સિંગવડના નાના આંબલીયા ગામે ગમખ્વાર અકસ્માત; ત્રણ-ત્રણ સવારી અને સાવચેતીના અભાવ સામે ફરી ઉઠ્યા સવાલો

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના નાના આંબલીયા ગામે શાળા છૂટ્યા બાદ બે મોટરસાયકલ સામસામે ધડાકાભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ધોરણ-12માં અભ્યાસ કરતા 17 વર્ષીય વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય પાંચ યુવાનો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રાથમિક સારવાર બાદ ગોધરા, દાહોદ અને વડોદરાની હોસ્પિટલોમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, સિંગવડ તાલુકાના રણધીકપુર ગામના કિશોરી ફળિયામાં રહેતા 17 વર્ષીય શિવરાજ ફતેસિંહ કિશોરી તેના પિતરાઈ ભાઈ તુષાર કલસિંગ કિશોરી (17) અને રોહિત રાકેશ કિશોરી (15) સાથે નાના આંબલીયા સ્થિત શ્રી સરદાર પટેલ વિદ્યાલયમાં અભ્યાસ માટે ગયા હતા. શાળા પૂર્ણ થયા બાદ ત્રણેય એક જ બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. નાના આંબલીયા ગામની ચોકડી પાસે આવેલા વળાંક પર સામેથી આવતી પલ્સર બાઈક સાથે તેમની બાઈક ધડાકાભેર અથડાઈ હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે શિવરાજને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તુષાર અને રોહિતને ગંભીર હાલતમાં ગોધરા રિફર કરવામાં આવ્યા હતા.
બીજી બાઈક પર સવાર દાસા ગામના નીનામા નરેન્દ્ર નાનજીભાઈ (18), બોરગોટા ગામના હર્ષદ અરવિંદભાઈ પટેલ (19) અને રાહુલ કલ્યાણ બારીયા (18) પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે દાહોદ, ગોધરા અને વડોદરાની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતમાં બંને મોટરસાયકલોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઘટના બાદ ફરી એકવાર સગીર વયના વિદ્યાર્થીઓ દ્વારા બાઈક ચલાવવા અને ત્રણ-ત્રણ સવારી સાથે મુસાફરી કરવાના મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહનની પૂરતી સુવિધાના અભાવે વાલીઓ બાળકોને બાઈક આપતા હોય છે, પરંતુ લાઇસન્સ વિના વાહન ચલાવવું અને ટ્રાફિક નિયમોની અવગણના જીવલેણ સાબિત થઈ શકે છે. આવી ઘટનાઓ અટકાવવા માટે વાલીઓ તેમજ પોલીસ અને પરિવહન તંત્ર દ્વારા વધુ સજાગતા અને કડક અમલવારી જરૂરી બની છે.