Business

મારે હું!

મારા ચાના બાંકડાને રોડની બીજી તરફથી જોયો. એક સુંદર છોકરી ચા બનાવી રહી હતી. આમ મારા ચાને બાંકડે કોઈ અન્યને ચા બનાવતા જોવાનું દ્રશ્ય મારા માટે નવું હતું. મારા ચાના બાંકડાને મેં એવી રીતે નીરખ્યો જાણે પહેલી વાર જોતો હોઉં. એટલામાં મેં બાજુમાં વડાંપાંઉનો સ્ટોલ ચલાવતી રૂપાને ઝડપથી મારા ચાના બાંકડા તરફ જતી જોઈ. મેં જોયું કે રૂપા બાંકડે ગઈ અને ચા બનાવતી એ છોકરીને નીરખતી રહી પછી ત્યાં બેઠેલા મારા હવાલદાર મિત્ર શિંદે સાથે વાત કરવા માંડી. ફરી એક વાર મારા ચાના બાંકડાને જોઈ હું એન્ટિક દુકાનવાળા બાવાજીને મળવા ચાલ્યો ગયો.


પંદરેક મિનિટ પછી હું ચાના બાંકડે પાછો આવ્યો ત્યારે થોડા ગ્રાહક હતા. બાજુનાગેરેજ વાળા પીટરે મને થોડી રોકડ રકમ આપી કેમ કે બાંકડો એને સોંપીને હું ગયો હતો. પીટરના ગયા બાદ શિંદેએ મને કહ્યું, ‘વો રૂપા મેડમ આઈ થી.’
‘દેખા મૈને દૂર સે.’
‘તું દૂર સે દેખતા હૈ પર વો તેરે બહુત પાસ હૈ.’
‘બકવાસ ડાયલોગ મત માર.’
‘વો છોકરી ચાય બનાતી થી ઉસ બાત સે વો કિતના ટેન્સ હો ગઈ પતા હૈ? મેરે કો પૂછને લગી કી યે કૌન ચાય બના રહા હૈ? રાજુ કિધર ગયા?’

‘ફિર? તુમને ક્યા બોલા?’
‘મૈને બોલા યે રાજુ કી નઈ આસિસ્ટન્ટ હૈ, અબ સે યે ઈચ ચાય બનાયેંગી.’
‘ફિર?’ મેં હસી પડતા પૂછ્યું.
‘રૂપા એકદમ ટેન્શન મેં આ ગઈ. બોલી- ચાય બનાને મેં ક્યા આસિસ્ટન્ટ? મૈં બોલા, ઉસકી દુકાન હૈ જો ઠીક લાગે વો કરે. તો બોલી – હા જીસકી જૈસી મરજી મારે હું !…-ઔર ચલી ગઈ.’
‘તુમને રૂપાસે જૂઠ ક્યોં બોલા?’
‘સચ જાનને કે લિયે કે વો તુમ્હારે બારે મેં ક્યા સોચતી હૈ.’

‘પતા ચલા?’
‘બોલી તો ઐસા કી જો ઉસે કુછ પડી નહીં પર ઐસે કીસી લડકી કો યહાં ચાય બનાતે હુએ દેખ કર બહોત નારાજ હો ગઈ વો તો સાફ સમજ મેં આતા થા.’
વાસ્તવમાં આજે એવું બન્યું કે થોડી વાર પહેલાં હું અને મારો હવાલદાર મિત્ર શિંદે ગપ્પા મારતા હતા ત્યારે મારા બાંકડે ચા પીવા આવેલા એક યુવાને અચાનક મને પૂછ્યું કે મારા ચાના ચૂલે બીજું કોઈ ચા બનાવી શકે કે? મને નવાઈ લાગી કે આ શું વાત છે? એ યુવાને પોતાની ઓળખ આપતા કહ્યું કે એનું નામ આરવ છે અને એ અહીં મારા ચાના બાંકડે લગ્ન માટે છોકરી જોવા આવ્યો છે!
‘અહીં! ચાના બાંકડે?’ મેં નવાઈ પામી પૂછ્યું.
‘હા. ઘરે છોકરી જોવાવાળું બહુ બોરિંગ છે અને કોફી શોપમાં મળવું પણ જૂનું થયું. મને એમ કે કંઈક જુદું કરીએ.’
‘ઓકે. પણ એમાં આ ચૂલે ચા બનાવવાની વાત ક્યાં આવી?’
‘એમાં એવું છે કે મેં છોકરી જોઈ લીધી, છોકરીએ પણ મને જોઈ લીધો, અમારી વાતચીત થઈ ગઈ. બધું મેચ થાય છે. અમે એકબીજાને એમ સમજો ને કે પસંદ કરી જ લીધા છે.’

