Columns

સનાતની પરંપરાનું ધર્મ-પર્વ હોળી-ધુળેટી

  • સનત દવે

રંગોનું પર્વ હોળી-ધુળેટી ઢૂંકડું દેખાવા લાગ્યું છે. નાના મોટા ગરીબ-તવંગર, યુવા-યુવતી સૌનું ગમતીલું આ પર્વ છે. બજારો નીતનવી ડિઝાઇનોની પીચકારી અને રંગોના ઢગલાઓથી ઉભરાવા લાગી છે. સમયની સાથે હોળી-ધુળેટીના ઉત્સવમાં ટ્રેન્ડ બદલાય એ સ્વાભાવિક છે પણ પરંપરાગત ઉજવણી જાળવી રાખવી ખૂબ જરૂરી છે. ફકત આનંદ અને મોજ ખાતર ઉત્સવને માણતા યુવક-યુવતીઓએ તહેવારની ધાર્મિક અને આધ્યાત્મિકતાને જાણવી પણ જોઈએ. આનંદ, મોજ-મસ્તી સાથે સંયમતા પણ જરૂરી હોય છે.
હોળી-ધૂળેટી એ પૌરાણિક કાળથી ચાલી આવતી ઉત્સવ પરંપરા છે. શાસ્ત્રોમાં તો દરેક યુગમાં વિવિધ પ્રકારે ઉજવાતી રહેલી પર્વ-પરંપરાનો અનેક પ્રકારે ઉલ્લેખ મળે છે. વૈદિકકાળમાં ઋષિ-મુનિઓના આશ્રમોમાં અને રાજા-મહારાજાઓના મહેલોમાં પણ હોલી ઉત્સવ ઉજવાતો હોવાના પ્રમાણ સાહિત્ય ગ્રંથોમાં જોવા મળે છે. અયોધ્યામાં રામ-સીતા રંગોત્સવ ઉજવતા હોવાનો રામાયણમાં ઉલ્લેખ છે તો ખૂબ જાણીતા વૃંદાવન–મથુરામાં ઉજવાતી હોળી કિષ્ન-ગોપીઓ વચ્ચે ખેલાતા રંગપર્વની પરંપરા છે. શિવમહાપુરાણમાં પણ શિવ-પાર્વતી આ આનંદ ઉત્સાહના પર્વને માણતા હોવાના ઉલ્લેખ છે.
વસંત-પંચમીથી પ્રારંભાતા વસંતોત્સવને રંગોત્સવ સાથેનો ગાઢ સંબંધ વર્ણવતા પ્રાચિન કવિઓનો ગદ્ય-પદ્ય રચનાઓ માટેના પ્રિય વિષય રહ્યો છે.
ફાગણ પૂર્ણિમાનો રંગોત્સવ સામવેદમાં પણ મંત્રોસ્વરૂપે ઉલ્લેખાયો છે જેને રાગ-તાલમાં ગાઇ શકાય છે. સામવેદ સાથે જોડાયેલ ‘તાણ્ડય મહાબ્રાહ્મણ’ ગ્રંથના મંત્રનો સીધો સંબંધ હોળી ઉત્સવ સાથે છે. ઋષિમુનિઓના ગુરુકુળોમાં હુતાશની અનુષ્ઠાન થતા અને જેમા અગ્નિદેવની પૂજા થતી. ખેતરોમાં પાકેલા નવા ધાન્યની અગ્નિદેવને આહુતિ અપાતી જે નવધાન્ય-ઇષ્ટિ વૈદિક યજ્ઞ તરીકે ઓળખાતો શિવજીએ ત્રીજા નેત્રના અગ્નિ દ્વારા કામદેવને ભસ્મીભૂત આ દિવસે કરેલ એટલે કામદેવની પૂજા પણ ઘણા સ્થળોએ આજે પણ નવયુગલો કરે છે. ભગવાન મનુનું પ્રાગટય પણ આ સમયે થયેલું હોવાથી ‘મનવાડી તિથિ’ પણ કહેવાય છે. ભવિષ્યપુરાણમાં રાજાઓ અને શ્રીમંતોને આજ્ઞા કરવામાં આવી છે કે સમસ્યાઓને હોળીમાં પધરાવીને પ્રજાને સુખ, શાંતિ અને રક્ષણ આપો.
