Vadodara

વડોદરામાં ભાજપ યુવા મોરચા પ્રમુખ પાર્થ પુરોહિતના ઘર પાસે જ રંજનબેન વિરોધી બેનર્સ લાગ્યા



યુવા મોરચાના આગેવાનોની જ સંડોવણીની શંકા

વડોદરા: વડોદરા લોકસભા બેઠક પર ભાજપે રંજનબેન ભટ્ટને ફરીવાર ટિકિટ આપતા ઊભો કરાયેલો વિવાદ સમવાનું નામ લેતો નથી. રંજનબેન વિરોધી જૂથે ભાજપના ગઢ ગણાતા કારેલીબાગ વિસ્તારમાં બેનના વિરોધમાં બેનર્સ લગાવ્યા છે. વડોદરા શહેર ભાજપના વિવાદસ્પદ યુવા મોરચા પ્રમુખ પાર્થ પુરોહિતના ઘર પાસે જ આ બેનર્સ લાગતા યુવા મોરચાના આગેવાનોની જ સંડોવણીની શંકા વ્યકત થઈ રહી છે.

રંજનબેન સામે વડોદરા ભાજપના વિરોધી જૂથે મોરચો ખોલ્યો છે. આ પહેલા માજી મેયર બેનનો વિરોધ કરવામાં પાર્ટીમાંથી સસ્પેન્ડ થઈ ચૂક્યા છે. પરંતુ વિરોધીઓ છેલ્લે સુધી લડી લેવા માગતા હોય તેમ નવે નવા મોરચા ખોલતાં જ જાય છે. બુધવારની સવારે કારેલીબાગ વિસ્તારની વિવિધ સોસાયટીની બહાર રંજનબેન વિરોધી બેનર જોવા મળ્યા હતાં . યુવા મોરચા પ્રમુખ પાર્થ પુરોહિતના ઘર પાસે પણ બેનર જોવા મળતા તેમની ભૂમિકા સામે પણ આંગળી ચિંધાઈ છે. અગાઉ પણ અનેક વિવાદોમાં આવ્યા છતાં તેમના પક્ષના ગોડ ફાધર તેમને સાચવતા રહ્યા છે. હવે આ જ નેતાઓનાં ઇશારે બેનર લગાવવાની કામગીરી થઇ હોય એવું પક્ષમાં ચર્ચાઈ રહ્યું છે. પક્ષના વફાદાર હોય તો સવારથી બેનર હટાવવાની કામગીરી કેમ ના કરી એ સવાલ પણ પુછાઇ રહ્યો છે.

આ વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો ભીતરના જ ભેદીઓની ભૂમિકાનો પર્દાફાશ થઈ જશે, એમ પક્ષના વફાદારોનું માનવું છે.

Most Popular

To Top