Business

અમે હેલ્પલેસ નથી, પણ હેલ્પલેસ બનાવવામાં આવ્યા

આજનો સમાજ એક અજબ વિસંગતિમાં જીવી રહ્યો છે. દરેક માણસ પાસે ક્ષમતા છે, પ્રતિભા છે, વિચારો છે છતાં મોટા ભાગનાં લોકો એક જ વાક્યમાં બંધાઈ ગયા છે: “મારી પાસે કોઈ વિકલ્પ નથી.” શું ખરેખર વિકલ્પ નથી? કે પછી આપણને એવું સ્વીકારી લેવાનું શીખવવામાં આવ્યું છે? Learned Helplessness માત્ર માનસશાસ્ત્રીય સિદ્ધાંત નથી, તે આજના સમાજની જીવંત હકીકત બની ગયું છે. બાળક જ્યારે સ્કૂલમાં જાય છે, ત્યારે તેને શીખવવામાં આવે છે કે પ્રશ્ન ન પૂછો, જવાબ યાદ રાખો. યુવાન નોકરીમાં જાય છે, ત્યારે કહેવામાં આવે છે કે વિચાર ન કરો, ફક્ત સૂચના અનુસરો અને આખરે, એક પ્રૌઢ માણસ બનીને તે માનવા લાગે છે કે “હું કંઈ બદલી શકતો નથી.” આ એક એવું ઘડતર છે કે જ્યાં સિસ્ટમ તમને સક્ષમ બનાવતી નથી, પણ આજ્ઞાકારી બનાવે છે.

Martin Seligman ના મતે વારંવાર નિષ્ફળતા અને નિયંત્રણના અભાવથી માણસ હાર સ્વીકારી લે છે. આજે પ્રશ્ન એ નથી કે આપણે હાર્યા કેમ? પરંતુ પ્રશ્ન એ છે કે શું આપણને જીતવાનો મોકો ક્યારેય મળ્યો હતો? બાળકના પ્રશ્નોને “ચૂપ બેસ” થી દબાવવામાં આવે છે, જ્યારે યુવાનનાં સપનાંઓને “પ્રેક્ટિકલ બની જા” કહીને મારી નાખવામાં આવે છે, ત્યારે સમાજ એક નવી પેઢી તૈયાર કરે તો છે પરંતુ જે વિચારતી નથી, ફક્ત અનુસરે છે. આપણે આપણી જાતને જ પૂછવું પડશે કે શું ખરેખર આપણે હેલ્પલેસ છીએ? કે પછી આપણે સ્વયં હેલ્પલેસ બનવાની આદત સ્વીકારી લીધી છે?
સુરત     – સાગર ગાંધી      આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top