Charchapatra

‘‘ખાનગી’’ની જાહેર હકીકત

પ્રજાસત્તાક રાષ્ટ્રની તમામ સ્થાવર જંગમ મિલ્કતો, ધનસંપત્તિ, ભૂમિ, જળાશયો વગેરે તમામની માલિકી તમામ નાગરિકોની છે. ચૂંટાયેલી સરકાર માત્ર રખેવાળ, વ્યવસ્થાપક ગણી શકાય, ભલે ને અબાધિત સત્તાનું અભિમાન ધરાવતી હોય. સરકારી સંસ્થાઓ, એજન્સીઓ, ન્યાયતંત્ર, સૈન્ય, ચૂંટણીતંત્ર, પોલીસ તંત્ર, પ્રચાર માધ્યમો સહિત તમામ તંત્રો, જન કલ્યાણ માટે અને પ્રજાતરફી હોવાં જોઈએ. ભારતીય સંવિધાનમાં ‘‘લોકશાહી સમાજવાદ’’નો આદેશ છે. આમ છતાં મૂડીવાદને, ખાનગીકરણને, વેપારી વ્યવહારને મહત્ત્વ મળી રહ્યું છે, તાનાશાહીમાં કે રાજાશાહીમાં તો પ્રજા વિવશ હોઈ શકે, પણ લોકશાહીમાં પ્રજાના વિચાર, લાગણી, મત, રજૂઆત, પ્રજાહિતને અવગણી ખાનગીકરણની દિશામાં દેશની સંપત્તિઓ વેચાવા માંડે, સરકારી સંસ્થાઓ, બેન્કો, તંત્રો, એરપોર્ટ, બંદરો, ભૂમિના સોદા અબજો રૂપિયામાં થવા માંડે ત્યારે જનજાગૃતિ અને ચૂંટણીટાણે પરિવર્તન અનિવાર્ય આવશ્યક બની રહે છે, નહીંતર આખો દેશ વેચાઈ જાય અને ફરી ઈસ્ટઈન્ડિયા કંપની જેવી એક પ્રકારની ગુલામી લદાઈ જાય.

અનાજ, નિવાસ વગેરે અસંખ્ય દેશભક્તો, શહીદોની કુરબાનીનું આઝાદી માટેની ઐતિહાસિક મૂડીનું રોકાણ રોળાઈ જાય ભ્રષ્ટાચારથી વિકસતી ખાનગી કોન્ટ્રાક્ટ પ્રથા પણ પ્રજાના સાચા સુખનું શોષણ જ બને છે. આમાં પ્રજાસેવક, જનપ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા લોકો પણ મની માઈન્ડેડ, સેલ્ફીશ અને કપટી બની જઈ, ગંદી રાજરમત આદરે છે. રાષ્ટ્રપિતા ગાંધીજીના ટ્રસ્ટીશીપ, સત્ય, પ્રેમ અને અહિંસાના આદર્શો નહીં અપનાવાય તો હિંસા, ચોરી, લૂંટફાટ, હત્યા, રમખાણોને જ અવકાશ રહેશે. ચૂંટણીનું મતદાન તેમને માટે વરદાન બની જતું હોય, એટલે પ્રવચનો, વચનો અને મફતની રેવડીઓ પ્રજાને છેતરી જાય છે. ધાર્મિક ઉન્માદ, ઝનૂન, કટ્ટરતાનો ખતરનાક રસ્તો પ્રજાને ચિંધી, નફરતનું ગંદુ રાજકારણ ચલાવાઈ રહ્યું છે, પ્રજા કલ્યાણલક્ષી, વિકાસશીલ શાસનને બદલે ખંધા વેપારી સ્વરૂપના રાજનેતાઓ દ્વારા ખાનગીકરણ જાહેરમાં થઈ રહ્યું છે. આઝાદીનો અમૃત મહોત્સવ પણ જાણે દંભ બની જાય.
સુરત     – યૂસુફ એમ. ગુજરાતી        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ઘર એક મંદિર હૈ
ઘર પરિવારમાં જો શાંતિ એકતા સંપ હોય તો જરૂર ભગવાનનો વાસ થાય છે. એટલે કહેવાય છે જેમ ભગવાનનાં જુદાં જુદાં મંદિરો છે તેમ ઘર પણ એક મંદિર  છે. માનવી સામાજિક પ્રાણી છે એટલે ઘરસંસારથી ઘેરાયેલો રહે છે. પરિવારના ગુજરાન માટે સવાર પડે એટલે કામ ધંધા નોકરી પર જાય, પરંતુ સાંજ પડે એટલે ઘરભેગો થાય છે. આ નિત્યક્રમ છે. પ્રવાસ કે ટુરમાં ગયેલો વ્યકિત પણ દિવસો પછી ઘરે પાછો ફરે છે. દેશ દેશાવર ફર્યા પછી પણ છેવટે ઘરે આવે છે. પરદેશમાં કમાવા ગયેલા એઆરઆઇ પણ લગભગ વર્ષે બે વર્ષે પોતાના વતન ઘરે આવતા હોય છે. આમ છેવટે ધરતીનો છેડો ઘર છે.

આ બાબતે સીતારામ પરિવારના સદ્‌ગુરુ પૂ. બાલુરામ બાપુ સત્સંગ સભામાં દોહરાવે છે. ભારતમાં સંસ્કૃતિ છે. જયારે વિદેશમાં વિકૃતિ છે. વિદેશમાં વિનિમય છે પરંતુ વિવેક નથી. જીવનમાં દરેકને આશા અપેક્ષા હોય છે. જે બધી પૂરી થતી નથી. આથી અફસોસ રહી જાય છે. એક શાયર જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતો હતો. છતાં મોત આવતું ન હતું. આથી ગીતકારે બહુ સરસ લખ્યું હતું અને કિશોરકુમારે ગાયું હતું. રસ્તા રોક રહી હૈ,થોડી જાન હૈ બાકી, જાને તૂટે દિલમેં કયા અરમાન હૈ બાકી’ આમ ઘર પરિવારમાં સુખ-શાંતિ હોય તો બધાં અરમાનો પૂરાં થાય છે. જે દુકાનમાં મંદિર હોય ત્યાં મંદી નથી આવતી.
તરસાડા  -પ્રવીણસિંહ મહીડા            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top