મારા ચાના બાંકડે શું શું નક્કી થઇ જતું હતું અને મને ખબર પણ નહોતી પડતી!
‘અચાનક મને વિચાર આવ્યો કે છોકરી ચા કેવી બનાવે છે એ જોઈ લઈએ. મને ચા બહુ પસંદ છે. એમ સમજો કે ચા મારી નબળાઈ છે. તો ચારુલ, એટલે કે પેલી જીન્સ પહેરેલી છોકરી’ કહી એણે બે ત્રણ વડીલો જોડે બેઠેલી એક છોકરી તરફ ઈશારો કર્યો અને આગળ કહ્યું. ‘એને જોવા હું આવ્યો છું, તો મને થયું કે તમે રજા આપો તો ચારુલને હું ચા બનાવી ચખાડવા કહું.’
મને થયું ભલે કોઈના લગ્ન જોડવા આમ બાંકડો કામ આવતો હોય તો -એટલે ચાની તપેલીમાંથી ચા ગાળીને મોટા થર્મોસમાં ભરીને ચાની તપેલી ઝડપથી માંજી નાખી. બાજુના ગેરેજમાં કામ કરતો પીટર ફુરસદમાં બાંકડે બેઠો હતો એને થર્મોસમાંથી ચા આપવાનું કહી હું આરવ અને ચારુલને ચાનો ચૂલો સોંપી આંટો મારવા ચાલ્યો ગયો. શિંદેને ઉત્સુકતા હતી કે શું થાય છે માટે એ બાંકડે રોકાયો હતો. હું પાછો આવ્યો ત્યારે શિંદેએ મને અહેવાલ આપ્યો કે મારા ગયા બાદ શું થયું.

આરવ, ચારુલ અને એમના ઘરના લોકો ચાલ્યા ગયા હતા. મેં શિંદેને પૂછ્યું.
‘વો સબ છોડ. વો લડકીને ચાય બનાઈ?’
‘બનાઈ. ઉનકે સાથ વાલે સબકો પિલાઈ. મુઝે ભી થોડી ચખને કે લિયે દી. લડકે કો ચાય બહુત પસંદ આઈ ઔર વો રિશ્તા પક્કા હો ગયા લેકિન……’
‘લેકિન ક્યા ?’
‘યાર, ઉસ લડકીને ચાય બહોત બૂરી બનાઈ થી.’ શિંદેએ કહ્યું.

મેં શિંદેને હસીને જવાબ આપ્યો. ‘જિસે શાદી કરની હૈ ઉસકો ચાય પસંદ આઈ ના! બાત ખતમ.’
‘વો બાત ભી સહી હૈ’ અને ધીમેથી બોલ્યો. ‘વો રૂપા ફિર સે યહાં આ રહી હૈ.’
‘અચ્છા!’ મેં માથું ઊંચું કર્યા વિના ચૂલા પર દૂધ ગરમ કરવા મૂક્યું.
‘આજકાલ તો તમે બો કામમાં રે’ય ને કંઈ!’


રૂપાએ નજીક આવી પૂછ્યું. મેં માથું ઊંચું કરી રૂપા સામે જોતા કહ્યું, ‘ના, એવું કંઈ નથી.’
‘કેમ વરી એવું નથી! ચા બનાવવા હારુ માણહ રાખવા પડે તેના પરથી ખબર પડે ને!’
શિંદેએ કરેલી મજાકને સાચી વાત માનીને રૂપા વાત કરી રહી હતી. મેં શિંદે સામે જોઈ રૂપાને કહ્યું. ‘એ તો કોઈ મદદમાં હોય તો સારું એમ.’ ‘મદદ હારુ પોરી જ ઓવી જોયે કે!’
‘કોઈએ ભલામણ કરીને મોકલી તો મને થયું ટ્રાયલ લઈએ. કેમ?’


‘મારે હું પડી! જેની ટ્રાયલ લેવી ઓય લેયા કરો. આ તો અચાનક કોઈ ભલતું જ અહીં ચા બનાવતું ઉતુ એટલે હું જોવા આવેલી.’ ‘ઓહ એમ? તમે ચાખી એમના હાથની ચા? કેવી બનાવી હતી?’
‘હું કંઈ ફુરસદમાં નથી કે એમ કોઈના બી હાથની ચા પીવા માંડું.’
ફૂંફાડો મારતા અવાજમાં રૂપાએ કહ્યું અને પૂછ્યું. ‘પણ આ વરી કેવી ટ્રાયલ? તમે પોતે જ ચા ચાખવા હાજર ની રીયા ને અવે મને પૂછે?’
‘મારે જરા કામ હતું એટલે જવું પડ્યું. મને એમ કે તમે આવેલા તો કદાચ ચા ચાખી હોય.’
‘મને કે’યેલુ કે ચા ચાખવા આવજો નવું માણહ ચા બનાવવાનું છે?’

