SURAT

1920 – ‘બારડોલી તાલુકો સમગ્ર હિંદમાં રાજકિય ધરતીકંપનું epicentre – કેન્દ્રબિન્દુ’

પ્રથમ વિશ્વ યુદ્ધ 1919 માં જર્મનીની હાર સાથે પુરુ થયું. યુધ્ધ દરમિયાન બ્રિટિશ સરકારે દેશની પ્રજાને સંપૂર્ણ કાબુમાં રાખવા, વિરોધ, વિપ્લવ સામે કડક કાયદા પસાર કરેલા. પરંતુ આ યુદ્ધ પુરુ થતા આ કાયદાઓનો અંત આવ્યો. બ્રિટિશ સરકાર સંસ્થાનિક પ્રજા ઉપરની પકડ ઢીલી કરવા માંગતી ના હતી. ઇંગ્લેન્ડના સર રોલેટે 1919 માં નવા કાયદા પસાર કર્યા જેથી કોઇપણ વ્યકિતની હિલચાલ શંકાસ્પદ લાગે તો વોરંટની નોટિસ આપ્યા વગર જેલમાં નાંખી શકે. આ કાયદાઓ રોલેટ બિલ તરીકે જાણીતા બન્યા. ગાંધીજીએ આ કાયદાને ‘કાળો કાયદો કહ્યો. આ કાયદાનો વિરોધ દેશ વ્યાપી થયો. આ બિલ માર્ચ 1919 માં ઇમ્પિરિયલ, લેજીસ્લેટીવ કાઉન્સિલમાં પસાર કરવા રજૂ થયું. ગાંધીજીએ રોલેટ બિલ સામે સત્યાગ્રહ આંદોલન છેડયું.

સૂરત જીલ્લામાં સત્યાગ્રહીઓએ ધામા નાંખ્યા. દયાળજી દેસાઇ, કલ્યાણજી, નર્મદા શંકર પંડયા, રતિલાલ દેસાઇ વગેરે સૂરતના તૃણમૂલ કાર્યકરો સફાળા બેઠા થયા. ‘સત્યાગ્રહ’ સભાની સ્થાપના આંદોલનના શ્રીગણેશ કરવા કરી. હોમ રૂલ લીગના મૂળ સૂત્રધાર શંકરલાલ બેંકરે ગોપીપુરામાં આવેલું પોતાનું ઘર ‘સત્યાગ્રહ મંદિર’ તરીકે અર્પણ કર્યું. અહિં સત્યાગ્રહીઓના ટોળેટોળા જમા થવા માંડયા. સૂરત જીલ્લામાં લોકજાગૃતિ પરાકાષ્ટએ પહોંચી. આશ્રમોના યુવકો પ્રભાત ફેરીનું આયોજન કરવા માંડયા. સામી છાતીએ લાઠી ઝીલવા અનેક સ્ત્રીપુરુષો મેદાને પડયા. વંદેમાતરમ્‌ ઝીંદાબાદના નારા સાથે રાષ્ટ્રગીતો ગવાતા. અનેક સ્ત્રી પુરુષો રાષ્ટ્રગીતો લખતા. કલ્યાણજી મહેતા, જુગતરામ દવે, ચીખલીના યુવાન વિદ્યાર્થી ઝિણાભાઇ દેસાઇ ‘સ્નેહ રશ્મિ’ના તખ્ખલુસથી ગીતો રચતા. શંખનાદ, બ્યૂગલો સૂરતની શેરીઓમાં રોલેટ આંદોલન સામેના પ્રતિકો બન્યા.ગાંધીજી પકડાયાની અફવા ઉડતા ઠેર ઠેર વિરોધના વમળો ઊભા થયા. અમૃતસરમાં મોટું સરઘસ નીકળ્યું. જલિયાવાલા બાગની જાહેર જગ્યામાં સભા ભરાઇ. કશી જ ચેતવણી આપ્યા વગર જનરલ ડાયરે ગોળીબારનો હુકમ આપ્યો. 400 માણસો ઘવાયા, અનેક કુવામાં પડયા, દેશમાં હાહાકાર મચ્યો. અંગ્રેજોની ચાલબાજી લુચ્ચાઇ મુસલમાનો સામે પણ છતી થઇ. અંગ્રેજોના લશ્કરમાં રહેલા મુસ્લિમ સૈનિકો, તુર્કિસ્તાન એશિયા માઇનોરમાં આવેલા મુસ્લિમ દેશો સામે યુદ્ધ લડવા તૈયાર ના થયા. અંગ્રેજોએ તેમને ફોસલાવી વચન આપ્યું કે આ દેશોને અમે કોઇ નુકસાન નહિ પહોંચાડીએ. પરંતુ યુદ્ધ બાદ 1919 ના વર્સેલ્સના કરાર થતા તુર્કિસ્તાનના કબજા હેઠળના અનેક રાજયોને સ્વતંત્રતા આપી દીધી. તુર્કિસ્તાનના ટુકડા થયા. મુસલમાનો ઉશ્કેરાયા. ખિલાફત – તુર્કિસ્તાનને બચાવવા આંદોલન છેડયું ગાંધીજીએ ખિલાફત આંદોલનને ટેકો આપ્યો. ગાંધીજીને ‘રાષ્ટ્રીય મુસ્લિમો’ (Nationalist Muslims) નો ટેકો છેવટ સુધી મળતો રહ્યો.

