતિનિધિને આપવી પડે છે, જેમાં સંસદસભ્ય કે વિધાનસભ્યનો સમાવેશ થાય છે. ૨૫ ટકા રકમ કામ ચાલુ થયા પછી આપવી પડે છે અને પાંચ ટકા રકમ પેમેન્ટ મેળવવા માટે આપવી પડે છે.

ભ્રષ્ટાચારનો સિલસિલો ટેન્ડર પાસ કરવાની પ્રક્રિયા દરમિયાન જ ચાલુ થઈ જાય છે. સરકારી નિયમ મુજબ સૌથી નીચું ટેન્ડર ભરનારને જ કોન્ટ્રેક્ટ આપવાનો હોય છે, પણ તે નિયમમાં પણ ગોલમાલ કરવામાં આવે છે. ટેન્ડર ભરવાની પ્રક્રિયા ચાલુ થાય તે પહેલાં તો કોન્ટ્રેક્ટ ફિક્સ થઈ ગયો હોય છે. સામાન્ય રીતે પાંચ કરોડ રૂપિયાનો કોન્ટ્રેક્ટ અગાઉ જેણે ૧૦ કરોડ રૂપિયાનું કામ કર્યું હોય તેને જ આપવામાં આવે છે, પણ તેમાં પ્રધાનના કહેવાથી ગરબડ કરવામાં આવે છે. પ્રધાનના સગા બહારનાં રાજ્યના હોય અને ઊંચી રકમ ભરી હોય તો પણ તેમને કોન્ટ્રેક્ટ મળી જાય છે. જો કામ પૂરું કર્યા પછી લાંચ ન ચૂકવાઈ હોય તો પેમેન્ટ જ કરવામાં આવતું નથી. લાંચ આપનારા કોન્ટ્રેક્ટરને કામ પૂરું થાય તે પહેલાં પેમેન્ટ મળી જાય છે, પણ નાના માણસોને બે-ત્રણ વર્ષે પણ પેમેન્ટ મળતું નથી. આ સિસ્ટમને કારણે ઇમાનદાર માણસો કામ વગરના રહી જાય છે.

કર્ણાટક સ્ટેટ કોન્ટ્રેક્ટર એસોસિયેશનમાં આશરે ૫૦,૦૦૦ કોન્ટ્રેક્ટરો છે, જેઓ બધા નાના કોન્ટ્રેક્ટરો છે. તેમને ૧૦ કરોડ રૂપિયા અથવા તેથી નાની રકમના કોન્ટ્રેક્ટ જ મળે છે. એસોસિયેશનના પ્રવક્તાના જણાવ્યા મુજબ કર્ણાટક સરકારે તેમને ૨૨,૦૦૦ કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે, જેમાંના ૫,૦૦૦ કરોડ રૂપિયા જાહેર બાંધકામ ખાતાંના જ છે. જો ૨૨,૦૦૦ રૂપિયાના કામમાં ૪૦ ટકા લાંચ ચૂકવાતી હોય તો આંકડો ૮,૮૦૦ કરોડ રૂપિયા પર પહોંચી જાય છે. કોઈ પણ સરકારી કામમાં ખર્ચો વધી જતો હોય છે તેના માટે પણ ભ્રષ્ટાચાર જવાબદાર હોય છે. ૨૦૦૦ ની સાલમાં કર્ણાટક વિધાન સૌધાની બાજુમાં વિકાસ સૌધા બનાવવા માટે ૭૬ કરોડ રૂપિયામાં કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. તેનું બજેટ વધીને ૧૫૦ કરોડ રૂપિયા પર પહોંચી ગયું હતું. જો તેમાં ૪૦ ટકા લાંચ ગણીએ તો પણ ૬૦ કરોડની લાંચ આપવામાં આવી હશે. કલ્પના કરો કે ભારત સરકારના ૨૮ લાખ કરોડ રૂપિયાના બજેટમાં લાંચનો હિસ્સો કેટલો હશે?
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top