Vadodara

હાથીખાના માર્કેટમાં તસ્કરોનો તરખાટ : એક જ રાતમાં 10 જેટલી દુકાનોના તાળા તોડયા

રોકડ સહિત માલમતાની ચોરી, CCTVમાં કેદ થયા ચોરોના કારનામા, DCP ઝોન 4 સહિત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા


વડોદરા, તા. 14
વડોદરા શહેરમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે હવે શહેરના વ્યસ્ત વ્યાપારી વિસ્તાર ગણાતા હાથીખાના માર્કેટમાં તસ્કરોએ એક જ રાતમાં 10 ઉપરાંતની દુકાનોને નિશાન બનાવી તસ્કરો એ તરખાટ મચાવ્યો છે જેના કારણે વેપારીઓમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહયો છે. શનિવારે મોડી રાત્રે તસ્કરોએ દુકાનોના તાળા તોડી અંદર પ્રવેશ કરી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જોકે માર્કેટમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં દુકાનોના તાળા તોડતા કેદ થઈ ગયા હતા.
રવિવારે વહેલી સવારે વેપારીઓ પોતાની દુકાનો ખોલવા પહોંચ્યા ત્યારે દુકાનોના તાળા તૂટેલા જોવા મળ્યા હતા. અંદર તપાસ કરતાં રોકડ રકમ અને અન્ય સામાનની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. એકસાથે 10 જેટલી અનાજ કરિયાણાની દુકાનોમાં ચોરી થતા વેપારીઓના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. ડીસીપી ઝોન-4 એન્ડ્રુ મેકવાન સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક હાથીખાના માર્કેટ પહોંચ્યો હતો. પોલીસ દ્વારા સ્થળ પર પંચનામું, પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી તેમજ વેપારીઓના નિવેદનો નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તસ્કરોએ ખૂબ જ આયોજનબદ્ધ રીતે દુકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. માર્કેટમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ ચકાસતાં કેટલાક શંકાસ્પદ શખ્સો દુકાનોના તાળા તોડતા સ્પષ્ટ દેખાઈ રહ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
ડીસીપી એન્ડ્રુ મેકવાને જણાવ્યું હતું કે હાથીખાના માર્કેટની અનેક દુકાનોમાં ચોરીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. અલગ-અલગ દુકાનોમાંથી કેટલી રકમ અને કેટલો મુદ્દામાલ ચોરાયો છે તે અંગે વેપારીઓની ફરિયાદના આધારે ચોક્કસ આંકડો સામે આવશે. CCTV ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ કરવાની કામગીરી તેજ કરવામાં આવી છે અને વિવિધ પોલીસ ટીમોને તપાસમાં જોડવામાં આવી છે.
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મકાનો, મંદિરો અને દુકાનોમાં વધતી ચોરીની ઘટનાઓને પગલે વેપારીઓએ રાત્રિ પેટ્રોલિંગ વધારવાની તેમજ તસ્કરોને ઝડપથી ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. હાલ સમગ્ર વેપારી વર્તુળની નજર પોલીસની તપાસ અને ચોરોની ધરપકડ પર મંડાઈ છે.

Most Popular

To Top