1920 નું અસહકારનું આંદોલન – સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં રણશિંગુ ફૂંકાયુ

ગાંધીજીએ સમગ્ર દેશવ્યાપી 1920-21 માં સૌપ્રથમ બ્રિટિશ સરકાર સામે અસહકારનું આંદોલન છેડયું. પણ ગાંધીજીએ સુરત જીલ્લાના બારડોલી તાલુકાને જ અસહકારના આંદોલનનું પ્રથમ ક્ષેત્ર-કુરુક્ષેત્ર કેમ પસંદ કર્યું? સુરતની પ્રજાને પોતાના ઇતિહાસનાં પાના ફંફોસવાની ખૂબ જરૂર છે. તમારા પાયાના કાર્યકરો, સ્થાનિક નેતાઓ જેમણે આધુનિક યુગમાં ‘સૂરજ જીલ્લા’ની ઓળખ અતિશય જાગૃત બુધ્ધિજીવી લોકો તરીકે કરી, તેમને જાણો, ઓળખો અને કદર કરો.

ગાંધીજીએ 4 સપ્ટેમ્બર 1920, ઇન્ડિયન નેશનલ કોન્ફરન્સની ખાસ બેઠક કલકત્તા મુકામે બોલાવી. ‘એક વર્ષમાં સ્વરાજ’નો નાદ જાહેર કર્યો. તેમણે જાહેરમાં કહ્યું ‘જો તમે મારા ચાર મુદ્દાનો કાર્યક્રમ અપનાવો તો હું તમને એક વર્ષમાં સ્વરાજ અપાવું.’ ગાંધીજીના આ વિધાનો દેશની પ્રજામાં કલ્પના  ના થઇ શકે તેવી  ત્વરિત ગતિથી ઝીલાયા. ગાંધીજીએ ભાસ્યુ હતું તેમ યુવાન વિદ્યાર્થીઓ ગાંધીના સાચા સૈનિક થયા.

કલકત્તાના પ્રેક્ષક ગણમાં આપણા દયાળજી, કલ્યાણજી કુંવરજી, ખુશાલભાઇ મોરારજી પટેલ, કેશવરજી ગણેશજી પટેલ, આશ્રમોના મહારથીઓ પ્રથમ હરોળમાં હતાં. ગાંધીજીના શબ્દો ટાંકણી પડે તેવી શાંતિમાં ગૂંજયા. કુંવરજી, દલુ-કલુએ ચોટલી બાંધી કે ગાંધીજીના આ ચાર મુદ્દાનું અમલીકરણ કરી ગાંધીજી સમક્ષ અને દેશ સમક્ષ બારડોલી તાલુકાનો દાખલો બેસાડયો.

