( પ્રતિનિધિ )વડોદરા,તા.5
વડોદરા જિલ્લાના કોટણા વિસ્તારમાં આવેલા કોટણા બીચ પાસે આજે વહેલી સવારે ન્હાવા ગયેલા બે યુવાનોના મોત થતાં દુખદ ઘટના સામે આવી છે. ગ્રુપમાં કેટલાક લોકો ન્હાવા માટે ગયા હતા. દરમિયાન આ ઘટના બની હતી. ફાયરબ્રિગેડના જવાનોએ મૃતદેહ બહાર કાઢી સોંપતા પોલીસે પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.




માહિતી મુજબ, કુલ નવ લોકોનું જૂથ કોટણા બીચ પર ફરવા અને ન્હાવા માટે ગયા હતા. આ દરમિયાન અચાનક બનેલી ઘટનામાં બે યુવકો પાણીમાં ડૂબી ગયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ટીમ દ્વારા બંનેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ સુધી મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ, પ્રાથમિક રીતે ડૂબી જવાથી મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનાએ વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે, ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા નદી કિનારે જતાં લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથધરી છે.