Editorial

જંગી ચૂંટણી વિજયથી બળુકા બનેલા પુતિન પશ્ચિમી જગતને હવે વધુ હંફાવશે

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને સત્તા પરની પોતાની પકડ મજબૂત બનાવી છે કારણ કે તેઓ રશિયન પ્રમુખપદની ચૂંટણી જીતીને વધુ એક ટર્મ માટે પ્રમુખ બન્યા છે. જો કે આ ચૂંટણીને વિશ્વના મોટાભાગના દેશો ગંભીરતાથી લેતા ન હતા અને તેને ફારસરૂપ જ ગણતા હતા. જો કે પુટીનને આનાથી કોઈ ફરક પડતો નથી. ચૂંટણી પરિણામ પછીની એક ન્યૂઝ કોન્ફરન્સમાં, પુતિને પશ્ચિમના દેશોને વખોડતા અને ડંફાસ મારતા કહ્યું કે યુક્રેન પર આક્રમણ કરવાના તેમના નિર્ણયના સમર્થન તરીકે આ પરિણામ આવ્યું છે! “કેવુ અને કેટલું તેઓ અમને ડરાવવા માંગે છે, કોઈ વાંધો નથી કે તેઓ અમને કોણ અથવા કેટલું દબાવવા માંગે છે…” અમારી ઇચ્છા, અમારી ચેતનાનો વિજય થયો છે એવી ડંફાસ પણ પુતિને મારી! સરમુખત્યારો કેટલી હદે નફ્ફટ થઇ શકે છે તેનું આ ઉદાહરણ છે.

આ ચૂંટણી જીત્યા પછી પુતિન તેમના લગભગ પા સદીના શાસનને વધુ છ વર્ષ સુધી લંબાવશે. રશિયાના સેન્ટ્રલ ઇલેક્શન કમિશનના જણાવ્યા મુજબ, તેમની પાસે લગભગ 87 ટકા મત હતા અને લગભગ 60 ટકા વિસ્તારોની ગણતરી કરવામાં આવી હતી. પરિણામનો અર્થ એ છે કે ૭૧ વર્ષીય પુતિન જોસેફ સ્ટાલિનને પાછળ છોડી દેશે અને 200 થી વધુ વર્ષોમાં રશિયામાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર નેતા બનશે. પ્રારંભિક પરિણામો સૂચવતા હતા કે સામ્યવાદી ઉમેદવાર નિકોલે ખારીટોનોવ માત્ર 4 ટકાથી ઓછા સાથે બીજા ક્રમે, નવા આવનારા વ્લાદિસ્લાવ દાવાન્કોવ ત્રીજા અને અતિ-રાષ્ટ્રવાદી લિયોનીદ સ્લુત્સ્કી ચોથા ક્રમે છે.

જે પુટીન સામે ઘરઆંગણે વ્યાપક નારાજગી હોય, યુકેન પર યુદ્ધ લાદવાના તેમના પગલાં સામે ખુદ રશિયન પ્રજાએ વિરોધ પ્રદર્શનો કર્યા હોય તે પુટીન આટલા મોટા તફાવતથી જીતે તે માનવામાં આવે તેવી વાત છે? પરંતુ એક તાનાશાહ ગોટાળા કરે તો બધું શક્ય છે. આમ પણ પુતિનની જીત નક્કી જ મનાતી હતી કારણ કે તેમના ટીકાકારો મોટાભાગે જેલમાં, દેશનિકાલમાં અથવા મૃત્યુ પામેલા છે, જ્યારે તેમના નેતૃત્વની જાહેર ટીકાને દબાવી દેવામાં આવી છે. પુતિન લગભગ 87 ટકા મત જીત્યા છે, જે રશિયાના સોવિયત યુનિયન પછીના ઇતિહાસમાં સૌથી વધુ મતો કોઇ પ્રમુખને મળ્યા છે! વ્લાદિમીર પુટિને યુક્રેન પર આક્રમણ કરવાના તેમના નિર્ણયના સમર્થન તરીકે તેમની ચૂંટણીની જીતને બિરદાવી છે.