બારડોલી તાલુકો ઇન એકશન (In action)

બારડોલી તાલુકાને લડાઇનું રણમેદાન બનાવવાની યુદ્ધના ધોરણે શરૂઆત થઇ. આ લોકોએ પણ બારડોલી કેમ પસંદ કર્યું? કુંવરજીભાઇ 1909 માં બારડોલીના વરાડ ગામે શિક્ષક રહી ચૂકેલા. અહિં સાધુ વેશે સ્વદેશીનો પ્રચાર તેમણે કરેલો. લોકોના માનસની સારી ઓળખ હતી. નવી બારડોલી તાલુકાના ઘણાં વિદ્યાર્થીઓ ‘પાટીદાર આશ્રમ’ માં રહેતા હતા. તેમના ઘણાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, પત્રકારો, સમાજ સેવકો બની ચૂકયા હતા.

કુંવરજીભાઇના ખાસ વિદ્યાર્થી ટેકેદારો રણછોડભાઇ એમ. પટેલ અને નથ્થુભાઇ ડી. પટેલ હતા. તેઓ બારડોલી તાલુકાના હતા. રાષ્ટ્રભકિત માટે તેઓ લોકપ્રિય બની ચૂકયા હતા. તેઓએ ‘ભારતનો ઉષાકાળ’ (ભારતનું સુપ્રભાત) અને સાથે સાથે ‘ભારતની દુર્દશા’ વર્ણવતી પુસ્તકાઓ લખી. આખા જીલ્લામાં આ પુસ્તિકાઓ પ્રખ્યાત થઇ. ત્યારની દુર્દશાને અંગ્રેજોએ ભારે જમીન મહેસૂલ, દારૂ ઉપરની જકાત ઉઘરાવી, દેશના હુન્નર- ઉદ્યોગોનો નાશ કરી કેવી રીતે કાર્યો તે વિસ્તારથી સમજાવ્યું. બારડોલી તાલુકાના પટેલો, અનાવિલો, પારસી, જૈનો, વહોરાઓ ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં જોડાયા હતા. ગાંધીજી તે સમયે કયાં ‘મહાત્મા’ હતા. તેઓ ‘ગાંધીભાઇ’ના હુલામણા નામથી ઓળખાતા ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના ખાસ સાથી રણછોડજી જીવણજી પટેલના પ્રમુખપણા હેઠળ, પાટીદાર આશ્રમમાં અમલીકરણનો ઠરાવ પસાર કરાયો. ગાંધીજીના ચાર મુદ્દાનો જો અમલ થાય તો 40 કરોડની પ્રજા ઉપર માત્ર બે લાખ અંગ્રેજો કેવળ અને કેવળ ભારતીયોના ટેકાથી રાજ ચલાવતા.

1. ગુલામી માનસ ઘડતી, લઘુતા ગ્રંથીથી પીડા આપતી અંગ્રેજી શાળા, કોલેજો છોડી દો.

2. તમારા પૈસાથી જ રાજ કરે છે માટે ‘નાકર’ની લડત ઉપાડો, જમીન મહેસૂલ કે કોઇપણ કર નહીં.

૩. લશ્કરમાં, ભરતી ના થાવ, તમારા જ સૈનિકો તમારા પર લાઠીચાર્જ, ગોળીબાર કરે છે.

4. અંગ્રેજ ન્યાયાલય અંગ્રેજ વકીલો, બેરીસ્ટરો, જજથી ચાલે છે. ઘેરબેઠા, પંચાયત દ્વારા, જ્ઞાતિસમિતિ દ્વારા ઝઘડા ઉકેલો પણ કોર્ટે ના જાવ.

5. 6 ઓકટોબર ૧૯૨૦ ના રોજ ગાંધીજી અને મૌલાના અબુલ કલામ આઝાદ સૂરત આવ્યા. પાટીદાર આશ્રમમાં ખાસ સભા બોલાવી જેમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, વકીલો, સામાજી સેવકો, કાર્યકરોને વિશેષ સ્વરૂપે આમંત્રયા. ગાંધીજીએ હૃદય દ્રાવક, આત્મમંથન કરતુ ભાષણ કર્યું.

