બિટકોઇનને એક વિનિમયના માધ્યમ તરીકે વ્યાપક સ્વીકૃતિ મળે તેવી હાલ કોઇ શક્યતા નથી

બિટકોઇન એ એક એવી વસ્તુ છે જેના અંગે વિશ્વના ઘણા બધા લોકો વાકેફ નહીં હોવા છતાં તે ઘણી ચર્ચાઇ રહી છે, આ સ્થળે પણ આ લગભગ ત્રીજી વખતે તેને અંગે નોંધ લેવાનું થયું છે. એક ક્રિપ્ટોકરન્સી કે ડિજિટલ ચલણ એવા બિટકોઇનના ભાવમાં આવેલા મોટા ઉછાળા અને ત્યારપછીના કડાકાની ચર્ચા તો થઇ જ ચુકી છે.

આ એક સતત અસ્થિર રહેતી કરન્સી છે અને ખરેખર તો એક કરન્સી તરીકે તેને વિશ્વમાં હજી સત્તાવાર માન્યતા મળી નથી પરંતુ હવે કેટલીક કંપનીઓ તેને ચુકવણીના માધ્યમ તરીકે સ્વીકારવાના સંકેત આપી રહી છે તેથી તેની સ્વીકૃતિ વધી રહી હોવાની વાતો વચ્ચે ફરી એક વાર તેના મૂલ્યમાં મોટો ઉછાળો આવ્યો છે.

આ ડિજિટલ કરન્સીએ મંગળવારે પ્રથમ વખત પ૦૦૦૦ ડૉલરનો આંકડો વટાવ્યો હતો. આ જ બિટકોઇનનો ભાવ એક વર્ષ પહેલા ૧૦૦૦૦ ડૉલરનો હતો. ફક્ત છેલ્લા ત્રણ મહિનામાં જ બિટકોઇનના એક એકમની કિંમતમાં ૨૦૦ ટકા જેટલો ઉછાળો નોંધાઇ ચુક્યો છે. બિટકોઇનની આગેકૂચનું એક મહત્વનું કારણ એ હોવાનું કહેવાય છે કે વધુને વધુ કંપનીઓએ સંકેત આપ્યો છે કે આ ચંચળ ડિજિટલ કરન્સી સમય જતા ચુકવણીના સાધન તરીકે વ્યાપક સ્વીકૃતિ મેળવી શકે છે. જો કે જેમણે બિટકોઇન ખરીદ્યા છે તેમાંના મોટાભાગના તેને સોના જેવી એક કોમોડીટીની જેમ ગણી રહ્યા છે જ્યારે માત્ર થોડાક સ્થળોએ જે તેને સામાન કે સેવાઓના બદલામાં સ્વીકારવામાં આવી રહ્યો છે.

કંપનીઓ આને ચલણ તરીકે સ્વીકારવા એટલા માટે ખચકાઇ રહી છે કે તેમાં ચંચળતા ઘણી છે અને તેનો ઉપયોગ એવા પક્ષકારો કરે છે કે જેઓ ગુનાહિત કારણોસર પરંપરાગત બેન્કિંગ સિસ્ટમનો ઉપયોગ કરવાનું ટાળતા હોય. જો કે ગયા સોમવારે ઇલેકટ્રીક કાર કંપની ટેસ્લાએ જાહેર કર્યું હતું કે તે નવા રોકાણની વ્યુહરચના તરીકે દોઢ અબજ ડોલરના બિટકોઇન ખરીદી રહી છે.

આના પછી કેટલીક બેંકો અને માસ્ટરકાર્ડે પણ આની સ્વીકૃતિના સંકેત આપ્યા હતા. જો કે મોટા ભાગની કંપનીઓ હજી ડિજિટલ કરન્સીને લેવડ દેવડના માધ્યમ તરીકે સ્વીકારવા ખચકાઇ રહી છે. એક નિષ્ણાતે કહ્યું કે કોઇ શા માટે એવા ચલણમાં તેનું પેમેન્ટ સ્વીકારે જેનું મૂલ્ય એક દિવસ પછી ૨૦ ટકા જેટલું ઘટી પણ જઇ શકે છે. આ ચંચળતા જોતા બિટકોઇન હજી પણ એક રોકાણની જણસ જ બનીને રહી ગઇ છે.

ટેસ્લાએ બિટકોઇનમાં પેમેન્ટ સ્વીકારવાનો સંકેત આપ્યો તેના પછી અમેરિકાની બ્લુ રિજ બેન્કે જાહેર કર્યું હતું કે તે તેની શાખાઓ પર બિટકોઇનની એક્સેસ પુરી પાડશે. આના બીજા જ દિવસે અમેરિકાની સૌથી જૂની બેંક બીએનવાય મેલને જણાવ્યું હતું કે તે તેના ગ્રાહકો માટેની સેવાઓમાં ડિજિટલ કરન્સીનો પણ સમાવેશ કરશે.

જ્યારે માસ્ટરકાર્ડે જણાવ્યું કે તે તેના નેટવર્ક પર કેટલીક પસંદગીની ક્રિપ્ટો કરન્સીને ટેકો આપવાનું શરૂ કરશે. જો કે આ બધી કંપનીઓના ટેકા છતાં બિટકોઇન માટે વિનિમયનું માધ્યમ બનવાનું નજીકના ભવિષ્યમાં તો શક્ય બને તેમ લાગતું નથી. પેલા નિષ્ણાતની વાત બિલકુલ સાચી જ છે કે બીજા જ દિવસે જેના ભાવ ૨૦ ટકા જેટલા ગગડી જાય તેવી વસ્તુને કોઇ ધંધાકીય એકમ પેમેન્ટ તરીકે શા માટે સ્વીકારે?

આમ પણ બિટકોઇનનો ભાવ ઘણો જ વધારે છે અને તેના ભાવમાં અસ્થિરતા નહીં હોય તો પણ ૫૦૦૦૦ ડૉલરનો એક બિટકોઇન ખરીદવાનો કેટલાને પોસાય? અને વળી આટલી મોટી રકમના સોદાઓ અને લેવડદેવડ કરનારા દુનિયામાં કેટલા હશે? એટલે બિટકોઇન રૂપિ્યા કે ડોલર જેવું વિનિમયનું માધ્યમ કે ચલણ બને તે વાત હાલ તો દીવાસ્વપ્ન જેવી લાગે છે.

જ્યાં સુધી બિટકોઇનમાંથી અસ્થિરતાનું તત્વ દૂર નહીં થાય અને તેની કિંમત વાજબી હદે નીચી નહીં આવે ત્યાં સુધી બિટકોઇન કોઇ પણ રીતે એક ચલણ કે વિનિમયના માધ્યમ તરીકે વ્યાપક સ્વીકૃત બને તે શક્ય નથી. હાલ નજીકના ભવિષ્યમાં તો તે સોના, ચાંદી કે હીરા જેવું માત્ર રોકાણ માટેની જ એક વસ્તુ બની રહેશે એમ લાગે છે.

Related Posts