Madhya Gujarat

યુવકે એક લાખ સામે 6.43 લાખનું વ્યાજ ચુકવ્યું

પેટલાદ : પેટલાદમાં રહેતા યુવકે દોઢેક વર્ષ પહેલા મોબાઇલના વ્યવસાય માટે રૂ.એક લાખ 30 ટકાના વ્યાજ દર સાથે લીધા હતા. જે પેટે તેણે 6.43 લાખ વ્યાજ ચુકવ્યું છે. વ્યાજખોર શખસે વધુ રૂ.2.45 લાખની માગણી કરી હતી. આ ઉપરાંત ચેક પણ બાઉન્સ કરાવી નોટીસ મોકલી હતી. આ અંગે પેટલાદ પોલીસે વ્યાજખોર સામે ગુનો નોંધ્યો હતો. પેટલાદના નંદની બંગ્લોઝ ખાતે રહેતા વિશાલકુમાર ઇશ્વરભા પટેલે દોઢેક વર્ષ પહેલા મોબાઇલના ધંધા અર્થે નિકુંજ રાજુ રબારી (રહે.રબારીવાસ, ખંભાત) પાસેથી 27મી સપ્ટેમ્બર,21ના રોજ એક લાખ રૂપિયા લીધાં હતાં.

આ સમયે મહિને રૂ.30 હજાર વ્યાજ તથા ગેરેન્ટી પેટે કોરા ચેક આપવાનું નક્કી થયું હતું. આ સમયે કુલ ત્રણ કોરા ચેક આપ્યાં હતાં. આ ઉપરાંત દર મહિને રૂ.30 હજાર વ્યાજ આપવાનું શરૂ કર્યું હતું. નિકુંજ રબારી દર મહિને બે હપ્તામાં પંદર – પંદર હજાર વ્યાજ પેટે વસુલતો હતો. જો વ્યાજ ન ચુકવી શકે તો એક હજાર રૂપિયા પેનલ્ટી વસુલતો હતો. આશ્ચર્યજનક બાબત એ છે કે, નિકુંજે પ્રથમ મહિનાનું વ્યાજ નાણા આપતી વખતે જ કાપીને રૂ.70 હજાર આપ્યાં હતાં.

બાદમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા વિશાલકુમારે અલગ અલગ તારીખે નિકુંજને કુલ 6.43 લાખ વ્યાજ ચુકવ્યું હતું. આમ છતાં નિકુંજ રબારી ઘરે રાત્રિના કોઇ પણ સમયે આવી જતો અને વિશાલ તથા તેના પરિવારને ધમકીઓ આપતો હતો. જો પૈસા નહીં આપે તો ઘરનો સામાન ભરી જઇશ. પોલીસ કેસની બીક મને નહી બતાવવાની, જો બાકી નિકળતા નાણા નહીં ચુકવો તો ઉપાડીને મારા તબેલે લઇ જશ. આ ઉપરાંત સિક્યુરીટી પેટે આપેલા ચેકમાં મોટી રકમ ભરી તેને બાઉન્સ કરાવ્યો હતો. બાદમાં જલ્પીત રબારીના નામે નોટીસ મોકલી હતી. આ અંગે પેટલાદ પોલીસે નિકુંજ રાજુ રબારી (રહે. રબારીવાસ, ખંભાત) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કપડવંજના વ્યાજખોરે 50 હજાર સામે 2 લાખ માંગ્યાં
નડિયાદ: કપડવંજના એક વ્યાજખોરે શામળીયાના યુવકની ઈકો ગાડી ગીરો રાખી, તેને 50,000 રૂપિયા આપ્યા હતાં. જે બાદ વ્યાજખોરે 2 લાખ રૂપિયા બાકી કાઢી, યુવક પાસે ઉઘરાણી શરૂ કરી હતી. જોકે, યુવકે આટલી મોટી રકમ અંગે વાંધો ઉઠાવતાં વ્યાજખોરે ગાડી વેચી દેવાની ધમકીઓ આપી હતી. આ મામલે કપડવંજ રૂરલ પોલીસે ગુનો નોંધ્યો છે.
કપડવંજના અલવા તાબે શામળીયા ગામમાં રહેતાં સંજય વિનુભાઈ રાઠોડને દોઢેક મહિના અગાઉ ઓચિંતી રૂપિયાની જરૂર પડતાં તેઓએ ઈકો ગાડી યોગીન (રહે.જુની આઈ.ટી.આઈ સામે, કપડવંજ) પાસે ગીરો મુકી, તેમની પાસેથી 50,000 રૂપિયા લીધાં હતાં.