હોળી ઉત્સવને તંત્ર શાસ્ત્રમાં દારૂણ રાત્રિ કહે છે અને તાંત્રિકો સાધના દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરવાની રાત્રિ ગણે છે. ઋષિ વાત્સાયન તેના કામસૂત્રમાં સુવસંતક, ઉદકક્ષ્વેદિકા અને અભ્યુષખાદિકા જેવા ઉત્સવોની ચર્ચા જોવા મળે છે. એમાં સુવસંતક એ વસંતપંચમીની ઉજવાતો અવસર છે. તો ઉદકક્ષ્વેદિકાએ રંગ અને પાણીનો પીચકારી દ્વારા ઉજવાતો ઉત્સવ ગણાયો છે જયારે અભ્યુષખાદિકા એ ધાન્યને આગમાં ભુંજીને પ્રસાદરૂપે ખાવાનો ઉત્સવ મનાયો છે. વિવિધ કથાઓ સાથે હોલી ઉત્સવની ખૂબ જ જાણીતી ધર્મકથા ભકત પ્રહલાદ અને હોલિકા સાથે જોડાયેલી છે. ભગવાન નારાયણના પરમભકત પ્રહલાદને મૃત્યુદંડ આપવા દાનવરાજ હિરણ્યકશ્યપે તેની બહેન હોલિકાને પ્રહલાદને લઇ ચિત્તામાં બેસી અગ્નિમાં ભસ્મિભૂત કરી દેવા એટલા માટે કહ્યું હતું કે હોલિકા પાસે એવી અગ્નિવિરોધક ચુંદડી હતી જે ઓઢી લે એટલે અગ્નિ તેને દઝાડે નહિ. પણ નારાયણની કૃપાથી ચુંદડી ઉડીને પ્રહલાદ માથે ઢંકાઈ ગઇ અને તે તો બચી ગયો પણ હોલિકા ભસ્મિભૂત થઇ ગઈ. ત્યારથી હોલી પ્રગટાવવાની પ્રથા અને નારાયણના ભકત પ્રહલાદના વિજયની ખુશીમાં બીજે દિવસે રંગોનું પર્વ ધૂળેટી મનાવાય છે પણ વિશ્નોઇ સમાજ પ્રહલાદના વંશજો મનાય છે તેથી એ સમાજના લોકો હોળી એટલે નથી પ્રગટાવતા કે એ દિવસે પ્રહલાદને મારવા માટે એ વખતે હોળી પ્રગટાવેલી હતી. આ બે દિવસ તેઓ પુજાપાઠ અને અનુષ્ઠાન કરતા હોય છે. એવુ કહેવાય છે કે આજના બિહારના પુર્ણિયા જિલ્લાનું સિકલીગઢ એ દાનવરાજ હિરણ્યકશ્યપનું રાજ્ય હતું. થાંભલામાં પ્રગટ થયેલ ભગવાન નૃસિંહે હિરણ્યકશ્યપનો વધ કરેલ એ સ્થંભ આજે પણ સિકલીગઢમાં મોજૂદ છે. જેને માણેકસ્થંભ તરીકે લોકો ઓળખે છે. આજુબાજુના વિસ્તારોમાં ખોદકામ દરમ્યાન મહેલોના અવશેષો મળી રહ્યા છે.
આ કથા વસ્તુનો ઉલ્લેખ ભાગવત પુરાણના સાતમા સ્કંધના આઠમા અધ્યાયમાં માણેકસ્થંભના સ્થળ સાથે જોવા મળે છે. બિહારનું આ સ્થળનું એટલું બધુ ધાર્મિક મહત્વ છે કે હોળી ધૂલેટીના અવસરે આજુબાજુના 40 થી 50 હજાર શ્રદ્ધાળુઓ હોલિકાદહનના અવસરે ઉપસ્થિત રહેતા હોય છે. હોળી પ્રગટાવ્યાના બીજા દિવસે અગ્નિ શાંત થયા પછી હોળીની રાખ અને માટી એકબીજાને લગાવીને ઉત્સવની ઉજવણી અહીં થતી હોય છે.
આજે પણ એ પરંપરા કાયમ છે દાનવરાજ હિરણ્યકશ્યપનો ભાઈ હિરણ્યાક્ષ બરાહ ક્ષેત્રનો રાજા હતો જે વિસ્તાર આજે નેપાળમાં આવેલું છે. પૌરાણિક કથાઓના પાત્રો અને સ્થળોની મૌજુદગી પુરવાર કરવા આધુનિક યુગના ઉપકરણો અને સંશોધકોની મહેતન ઉપયોગી બની છે. કાશી, મથુરા, અયોધ્યા અને દ્વારિકા જેવા સ્થળો સાથે જોડાયેલી આપણી ધર્મકથાઓના તથ્યો અને સત્યો પુરવાર થઇ રહ્યા છે જે જેને દંતકથા અને કાલ્પનિક કથા કહેનારાઓ માટે લપડાક છે. આપણે વારંવાર એવુ કહેતા હોઇએ છીએ કે શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી પણ અનેક પ્રકારે મળી રહેલા પુરાવાઓ આપણી ધર્મકથાઓની સત્યતાના પ્રમાણ છે.
