Columns

પરિવારને સમય આપો

ધગશ, યુવાન બિઝનેસમેન ,થોડા સમયમાં બહુ સફળતા મળી ,નામ થયું ,બિઝનેસ જામી ગયો દિવસ રાત બિઝી રહેતો, એક શહેરથી બીજા શહેર મીટીંગ માટે વિમાનમાં ઊડાઊડ કરતો, ફોરેન કલાઈન્ટ સાથે મીટીંગ માટે મોદી રાત સુધી ઓફિસમાં રહેતો.સતત સફળતા મળતી જતી હતી અને ધગશ રહ્યો હતો વધુ ને વધુ મેળવવા માટે… પરિવારમાં માતા પિતા હતા ,સુંદર પત્ની દિયા અને બે નાનાં બાળકો હતાં.બધાં ધગશની સફળતાથી ખુશ હતાં. ધગશ તેમને ખુશી આપવા માટે સતત દોડી રહ્યો હતો તે પણ તેઓ જાણતા હતા પણ મનના છાના ખૂણે બધાને ધગશની ગેરહાજરી સતાવતી હતી.

પિતા પોતાના સફળ દીકરા સાથે પોતાના અનુભવની વાતો કરવા માંગતા હતા, માતા પોતાનો સફળ દીકરો થાકીને ઘરે આવે તો તેના માટે મનગમતું ભોજન બનાવવા માંગતી હતી.પત્ની દિયાને પોતાના પ્રેમાળ પતિનો થોડો સમય માત્ર પોતાને માટે જોઈતો હતો.નાનકડા જીયાનને ડેડી સાથે ફૂટબોલ રમવું હતું અને જીયાની ઈચ્છા હતી કે ડેડી તેનો પ્રોગ્રામ જોવા આવે.પણ આ બધું શક્ય ન હતું કારણ કે ધગશ પાસે સમય જ ન હતો પોતાના પરિવાર માટે. એક રાત્રે ધગશ રાત્રે બે વાગે ઘરે આવ્યો જોયું તો લાઈટ ચાલુ હતી. તેને નવાઈ લાગી.

અંદર સોફા પર તેના પિતા બેઠાં હતા.ધગશે તરત પૂછ્યું, ‘પપ્પા શું થયું ?? કેમ જાગો છો ?? તબિયત તો સારી છે ને??’ પિતા બોલ્યા, ‘મને કંઈ નથી થયું પણ તને શું થયું છે તે સમજાતું નથી.’ ધગશે કહ્યું, ‘પપ્પા, મને શું થાય, હમણાં જ નવી ડીલની મીટીંગ કરીને આવ્યો છું. કદાચ ફાઈનલ મીટીંગ માટે યુ એસ જવું પડશે.’પપ્પાએ કહ્યું, ‘છોકરાઓની પેરેન્ટ મીટીંગમાં જવાનો સમય છે તારી પાસે … તારાં બાળકો સાથે રમવાનો સમય છે તારી પાસે, અમારી સાથે બેસવાનો કે દિયાની સાથે ડીનર કરવાનો સમય છે તારી પાસે ??”

ધગશ બોલ્યો, ‘પપ્પા મને ખબર છે. હું તમને બધાને સમય આપી શકતો નથી પણ પપ્પા તમે પણ સમજો આ બધી મહેનત હું તમારા બધા માટે એટલે કે મારા પરિવાર માટે જ કરું છું ને…’ પિતાએ કહ્યું, ‘હા એ વાત સાચી પણ જે પરિવારની ખુશી માટે તું આટલું બધું દોડે છે તેમના માટે જ તો તારી પાસે સમય નથી તો આ દોડાદોડ …આ સફળતા …આ જીત નકામી છે.તારાં બાળકો તું આવે તે પહેલાં સૂઈ જાય છે. સવારે તેઓ ઊઠે તે પહેલાં તું ઓફીસ કે મીટીંગમાં ચાલી જાય છે.

ઘરની બધી જવાબદારી પત્ની પર છોડી તું મોટે ભાગે બહારગામ હોય છે.આ બધું બરાબર નથી તારે રોજ પરિવાર માટે સમય આપવો જરૂરી છે. માત્ર કલાક આપ પણ ત્યારે તું માત્ર એક દીકરો ,એક પતિ કે એક ડેડી બની જા, કોઈ ફોન નહિ, કોઈ સોદો નહિ કોઈ બિઝનેસના વિચારો નહિ.તું આટલો મોટો બીઝનેસ બધું પ્લાનિંગ કરીને કરી શકે છે તો એક કલાક પરિવાર માટે પણ આપી જ શકે જ્યાં માત્ર તું અને તારો પરિવાર હોય સમજ્યો.’ ધગશ પિતાની વાત સમજ્યો અને તેણે તરત જ પોતાની ડાયરીમાં રોજ એક કલાક ફેમીલી ટાઈમ લખી નાખ્યો.

Most Popular

To Top