Charotar

બોરસદમાં બારદાનના વેપારી પર હુમલો

તમાકુના લે – વેચની દલાલીની માથાકુટ ઉગ્ર બની

(પ્રતિનિધિ) બોરસદ તા.22

બોરસદ શહેરની નિસરાયા ચોકડી પર આવેલી વેપારી પેઢીના માલિક પર તમાકુના વેપારીએ હુમલો કર્યો હતો. આ અંગે બોરસદ પોલીસે હુમલાખોર શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બોરસદના સુર્ય મંદિર રોડ પર આવેલી શિવનગર સોસાયટીમાં રહેતા મનિષકુમાર રમણીકલાલ શાહ બારદાન (કોથળા)નો લે-વેચનો વ્યવસાય કરે છે. તેમની સાથે વેપારમાં તેમને અન્ય બે ભાઇ પણ જોડાયેલાં છે. આ ઉપરાંત તેમને બોરસદની નિસરાયા ચોકડી પર યુએમ શાહ એન્ડ સન્સ તમાકુની ખળી આવેલી છે અને હાલમાં તમાકુ તથા બારદાન લે-વેચનો વેપાર ચાલતો હોવાથી ત્રણેય ભાઇ ભેગા મળી વેપાર કરી રહ્યા છે.

મનિષકુમારને ત્યાં છેલ્લા કેટલાક સમયથી હિતેષકુમાર ઉર્ફે પિન્ટુ ભરત શાહ (રહે.રાજેશ્રી સોસાયટી, બોરસદ) તમાકુની દલાલી કામ અર્થે અવાર નવાર આવતાં જતાં હતાં. પરંતુ થોડા સમય પહેલા હિસાબ અંગે અણબનાવ બનતાં તેમને ખળી પર આવવાની ના પાડી દીધી હતી. દરમિયાનમાં 21મી એપ્રિલના રોજ મનિષકુમાર ઘરેથી તમાકુની ખળી નિસરાયા ચોકડી ખાતે આવ્યાં હતાં, તે સમયે દસેક વાગ્યાના સુમારે તેમના મોટા ભાઈ મિતેશ તથા નાના ભાઇ આશીષ તમાકુની ખળીએ આવ્યાં હતાં. આ સમયે હિતેષ ઉર્ફે પિન્ટુ ભરત શાહ તમાકુની ખળીએ ધસી આવ્યો હતો અને તમે અમારા તમાકુ ખળીના ગોડાઉનની ચાવી કેમ લઇ ગયાં હતાં ? તેમ કહી હિતેશે એકદમ મનિષ પર હુમલો કરી દીધો હતો અને ઝપાઝપી કરવા લાગ્યો હતો. જોકે, અન્ય લોકોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. થોડા સમય પછી હિતેશ ફરી ચપ્પુ લઇ આવી મિતેશને જણાવ્યું હતું કે, જો હવે પછી મારી પાસે તમાકુના ખળીના ગોડાઉનની ચાવી માંગી છે તો તમે બન્નેને જાનથી મારી નાંખીશ. તેવી ધમકી આપી જતો રહ્યો હતો. આ અંગે મનિષની ફરિયાદ આધારે બોરસદ શહેર પોલીસે હિતેશ ઉર્ફે પિન્ટુ ભરત શાહ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top