શિવરાત્રિ એ શિવ-પાર્વતિના વિવાહને યાદ અપાવતો અવસર છે. કહેવાય છે કે શિવ-પાર્વતિ વિવાહ બાદ કાશી આવેલા અને એ સમય ફાગણીયો અવસર હતો. એ અવસરને યાદ કરી કાશીવાસીઓ કાશીના સ્મશાનઘાટની ભસ્મથી હોળી રમે છે. વૈદિક હોળી ફરીને વાયરલ થયેલો શબ્દ છે. પહેલા વૈદિક હોળી ગોબરના છાણાઓને ગોઠવીને અંદર ખેતરોમાં પાકેલ નવા ધાન્યને માટલામાં ભૂંજવા માટે રાખી હોળી પ્રગટાવાતી. આજે સામાન્ય રીતે લાકડાઓ ખડકી કે મોટુ સુકુ લાકડાનું થડ મૂકી દઇ હોળી પ્રગટાવાય છે જે બેત્રણ દિવસ સુધી સળગતુ રહે છે ખરેખર એ પ્રથા યોગ્ય નથી. જો કે વૈદિક હોળી પ્રત્યે લોકોમાં થોડી જાગૃતિ આવી છે. ઘણા બધા સ્થળોએ ગોબરના છાણા કે ગોબરની બનેલી ગોસ્ટીક લાકડાના બદલે ઉપયોગ કરી હોળી પ્રગટાવે છે. સૌરાષ્ટ્રમાં આજે પણ ગોબરના છાણાની જ હોળીઓ પ્રગટાવાય છે છાણાને ગોઠવનારા પણ અનુભવી વડિલો છાણા ગોઠવતા પહેલા એક દોઢ ફૂટ ઉંટો ખાડો ખોદી તેમા માટલુ મૂકી અને માટલામાં પાણી, ઘઉં, જવ જેવા ધાન્ય સાકર ભેળવી મુકીને ઉપર ગોઠવાયેલા છાણાની હોળી પ્રગટાવતા અને બીજે દિવસે સવારે હોળીની ગરમીથી બફાઈ ગયેલ ધાન્યને શેરી-મહોલ્લામાં ઘરે ઘરે પ્રસાદની જેમ વહેંચતા જેને ઘૂઘરી પ્રસાદ કહેવાય છે. જો કે એ લાંબી પ્રક્રિયા ટૂંકી થઇ ગઇ છે અને શેરીમહોલ્લાના નાકા પર છાણા-લાકડાની હોળી પ્રગટાવવાની પ્રક્રિયા સામાન્ય બની રહી છે.
સનાતની બંધુઓને વૈદિક હોળી પ્રત્યે અધિક જાગૃતિ લાવવા હિન્દુસંગઠનો પ્રયત્નશીલ છે જેથી એક ફાયદો એ થશે કે ગોબરના છાણા કે ગોસ્ટીકની હોળીથી પરંપરાની પવિત્રતા જળવાશે, બીજુ ગોબરના છાણથી પ્રગટેલ હોળીની જવાળા-ધૂમડાથી અનેક દૂષિત બેકટેરિયાઓ લાંબા સમય સુધી વાતાવરણમાંથી નાશ પામશે તથા મહત્ત્વપૂર્ણ બાબત એ કે ગૌશાળામાંથી છાણા અને ગોસ્ટીક ખરીદાશે તો ગૌશાળાને આપણે આર્થિક રીતે મદદગાર પણ થઇશું. સુરતમાં અને દક્ષિણ ગુજરાતની અનેક ગૌશાળાઓ હોળી માટે ખાસ ગોસ્ટીક બનાવે છે. સુરતમાં તમે આવી ગૌશાળાથી અજાણ હોય અને વૈદિક હોળી પ્રગટાવવા ઈચ્છતા હોવ તો ગૌસેવક મનીષભાઈ ગાલાણી (9727917427) તથા ભરતભાઈ ગાલાણી (9727717427)નો સંપર્ક કરી સહયોગ મેળવી શકો છો.

Most Popular

To Top