Business

ચાલો, આપણે પણ આવું કરીએ

એક ખૂબ જ ગરીબ યુવાન પિતા તેની નાનકડી છ વર્ષની દીકરીએ જીદ કરી એટલે તેને લઈને એક સુપર માર્કેટમાં ગયો.પિતા પાસે બે મહિનાથી નોકરી ન હતી તેથી તેની પાસે કોઈ કામ ન હતું.ઘરમાં ખાવા માટે પણ કંઈ બચ્યું ન હતું.પિતાએ ઈચ્છા ન હોવા છતાં બે બિસ્કીટના પેકેટ ચોરી કરીને ખિસ્સામાં મૂકી દીધા. જેવો તે દીકરીને લઈને માર્કેટમાંથી બહાર નીકળી રહ્યો હતો તેને કાઉન્ટર પર બેઠેલા કેશિયરે રોકયો. તે ડરી ગયો કે હવે મારી ચોરી પકડાઈ જશે. આટલા બધા માણસોની સામે નીચાજોણું થશે. મારી દીકરીને દુઃખ થશે અને દીકરી પણ કંઈ ન સમજતાં આંખોમાં ડર સાથે પિતાને પૂછવા લાગી કે શું થયું? પિતા ડરતો ડરતો પાછો ફર્યો અને હજી માફી માંગવા કંઈ બોલે તે પહેલાં જ પેલા કેશિયરે તેની દીકરીને કહ્યું, ‘અરે દીકરા, ડર નહિ, કંઈ થયું નથી, પણ તારા પપ્પા આ છુટા પૈસા લેવાનું ભૂલી ગયા છે તે આપવા બોલાવ્યા’અને આટલું કહીને એને થોડા રૂપિયા ગણીને પિતાના હાથમાં આપ્યા, જાણે કંઈ ખાસ બન્યું જ ન હોય.

પોતાની આંખોથી કેશિયરનો ખૂબ ખૂબ આભાર માનતા પિતાએ, દીકરીની આંગળી પકડીને બહાર જવા પગ મૂક્યો ત્યાં પાછળથી ક્યારના આ દૃશ્ય જોઈ રહેલાં એક બહેન આવ્યાં, જેમના હાથમાં દાળ અને ચોખા ભરેલી એક થેલી હતી.તેમણે કહ્યું, ‘ભાઈ, તમે આ સામાન લીધો હતો તે તો લેતાં જ ભૂલી ગયા. આ લો, તમારી થેલી..’આમ કહીને બહેન તે થેલી આપીને જતાં રહ્યાં.’કેશિયર અને પેલાં બહેન કે સુપર માર્કેટમાં અન્ય થોડા જણે પેલા ગરીબ પિતાને દીકરી માટે બે બિસ્કીટના પેકેટ ખિસ્સામાં મૂકતા જોયા હતા, પણ તેઓ પિતાની મજબુરી કદાચ સમજી ગયા કે ચોર હોત તો કિંમતી વસ્તુ ચોરી કરે, બે બિસ્કીટના પેકેટ કોઈ મજબુર જ ચોરે અને તેમને ઊંડી સમજ રાખી તે પિતાનું જાહેરમાં અપમાન ન કર્યું અને ઉલટું તેમની ઈજ્જત જળવાઈ રહે તે રીતે થોડી વધુ મદદ કરી…આ રીત જ સાચી રીત છે.

જો અન્યને મદદ કરવી હોય તો આવી રીતે જ કરાય. દુનિયામાં ઘણાં લોકો ભૂખે મરે છે અને ઘણાં લોકો તેમને મદદ કરે છે, પણ પોતાનાં સારાં કાર્યોનું અને તેમની ગરીબીનું જાહેર પ્રદર્શન કરીને…અન્યને મદદ કરવી પણ તેમનું ગૌરવ અને ગરિમા જાળવીને તે સૌથી સારામાં સારું કાર્ય છે.આ જે આ કાર્ય સાચી રીતે કરે છે તેણે ભગવાનના ખરા આશિષ મળે છે.ભગવાને તમને આપ્યું છે તો તમે બીજાને આપો છો તેમાં દેખાડો ન કરાય , માત્ર તમે ભગવાનનું કાર્ય કરી રહ્યા છો તેવી ભાવના સાથે નિમિત્ત બની સામેવાળાનું માન જાળવી મદદ કરો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top