અનુસંધાન પાના નં. 7

‘મારે મન ધારાસભામાં જવું’ બ્રિટિશ કોર્ટોમાં નોકરી કરવી એ પાપ છે પણ એથી વધારે પાપ અંગ્રેજી કેળવણી આપતી શાળાઓમાં જવું તે છે. ગુલામી માનસ ઘડતી શાળાઓનો બહિષ્કાર કરો. વિદ્યાર્થીઓ જ નિસ્વાર્થ ભાવનાથી જવબદારીભર્યા કાર્યો કરી શકે તેમ છે. જુલ્મી વિદેશી બ્રિટિશ સલ્તનતની જડ ઉખેડનાર તેઓ સાચા સૈનિકો છે. ગાંધીજીના શબ્દોની ચમત્કારિક અસર થઇ. પાટીદાર અનાવિલ આશ્રમના અનેક વિદ્યાર્થીઓએ શાળાઓનો બહિષ્કાર કર્યો. ખુદ કુંવરજીના પિતા વિઠ્ઠલભાઇ પટેલે પોલીસ પટેલની નોકરી છોડી દીધી.

કુંવરજી ખાસ વિદ્યાર્થી જીવણજી પટેલે બારડોલીની નિશાળની નોકરી છોડી. 62 વિદ્યાર્થીઓની ટુકડી સક્રિય કાર્યો માટે તૈયાર કરી સ્વદેશીનો પ્રચાર, દારૂની દુકાનો ઉપર પિકેટીંગ શરૂ થયું. રાષ્ટ્રીય શાળાઓની રચના કરાવી. લોકોએ પોતાના ખાનગી ઘરોમાં સગવડો કરી. કડોદ ગામના વાણિયાઓ સરકારી શાળા બંધ કરવા તૈયાર ના થતા, સ્વયં સેવકોએ રસ્તા સાફ કર્યા, તેમની જરૂરિયાતો અને મુશ્કેલીમાં મદદ કરી મનાવ્યા. કુંવરજી અને વિદ્યાર્થીઓ ગામડે ગામડે ખાદી, રેંટિયાનો પ્રચાર કરતા ત્યારે કલુ-દલુ સૂરત મ્યુનિસિપાલીટીની ૪૦ સીટો કબજે કરવાની વેતરણ કરી.

રાષ્ટ્રીય મુસ્લિમો તરીકે ઓળખાતા મોહમદ અફઝલ નરમવાલા, સૈયદ અહમદ એન્ડ્રુઝ તેમજ છોટુભાઇ મારફતિયા મોટા વેપારી પ્રચાર કાર્યમાં લાગી ગયા. વિઠ્ઠલભાઇ પણ આવી પહોંચ્યા. કોંગ્રેસે સુરત મ્યુનિસિપાલીટીમાં ભારે બહુમતીથી કબજો જમાવ્યો. 40 માંથી 38 સીટ કોંગ્રેસને મળી. માત્ર બે સીટો ડો. સુમન્ત મહેતા અને ડો. મોહનનાથ દીક્ષિત સરકારી ફાળે ગઇ. તેઓ હોમરૂલ લીગના મુખ્ય કાર્યકરો હતા. મ્યુનિસિપાલીટીમાં કોંગ્રેસે ‘શાળાબોર્ડ’ને સરકારી સત્તામાંથી મુકત કરી. ‘રાષ્ટ્રીય કેળવણી મંડળ’ની સ્થાપના થઇ. સૌ પ્રથમ કેળવણી મંડળે, ગાંધીજીનું સન્માન તામ્રપત્રથી કર્યું.

