Editorial

અમેરિકામાં વર્ક વિઝા પર રહેતા ભારતીયોના એક લાખ બાળકોની કઠણાઇ

ઘણા બધા ભારતીયોને અને તેમાં પણ ખાસ કરીને મોટા પ્રમાણમાં ગુજરાતીઓને અમેરિકાનું ખૂબ આકર્ષણ છે. કેટલાક લોકો તો ગાંડપણ કહી શકાય તેવા ઉધામા કરીને અમેરિકા વસવા જવા માટે પ્રયાસો કરે છે. અમેરિકામાં જેઓ કાયદેસરના વર્ક વિઝા વગેરેના આધારે ગયા છે તેમાંના ઘણાની હાલત પણ બહુ સારી નથી અને તેમણે કેવા સંઘર્ષો કરવા પડે છે તેની વિગતો સમયે સમયે બહાર આવતી જ રહે છે. હાલમાં જ એવી માહિતી બહાર આવી છે કે અમેરિકામાં એચ-૧બી જેવા વિઝા ધારકો એવા ભારતીયોના એક લાખ કરતા વધુ બાળકો તેમના માતા-પિતાથી જુદા પડી જવાનું જોખમ ધરાવે છે. ગ્રીન કાર્ડ આપવાની પ્રક્રિયામાં બેકલોગને કારણે અમેરિકામાં હાલ એક લાખ કરતા વધુ ભારતીય બાળકો તેમના માતા-પિતાથી જુદા પડી જાય તેવું જોખમ ધરાવે છે એમ આંકડાઓ પરથી જાણવા મળે છે.

અમેરિકામાં હાલમાં ઘણા ભારતીયો મોટે ભાગે એચ-૧બી વિઝા ધારકો છે જે વિઝા હંગામી વર્ક વિઝા છે. આ વિઝા ધારકોના જીવનસાથીઓ અને બાળકોને એચ-૪ વિઝા આપવામાં આવે છે જે હંગામી ધોરણે રહેવાની પરવાનગી આપે છે. અમેરિકામાં હાલમાં ૧.૩૪ લાખ જેટલા ભારતીય બાળકો એચ-૪ વિઝા હેઠળ રહે છે. પરંતુ ત્યાંના નિયમ પ્રમાણે આ બાળકો ૨૧ વર્ષના થઇ જાય તે પછી તેઓ આ વિઝા હેઠળ અમેરિકામાં રહી શકતા નથી. આ બાળકોના માતા-પિતાને જો સમયસર ગ્રીન કાર્ડ નહીં મળે તો આ બાળકો ૨૧ વર્ષના થયા બાદ તેમણે અમેરિકા છોડવું પડી શકે છે અને તેઓ મા-બાપથી વિખુટા પડી શકે છે.

અમેરિકામાં ગ્રીન કાર્ડ માટેની ઢગલેબંધ પેન્ડિંગ પડેલી અરજીઓ અને દેશદીઠ ૭ ટકાની ટોચમર્યાદા જોતા આ તમામ અરજીઓનો નિકાલ ૧૩૫ વર્ષે થઇ શકે તેમ છે! આવા બાળકો માટે બે વિકલ્પો છે. એક તો તેમણે એફ-૧ સ્ટુડન્ટ વિઝા લેવો. આ વિઝા તેમને અમેરિકામાં અભ્યાસ કરવાની પરવાનગી આપે છે પરંતુ ત્યાં કામ કરવાની પરવાનગી આપતા નથી. તે વાતની કોઇ ખાતરી નથી કે આ બધા બાળકોને એફ-૧ વિઝા મળશે જ કારણ કે મર્યાદિત સંખ્યાના બાળકો જ આ વિઝા મેળવી શકે છે. આવા સંજોગોમાં આવા બાળકો માટે બીજો વિકલ્પ એ છે કે તેઓ પોતાના મા-બાપના વતનના દેશ જતા રહે. જો કે આ એક મુશ્કેલ અને ભાવનાત્મક રીતે કઠણ નિર્ણય છે, ખાસ કરીને તે બાળકો માટે કે જેઓ અમેરિકામાં ખૂબ નાના બાળક તરીકે આવ્યા હોય અને ત્યાં જ મોટા થયા હોય અને ભારતમાંના તેમના કુટુંબ સાથે તેમને બહુ ઓછા સંબંધ હોય કે સંબંધ જ નહીં હોય.

હાલમાં બાઇડન પ્રશાસને એવા નિયમની દરખાસ્ત મૂકી છે કે જે ચોક્કસ એચ-૪ વિઝા ધારકોને તેઓ અમેરિકામાં ૨૧ વર્ષના થાય પછી પણ રહેવાની અને કામ કરવાની પરવાનગી આપે, પરંતુ આ નિયમ કયારે અમલી બનશે તે અસ્પષ્ટ છે. બાઇડને ૭ ટકાની ટોચમર્યાદા દૂર કરવાની પણ ખાતરી આપી હતી પરંતુ તે પણ હજી થઇ રહ્યું નથી. આ બધું ઝડપથી શકય બને તેવું લાગતું પણ નથી કારણ કે સ્થાનિક સ્તરેથી આ હિલચાલ સામે ઘણો વિરોધ ઉઠી શકે છે. હવે આવા ભારતીયો અને તેમના બાળકોનું શું થાય છે તે જોવાનું રહે છે.

Most Popular

To Top