જેના થોડા દિવસો બાદ સંજયભાઈ પાસે રૂ.60,000 રૂપિયાની વ્યવસ્થા થતાં તેઓએ યોગીનભાઈને ફોન કર્યો હતો. પરંતુ, યોગીનભાઈએ વ્યાજ સહિત 70,000 રૂપિયા લઈને આવીશ તો જ ગાડી મળશે તેવું જણાવ્યું હતું. જે તે વખતે સંજયભાઈ પાસે તેટલા રૂપિયાની વ્યવસ્થા ન હોવાથી ગાડી છોડાવવા માટે ગયા ન હતાં. જેથી થોડા દિવસો બાદ યોગીનભાઈ રૂપિયાની ઉઘરાણી માટે સંજયભાઈના ઘરે ગયાં હતાં અને 2,00,000 રૂપિયા લેવાના બાકી કાઢ્યાં હતાં. આટલી મોટી રકમ સાંભળી સંજયભાઈ ચોંકી ઉઠ્યા હતાં. તેઓએ બે લાખ રૂપિયા કેવી રીતે બાકી નીકળે તે બાબતની પુછપરછ કરતાં, યોગીન એકાએક ઉશ્કેરાઈ ગયા હતાં અને જો બે લાખ રૂપિયા નહીં આપુ તો ગાડી વેચી મારીશ તેવી ધમકીઓ આપી હતી. આ મામલે સંજયભાઈ રાઠોડની ફરીયાદને આધારે કપડવંજ રૂરલ પોલીસે વ્યાજખોર યોગીન સામે ગુનો નોંધ્યો હતો.

મહેમદાવાદના વ્યાજખોર અને તેના સાગરીતે કડિયાને મારી નાંખવાની ધમકીઓ આપી
મહેમદાવાદના ઈન્દિરાનગરી વિસ્તારમાં રહેતાં અને કડીયાકામની મજુરી કરતાં શનાભાઈ રઈજીભાઈ પરમારને રૂપિયાની જરૂર પડતાં ગામમાં જ રહેતાં અલ્પેશભાઈ ઉર્ફે લાલભાઈ ચંન્દ્રકાન્તભાઈ શાહ પાસેથી ટુકડે-ટુકડે કરી કુલ 1,15,000 રૂપિયા વ્યાજે લીધાં હતાં. જે બાદથી અલ્પેશભાઈનો માણસ કુત્બુદ્દીન મલેક દરરોજ શનાભાઈ પાસે વ્યાજ લેવા જતો હતો. શરૂઆતના થોડા દિવસો સુધી શનાભાઈએ નિયમીતપણે વ્યાજનું ચુકવણું કર્યુ હતું. કુલ રૂ.74,000 જેટલું વ્યાજ ચુકવ્યાં બાદ અચાનક કડિયાકામનો ધંધો ઠપ્પ થઈ જતાં શનાભાઈને દૈનિક વ્યાજ ચુકવવામાં બ્રેક પડ્યો હતો. જેથી વ્યાજખોર અલ્પેશ અને તેનો માણસ કુત્બુદ્દીન મલેક ત્રણેક દિવસ અગાઉ શનાભાઈના ઘરે જઈને વ્યાજના નાણાં બળજબરીપૂર્વક પડાવી લેવાની કોશિષ કરી હતી. તેમજ ગમેતેમ અપશબ્દો બોલી, જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ મામલે શનાભાઈ પરમારની ફરીયાદને આધારે મહેમદાવાદ પોલીસે અલ્પેશ શાહ અને કુત્બુદ્દીન મલેક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top