Madhya Gujarat

પિંગળજના ગ્રામજનાે કાદવ ખુંદવા મજબૂર

ખેડા: ખેડા તાલુકાના પિંગળજ ગામમાં છેલ્લાં ઘણાં વર્ષોથી તંત્ર દ્વારા માળખાકીય વિકાસના કામો કરવામાં આવ્યાં જ નથી. જેને પગલે ગામની હાલત નર્કાગાર બની છે. એમાંય વળી હાલ, ચોમાસાની ઋતુમાં ગામની શાળા, દૂધની ડેરી સહિતના વિવિધ વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો ઉપર કાદવ-કિચડનું સામ્રાજ્ય ફેલાયું છે. જેને પગલે ગ્રામજનોને અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે, તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

ખેડા તાલુકાના પિંગળજ ગામમાં છેલ્લાં ઘણાં સમયથી ગટરો બ્લોક થઈ ગયેલ હાલતમાં છે. બીજીબાજુ તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે પ્રિમોન્સુનની કામગીરી પણ કરવામાં આવી ન હતી. જેથી વરસાદી પાણીનો નિકાલ નહી થવાના કારણે અને ગટરો બ્લોક થઈ જવાના કારણે બંને પાણી મિક્ષ થઈ રોડ પર પાણી ભરાઈ રહે છે. જેને પગલે ગામમાં આવેલ શાળા તેમજ દૂધની ડેરી આગળ કાદવ-કિચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. તંત્ર દ્વારા આ કાદવ-કિચડ હટાવવાની કામગીરી પણ કરવામાં આવતી નથી. જેને પગલે ગ્રામજનોને અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

આ મામલે ગ્રામજનો રોષપૂર્વક જણાવે છે કે, અમારા ગામમાં છેલ્લા 20 વર્ષથી વિકાસના એક પણ કામ થયાં નથી. જેના કારણે ચોમાસામાં અમારા ગામની પરિસ્થિતિ ખુબ જ ભયંકર બની છે. ગામના તમામ રસ્તાઓ ઉપર પણ ગંદા પાણી ભરાઈ ગયા છે. જેને કારણે બાળકો શાળામાં જઈ શકતા નથી. જો કોઈ બાળક શાળાએ જવાનું સાહસ કરે તો, તે ગંદા કાદવ-કીચડમાં ફસાઈને પડી જાય છે. આવા સમયે વાલીઓને નાછૂટકે ખેત મજૂરીનું કામ પડતું મૂકીને પોતાના બાળકોને લેવા જવું પડે છે. આ ઉપરાંત પશુપાલકોને દૂધ ભરવા માટે ગંદા કાદવ-કિચડ ખુંદીને ડેરી સુધી પહોંચવું પડી રહ્યું છે. તંત્ર દ્વારા વહેલીતકે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો, આગામી દિવસોમાં ભંયકર રોગચાળો ફાટી નીકળશે અને તેના માટે સંપૂર્ણ તંત્ર જવાબદાર રહેશે તેમ જણાવ્યું હતું.

Most Popular

To Top