શાળાના નામો ‘મહાત્મા ગાંધી રાષ્ટ્રીય શાળા’, ‘કસ્તુરબા ગાંધી કન્યા શાળા’, ‘લોકમાન્ય વિનય મંદિર’, ‘દેશબંધુદાસ શાળા’ વગેરે રખાયા. ‘રાષ્ટ્રીય કેળવણી મંડળ’ને ફંડફાળા મુંબઇમાંથી મળવા લાગ્યા. 50 રાષ્ટ્રીય શાળાઓ 2400 વિદ્યાર્થી ધરાવતી સ્થપાઇ. સરકારી ચોપડે બારડોલી તાલુકો સમગ્ર સૂરત જીલ્લાઓમાં શાંત, ગુનેગારો વગરનો અને હિન્દુ, મુસ્લિમ, પારસી વગેરે સંપથી રહેતા. સરકારી અમલદારો ઇચ્છતા કે તેમની ફેરબદલી બારડોલીમાં થાય. કુંવરજીએ બારડોલી તાલુકામાં સત્યાગ્રહ લડત ઉપાડવાનો ધ્યેય પહેલેથી રાખી લોકજાગૃતિ, રચનાત્મક કાર્યક્રમો, દારૂબંધી, સ્વદેશી, કાંતણ વગેરે કાર્યક્રમો તેમના કાર્યકરો મળી કરતા રહ્યા. ગાંધીજી પાકા વાણિયા હતા.

બારડોલી તાલુકા ઉપર પસંદગી ઉતારતા પહેલાં વિઠ્ઠલભાઇને તાલુકાની તૈયારીનું નિરીક્ષણ કરવા મોકલ્યા. વિઠ્ઠલભાઇને કુંવરજીના સૂચનમાં તથ્યતા લાગી. આખરે બારડોલી તાલુકા ઉપર કળશ ઢળ્યો. 3 ડિસેમ્બર 1921 ના રોજ ગાંધી વિઠ્ઠલભાઇ  બારડોલી આવ્યા. ગાંધી જૈન મંદિરમાં ઉતર્યા. 30,000 મેદનીવાળી જાહેરસભા થઇ. પૂર્ણા નદીને કિનારે લોકોની ઠેઠ જામી હતી. ગાંધીજી બોલવા ઊભા થયા ત્યારે તેઓ જોઇ શકયા કે વસ્તીનો ખાસ્સો મોટો ભાગ છાપરા ઉપર બિરાજેલો. ગાંધીજીએ હાથના ઇશારાથી તેઓને સામાન્ય જનતા સાથે બેસાડયા. ગાંધીજી જોઇ શકયા કે દલિતો, આદિવાસી સુધી કાર્યક્રમ પહોંચ્યો નથી. અસ્પૃશ્યતા નિવારણ શકય બન્યું નથી. ગાંધીજીની શેહશરમથી જનતા દલિતો સાથે બેઠી ખરી. પણ સભા પૂરી થયા પછી, સવર્ણો નદીમાં સ્નાન કર્યા પછી ઘેર પહોંચ્યા. આ વિગતો કલ્યાણજીભાઇએ  આંખે દેખ્યા હેવાલની માફક મને વર્ણવ્યો હતો. ગાંધીજી હોંશિયાર હતા તેઓ જોઇ શકયા કે ૩૦ ટકા જ તૈયાર થઇ છે.

સ્થાનિક કાર્યકરો ઉત્સાહી અને અડીખમ હતા. ગાંધીજીએ તેમની શરતો રજુ કરી. ‘લડત ઉપાડીયે ત્યારે એ ધ્યાનમાં રાખવાનું કે બ્રિટિશ સરકાર લડત તોડી પાડવા જુલ્મોની ઝડી વરસાવશે. તાલુકાને ચારેબાજુ લશ્કરથી ઘેરશે. જીવનની જરૂરિયાત અનાજ પાણીની તંગી ઊભી થવાની પૂરી શકયતા રહેશે. તાલુકાએ સૌ પ્રથમ સ્વાવલંબી બનવું પડશે. જો તાલુકાના 138 ગામોમાંથી પાંચ ગામ પણ ફના થઇ જવા તૈયાર થાય તો હું લડત ઉપાડવા તૈયાર છું.’ આશ્રમવાસીઓ દયાળજી, કુંવરજી ગામડે ગામડે તપાસ કરવા નીકળી પડયા. સાંકળી, રાયમ, ખોજ, પારડી.

Most Popular

To Top