( પ્રતિનિધિ )વડોદરા,તા.5
વડોદરા શહેરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારે આકાશમાં વાદળો ઘેરાયા હતા. ઠંડા પવનો સાથે શહેરના કેટલાક વિસ્તારોમાં છાંટા પડ્યા હતા. આગામી તા. 8 થી 12 મે તથા 16મી મે સુધીમાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે. જેના કારણે તારીખ 5 થી 7 દરમિયાન હવામાનમાં પલટો જોવા મળશે.

હવામાન નિષ્ણાંતોના મતે આગાહી કરવામાં આવી છે કે 4 થી 8 મે દરમિયાન રાજ્યમાં હવામાન પલટાશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે. જ્યારે 11 થી 20 મે દરમિયાન તીવ્ર ગરમી પડી શકે છે. હાલમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ગરમ પવનને કારણે ઉકળાટની અસર જોવા મળી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉકળાટની સ્થિતિ અનુભવાય રહી છે. હાલ રાજ્યમાં મહત્તમ તાપમાનમાં એક થી બે ડિગ્રીનો ઘટાડો થયો છે. આગાહી મુજબ મે મહિનાના મધ્ય ગાળામાં પ્રિમોન્સૂનની પ્રવૃત્તિ વધવાની શક્યતાઓ છે. બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસરને કારણે ગરમી અને ઉકળાટની અસર જોવા મળી છે. રાજ્યમાં નીચલા સ્તરે દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમની પવનો ફૂકાઈ રહ્યા છે આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય અને આગામી ત્રણ દિવસમાં ધીમે ધીમે બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી આપવામાં આવી છે. સોમવારે શહેરનું મહત્તમ તાપમાન 37.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28.4 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે મંગળવારે ગરમીનો પારો 39 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. હાલ શહેરમાં વહેલી સવારે આવેલા અચાનક પલટાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.