Columns

યુધિષ્ઠિરનું અભિમાન

ઇન્દ્રપ્રસ્થના રાજા બન્યા બાદ યુધિષ્ઠિરે એક નિયમ લીધો હતો કે સવાર સાંજ રોજ દાન આપવું. દાન લઈને બધા તેમના નામનો જયજયકાર કરતા અને સાંભળીને યુધિષ્ઠિરના મનમાં અભિમાન થવા લાગ્યું કે મારા જેવો દાનવીર કોઈ નથી.એક દિવસ સાંજે દાન આપ્યા બાદ યુધિષ્ઠિર ભગવાન કૃષ્ણને મળવા ગયા અને બોલ્યા, ‘વાસુદેવ, મારે રોજ સવાર સાંજ દાન આપવાનો નિયમ છે એટલે જરા વ્યસ્ત હતો એટલે મોડું થયું. આંગણે જે કોઈ પણ આવે અને જે પણ વસ્તુ માંગે હું તે આપું જ છું.’ કૃષ્ણને યુધિષ્ઠિરના શબ્દો પાછળ રહેલું અભિમાન દેખાઈ ગયું.તેમણે કટાક્ષમાં કહ્યું, ‘યુધિષ્ઠિર તમે તો બહુ મોટા દાનવીર તરીકે પ્રખ્યાત થશો…

’યુધિષ્ઠિર સમજ્યા વિના બોલ્યા, ‘શું વાસુદેવ તમને એવું લાગે છે કે સૌથી મોટા દાનવીર તરીકે ઈતિહાસ મને યાદ રાખશે?’કૃષ્ણ હસ્યા અને બોલ્યા, ‘શક્ય છે પણ તમારે હજી થોડા વધુ પ્રયત્ન કરવા પડશે. કર્ણથી વધુ સારા દાનવીર બનવા માટે…’યુધિષ્ઠિરને આ વાત ગમી નહિ પણ તેઓ કંઈ બોલ્યા નહિ. કૃષ્ણે યુધિષ્ઠિરની આંખો ખોલવા માટે નક્કી કર્યું…બીજે દિવસે સાંજે વરસાદ વરસી રહ્યો હતો અને યુધિષ્ઠિરના આંગણે એક સાધુ આવ્યા અને દાનમાં યજ્ઞ કરવા માટે ચંદનનાં લાકડાં માંગ્યાં.

યુધિષ્ઠિરે સેવકોને આદેશ આપ્યો કે કોઠારમાંથી ચંદનના લાકડા લઇ આવો.સેવકે કહ્યું, ‘મહારાજ કોઠારના ચંદનના લાકડા ભીના થઇ ગયા છે.’યુધિષ્ઠિરે આદેશ આપ્યો, ‘જાવ બહારથી લઈને આવો…’બહાર વરસાદ પડતો હોવાથી ક્યાંય સૂકાં લાકડાં મળ્યાં નહિ. યુધિષ્ઠિરે નાસીપાસ થઇ સાધુની બે હાથ જોડી માફી માંગતા કહ્યું, ‘મહાત્મા મને માફ કરો વરસાદને કારણે હું તમને આજે સૂકાં ચંદનનાં લાકડાં નહિ આપી શકું. આપ કાલે આવજો.’ કૃષ્ણ ત્યાં હાજર હતા. તેમણે સાધુને કહ્યું, ‘મહાત્મા, અંગરાજ કર્ણના દ્વાર પર જાવ ત્યાં તમને લાકડા ચોક્કસ મળશે.’સાધુ ગયા ત્યાર બાદ યુધિષ્ઠિર બોલ્યા, ‘દેવકીનંદન, હું લાકડા આપી ન શક્યો તો કર્ણ કેવી રીતે આપી શકશે?’કૃષ્ણ બોલ્યા,

‘ચાલો જવાબ મેળવવા મારી સાથે ??’ કૃષ્ણ અને યુધિષ્ઠિર સાધુની પાછળ પાછળ કર્ણના મહેલ સુધી ગયા.ત્યાં સાધુ કર્ણ પાસે યજ્ઞ માટે સૂકાં ચંદનના લાકડા દાનમાં માંગી ચુક્યા હતા અને કર્ણના કોઠારમાં પણ લાકડા ભીના થઇ ગયા હતા બહારથી પણ સેવકો લાકડા લીધા વિના જ આવ્યા. યુધિષ્ઠિર હવે કૃષ્ણ સામે જોઇને હસ્યા. કર્ણે કહ્યું, ‘મહાત્માજી, વરસાદને કારણે ક્યાંય સૂકાં લાકડાં નથી પણ ઉભા રહો ….’આટલું કહીને કર્ણે પોતાનું ધનુષ ઉઠાવ્યું અને તેના મહેલના દરવાજા અને પલંગ અને બીજું રાચરચીલું જે ચંદનનું બનેલું હતું તે બાણ મારી તોડી નાખ્યું અને સેવકોને આદેશ આપ્યો કે આ ચંદનનાં લાકડાં ભીનાં ન થાય તે રીતે સાધુની યજ્ઞશાળા સુધી પહોંચાડો. હવે કૃષ્ણ યુધિષ્ઠિર સામે હસ્યા અને બોલ્યા, ‘ધર્મરાજ, દાન કરો પણ તેનું અભિમાન ન કરો. ચંદનના દરવાજા અને પલંગ તો તમારા મહેલમાં પણ હતા …છતાં તમે આપી ન શક્યા…કર્ણે આપ્યા.’યુધિષ્ઠિર નીચું જોઈ ગયા.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top