‘એવું તો મેં કહ્યું નહોતું.’
‘તો? આ શિંદેભાઈ પીતા ઉતા ચા, એમને પૂછો.’
મેં શિંદે સામે જોયું. શિંદેએ તરત અમને બન્નેને જોતા કહ્યું. ‘મૈં તો બોલા ચાય બહોત બૂરી થી.’
આ સાંભળી રૂપાના ચહેરા પર સ્મિત આવ્યું. એ જોઈ મેં તરત કહ્યું.
‘ચાય અગર ઠીક નહીં બની તો સીખા સકતે હૈ. પહેલી બાર સબકી ચાય અચ્છી નહીં બનતી.’
‘મતલબ ઔર ચાન્સ દેગા ઉસ લડકી કો!’ શિંદેએ આશ્ચર્યના અભિનય સાથે મને પૂછ્યું. હું કંઈ જવાબ આપું એ પહેલાં રૂપા ઊભા થતા બોલી, ‘કરો તમે લોકો જે કરવા માંગતા ઓય તે, આ કંઈ ચાની ટ્રાયલ જેવું મને તો નથી લાગતું પણ જે ઓય તે- મારે હું!’


અને ઊઠીને ચાલવા માંડી. શિંદેએ હસવું ખાળી રૂપાને હાક મારતા કહ્યું. ‘અરે મેડમ ચાય તો પી કર જાઓ!’
‘ફાલતુ ટાઈમ નહીં મેરે પાસ.’ગુસ્સામાં કહી રૂપા ચાલી ગઈ.
‘દેખા. ઇસકો કૈસી જલન હો રહી હૈ. કુછ સમઝ મેં આયા?’ શિંદેએ કહ્યું.
એટલામાં આરવ અને ચારુલ મારા ચાના બાંકડે આવ્યાં.
‘તમે ક્યાંક ગયા હતા એટલે મળાયું નહીં. અમે તમને થેન્ક્સ કહેવા આવ્યા.’
આરવે મને કહ્યું. મેં સ્મિત કરી ચારુલને પૂછ્યું. ‘કેવી બની ચા?’


ચારુલ કંઈ બોલે એ પહેલાં આરવે કહ્યું. ‘ફર્સ્ટ કલાસ….’
પણ તરત ચારુલે કહ્યું. ‘બહુ ખરાબ બનેલી ચા, આમના સિવાય કોઈને ન ભાવી.’
મેં હસી પડતા કહ્યું. ‘એ તો મેચ ફિક્સ હોય એમ તમે ચા બનાવો એ પહેલાં આરવનું રિઝલ્ટ તૈયાર હતું કે ચા ફર્સ્ટ ક્લાસ છે…’
આ સાંભળી આરવ અને ચારુલ બન્ને શરમાઈ ગયાં અને મારી નજર રૂપાના સ્ટોલ તરફ ગઈ. મેં જોયું તો રૂપા ચારુલને તાકી રહી હતી. થોડી ઔપચારિક વાતો પછી જ્યારે એ બંને ચાલ્યાં ગયાં ત્યારે મેં શિંદેને કહ્યું. ‘બહુત મજાક હો ગયા, જા કર રૂપા કો બતા દો કી ચારુલ ક્યોં ચાય બના રહી થી.’


‘ઠીક હૈ’ કહી શિંદે રૂપાના સ્ટોલ તરફ ગયો.
થોડી વારે પાછો આવ્યો ને બોલ્યો. ‘બોલ દિયા.’
‘અચ્છા. કુછ બોલા રૂપાને?’
‘બોલી -કી મારે હું – ઉસકા ક્યા મતલબ?’
‘મતલબ મેરે કો ક્યા!’
‘ઉસકો ક્યા વો તો અબ પતા ચલેગા.’ શિંદેએ સ્મિત કરતા કહ્યું.


મેં ફરી રૂપાના સ્ટોલ તરફ જોયું તો એ ગુસ્સામાં અમારી તરફ જોતી હોય એમ લાગ્યું. મને શંકા ગઈ. મેં શિંદેને પૂછ્યું. ‘સચ બોલ, રૂપાસે તુમને ક્યા કહા?’
હસી પડતા શિંદે બોલ્યો. ‘મૈંને બોલા, વો લડકી કો કામ પર રખ લિયા. કલ સે આયેગી ચાય બનાને.’
‘ઐસા ક્યોં બોલા?’
‘વો મેરે કો ક્યા -ઐસા બોલતી હૈ તો ઉસે ભી પતા ચલના ચાહિયે કી ઉસકો ક્યા!’ શિંદેએ ફિલોસોફરની અદામાં કહ્યું.
ઓહ! રૂપાને શું એનું શિંદેને શું ટેન્શન હશે? કપાળ કૂટતા મેં ચા ઉકાળવા માંડી.

Most Popular

To Top