પુતિનનો વિજય એવા સંજોગોમાં થયો છે જ્યારે તેમના સૌથી અગ્રણી હરીફ, એલેક્સી નેવલની, ગયા મહિને આર્કટિક જેલમાં મૃત્યુ પામ્યા હતા. દેખીતી રીતે પશ્ચિમી દેશોએ અને યુક્રેને પુટીનના આ ચૂંટણી વિજયને ગેરવાજબી ગણાવી ફગાવી દીધો છે. અમેરિકાએ કહ્યું કે મતદાન ન તો મુક્ત હતું કે ન તો ન્યાયી. વ્હાઇટ હાઉસના નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ પુતિને કેવી રીતે રાજકીય વિરોધીઓને જેલમાં ધકેલી દીધા છે અને અન્યને તેમની સામે લડતા અટકાવ્યા છે તે જોતાં ચૂંટણીઓ દેખીતી રીતે મુક્ત કે ન્યાયી નથી.” યુનાઇટેડ કિંગડમના વિદેશ સચિવ ડેવિડ કેમેરોને X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે જનમત મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી જેવો દેખાતો નથી”.

યુક્રેનમાં, પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું, “આ ચૂંટણી છેતરપિંડીની કોઈ કાયદેસરતા નથી અને તે હોઈ પણ શકે નહીં”. આ ચૂંટણી ફેબ્રુઆરી 2022 માં પુતિનના યુક્રેન પર સંપૂર્ણ આક્રમણના બે વર્ષથી વધુ સમય પછી યોજાઇ હતી. જો કે રવિવારે, પુતિનના હજારો વિરોધીઓએ તેમની સામે વિરોધ પ્રદર્શન કર્યું, જોકે રશિયાના 114 મિલિયન મતદારોમાંથી કેટલાએ પ્રદર્શનમાં ભાગ લીધો તેની કોઈ સ્પષ્ટ સંખ્યા નથી. નેવલનીના સમર્થકોએ રશિયનોને આ વિરોધમાં જોડાવા હાકલ કરી હતી. બીજી બાજુ તેમની પ્રેસ કોન્ફરન્સમાં, પુતિને તેમના મૃત્યુ પછી પ્રથમ વખત નેવલનીનો નામ દ્વારા ઉલ્લેખ કર્યો, અને કહ્યું કે તેમણે પશ્ચિમી દેશોમાં રાખવામાં આવેલા કેદીઓના બદલામાં તેમને મુક્ત કરવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું.

રશિયાના ભૂતપૂર્વ પ્રમુખ બોરિસ યેલ્તસિને રાજીનામું આપ્યું ત્યારે પુતિનને પ્રથમ કાર્યકારી પ્રમુખ તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે માર્ચ 2000માં તેમની પ્રથમ પ્રમુખપદની ચૂંટણી અને 2004માં બીજી મુદત જીતી. પ્રમુખ તરીકે બે કાર્યકાળ પછી, પુતિન 2008 માં વડા પ્રધાન તરીકે પાછા ફર્યા અને રાજ્યના વડા તરીકે સતત બે ટર્મથી વધુ રહેવા પરના બંધારણીય પ્રતિબંધને ટાળ્યો. પરંતુ તેઓ 2012 માં પ્રમુખપદ પર પાછા ફર્યા અને 2018 માં ચોથી વખત જીત્યા. ભૂતપૂર્વ કેજીબી લેફ્ટનન્ટ કર્નલ એવા પુટીનના આ ચૂંટણી વિજય સાથે એ તો સ્પષ્ટ થઈ ગયું છે કે પશ્ચિમી જગતે હવે વધુ બળુકા અને વધુ આક્રમક પુટીનનો સામનો કરવો પડશે.

Most Popular

To Top