National

15 વર્ષના નશાખોર પુત્રએ ઊંઘતા માતા-પિતાની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી, રાજસ્થાનની ચોંકાવનારી ઘટના

રાજસ્થાન: (Rajshthan) રાજસ્થાનના હનુમાનગઢમાં અરેરાટીપૂર્ણ ઘટના બની છે. અહીં એક 15 વર્ષના સગીર બાળકે પોતાના સગા માતા-પિતાની કુહાડીના ઘા ઝીંકી હત્યા (Son killed own parents) કરી દીધી છે. માતા-પિતા ઊંઘતા હતા ત્યારે જ બાળકે કુહાડીથી હુમલો કર્યો હતો. એટલું જ નહીં તેણે પોતાના નાના ભાઈના માથા પર પણ કુહાડી મારી હતી. માતા-પિતા અને નાના ભાઈને લોહીલુહાણ હાલતમાં છોડી તે ઘરની બહાર નીકળી ગયો હતો અને ઘરની નજીક રહેતા લોકોને કહ્યું હતું કે, મેં મારા માતા પિતાને મારી નાંખ્યા છે.

બાળકની વાત સાંભળી પાડોશીઓ ચોંકી ગયા હતા અને તરત જ તેના ઘરે દોડી ગયા હતાં, જ્યાં તેના માતા-પિતાની લોહીના ખાબોચિયામાં લાશ પડી હતી, જ્યારે તેના નાના ભાઈના શ્વાસ ચાલુ હતા. તેને સિરસા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. માતા-પિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા હતા અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી હત્યારા પુત્રની ધરપકડ કરી હતી. પોલીસે હત્યામાં વપરાયેલી કુહાડી પણ કબ્જે લીધી હતી.

પોલીસ સૂત્રોએ કહ્યું કે, અહીંના ફેફાના ગામમાં 42 વર્ષીય શીશપાલ પત્ની ઈન્દ્રા (38), પુત્ર અજય (15) અને તેના નાના પુત્ર સાથે રહેતા હતા. 12 વીંઘા જમીનમાં ખેતી કરી આ દંપતી ગુજરાન ચલાવતું હતું. 15 વર્ષના અજયને નાની ઉંમરમાં જ નશાની લત લાગી ગઈ હતી. માતા-પિતા તેને અવારનવાર વ્યસનમુક્તિ કેન્દ્રમાં મોકલતા હતા પરંતુ તે ત્યાંથી ભાગી આવતો હતો. બે-ત્રણ દિવસ પહેલાં જ તે નશામુક્તિ કેન્દ્રમાંથી ભાગી આવ્યો હતો.

બુધવારે તેને ફરી નશામુક્તિ કેન્દ્રમાં મોકલવાની વાત થઈ હતી, તે જાણી અજય ગુસ્સે ભરાયો હતો અને રાત્રે લગભગ 9 વાગ્યે માતા-પિતા ખાટલામાં સૂઈ રહ્યાં હતાં ત્યારે કુહાડી લઈ બંને પર તૂટી પડ્યો હતો. માતા-પિતાના ગળા પર વાર કર્યા હતા. તેથી બંનેના ખાટલા પર જ મોત થયા હતા. અવાજ સાંભળતા તેનો નાનો ભાઈ દોડી આવ્યો હતો તેના માથા પર અજય કુહાડી ઝીંકી દીધી હતી. લોહીલુહાણ હાલતમાં નાનો ભાઈ જમીન પર ફસડાઈ પડ્યો હતો, ત્યાર બાદ હત્યારો પુત્ર ભાગી ગયો હતો.

Most Popular

To Top