પીસીબીની બાતમી આધારે દરોડો, દારૂ-બસ-મોબાઇલ સહિત રૂ.24.29 લાખનો મુદ્દામાલ કબજે
ક્લીનર ઝડપાયો, ડ્રાઇવર સહિત ત્રણ વોન્ટેડ
વડોદરા, તા.5
ભાવનગરમાં બનેલા લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરમાં દારૂના ગેરકાયદે નેટવર્ક સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન વડોદરા પીસીબી પોલીસે ઇન્દોરથી વડોદરા તરફ ટ્રાવેલ્સ બસ મારફતે લાવવામાં આવી રહેલા રૂપિયા 9.24 લાખ દારૂના મોટા જથ્થાને ઝડપી પાડી દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. વિદેશી દારૂ બસ સહિત રૂપિયા 24.29 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પીસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે મા શક્તિ ટ્રાવેલ્સની બસને રોકી તપાસ કરવામાં આવી હતી. બસની તપાસ દરમિયાન અલગ-અલગ જગ્યાએ સંતાડવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 2,857 નંગ બોટલ,ટીન કિંમત રૂ.9.24 લાખનો હોવાનું જાણવા મળ્યું છે, તે કબજે કર્યો હતો. દારૂના જથ્થા ઉપરાંત પોલીસે દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી ટ્રાવેલ્સ બસ અને મોબાઇલ ફોન પણ કબજે કર્યા હતા. આમ, વિદેશી દારૂ, બસ અને મોબાઇલ ફોન સહિત પોલીસે કુલ રૂ.24.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે રેડ દરમિયાન બસના ક્લીનર રફીક સલીમભાઈ શેખ ને ઝડપી લીધો હતો. તે મહારાષ્ટ્રના શિરપુર ખાતે ગરીબ નવાઝ કોલોની શનિ મંદિર પાસે રહેતો હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં દારૂનો જથ્થો ઇન્દોરથી વડોદરા લાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. બસનો ડ્રાઇવર ઇસ્માઇલ મલેક (રહે. સુરત) દારૂનો જથ્થો ઇન્દોરથી મોકલનાર જીતેન્દ્ર પાલ, (રહે. ચંદનનગર ચાર રસ્તા પાસે, ઇન્દોર) તેમજ વડોદરામાં દારૂનો જથ્થો મંગાવનાર અને મેળવનાર વિપુલ પંચાલ (રહે. ઘાંઘરેટીયા, વડોદરા)ની સંડોવણી સામે આવી હોય તેમની શોધખો શરૂ કરી છે.