SURAT

સુરતના નવા મેયર દક્ષેશ માવાણી, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓના નામની પણ ઘોષણા

સુરત(Surat): અમદાવાદ (Ahmedabad) અને વડોદરા (Vadodara) બાદ આજે મંગળવારે ગુજરાત ભાજપે (GujaratBJP) સુરત અને રાજકોટ (Rajkot) શહેરના મેયર (Mayor) તથા પદાધિકારીઓના નામની ઘોષણા કરી છે. મેયર હેમાલી બોઘાવાલા સહિતના પદાધિકારીઓએ સોમવારે સાંજે પોતાનું પદ છોડ્યા બાદ આજે મંગળવારે સવારે ભાજપ દ્વારા સુરતના મેયર અને પદાધિકારીઓના નામની જાહેરાત કરાઈ છે.

ડાબેથી સુરતના મેયર દક્ષેશ માવાણી, ડે.મેયર નરેન્દ્ર પાટીલ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી અને દંડક ધર્મેશ વાણિયાવાલા.

સુરતના 38માં મેયર તરીકે દક્ષેશ માવાણીનું (DaksheshMavani) નામ જાહેર કરાયું છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિના ચેરમેન તરીકે રાજન પટેલ, શાસક પક્ષના નેતા તરીકે શશીબેન ત્રિપાઠી અને દંડક તરીકે ધર્મેશ વાણિયાવાલાની નિમણૂંક કરાઈ છે.

રાજકોટના પૂર્વ મેયર ડો. પ્રદીપ દવેએ નવા મેયર નયનાબેન પેઢડિયાને શુભેચ્છા પાઠવી.

રાજકોટમાં છેલ્લી ઘડીએ મેયર તરીકે નયના પેઢડિયાના નામની જાહેરાત
રાજકોટમાં પણ નવા પદાધિકારીઓની પસંદગી કરાઈ છે. રાજકોટમાં મેયર તરીકે નયનાબેન પેઢડિયાનું નામ જાહેર કરાયું છે. અહીં છેલ્લે સુધી મેયર પદની રેસમાં જ્યોત્સના ટીલાળાનું નામ ચર્ચામાં હતું. પરંતુ છેલ્લી ઘડીએ નયનાબેન પેઢડિયાનું નામ જાહેર થતા આશ્ચર્ય સર્જાયું છે. રાજકોટમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકરની પસંદગી કરાઈ છે.

ડાબેથી ભાવનગરના મેયર ભરત બારડ અને જામનગરના મેયર વિનોદ ખીમસુરીયા

ભાવનગર-જામનગરના નવા પદાધિકારીઓના નામની ઘોષણા
હોદ્દેદારોની ટર્મ પુરી થતા ભાવનગર અને જામનગરમાં પણ નવા હોદ્દેદારોના નામની જાહેરાત કરાઈ છે. ભાવનગરના નવા મેયર તરીકે ભરત બારડ, ડેપ્યુટી મેયર તરીકે મોના પારેખની પસંદગી કરાઈ છે. જામનગરના નવા મેયર તરીકે વિનોદ ખીમસુરીયા અને ડેપ્યુટી મેયર તરીકે ક્રિષ્ણાબેન સોઢાના નામની ઘો,ણા થઈ છે. આ ઉપરાંત બંને શહેરોમાં સ્ટેન્ડિંગ કમિટીના 12-12 સભ્યો અને ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદમાં પ્રતિભા જૈન, વડોદરામાં પિન્કીબેન સોની નવા મેયર
આ અગાઉ સોમવારે પ્રદેશ ભાજપની નેતાગીરીએ આપેલા મેન્ડેટના પગલે અમદાવાદ તથા વડોદરામાં ભાજપ શાશિત મનપામાં નવા હોદ્દેદારોની પસંદગીની જાહેરાત કરાઈ હતી, જેમાં બંને શહેરોમાં મહિલા મેયરની નિમણૂકની જાહેરાત કરાઈ હતી.

અમદાવાદમાં મેયર પદ સામાન્ય વર્ગની મહિલા માટે અનામત હોવાથી મહિલા મેયર તરીકે પ્રતિભા જૈનના નામની જાહેરાત કરવામાં આવી હતી, જયારે ડેપ્યુટી મેયર તરીકે જતિન પટેલ, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે દેવાંગ દાણી અને શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિની નિમણૂક કરાઈ હતી.

બીજી તરફ વડોદરા શહેરના મેયર તરીકે પિન્કીબેન સોનીના નામની જાહેરાત કરાઈ હતી. જયારે ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટ, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે ડૉ. શિતલ મિસ્ત્રી અને શાસક પક્ષના નેતા તરીકે મનોજ પટેલની કરાઈ પસંદગી કરાઈ હતી. પિન્કીબેન સોની વડોદરાના 61માં અને ચોથા મહિલા મેયર બન્યા છે. આ અગાઉના ભારતીબેન વ્યાસ, ડો. જ્યોતીબેન પંડ્યા અને ડો. જીગીષાબેન શેઠ વડોદરાના મેયર રહી ચૂક્યા છે.

Most Popular

To Top