Dakshin Gujarat

નિઝરમાં પ્રેમીપંખીડાની અધૂરી ઈચ્છા પરિવારે પૂરી કરી, મૂર્તિ બનાવી ધામધૂમથી લગ્ન કરાવ્યાં

વ્યારા: નિઝર તાલુકાના નવા નેવાળા ગામે થોડાક દિવસ પહેલાં જીવન ટુંકાવનાર પ્રેમીપંખીડાંની અંતિમ ઇચ્છા પૂર્ણ કરવા મૂર્તિ બનાવી પરિવારજનોએ તેમનાં લગ્ન કરાવ્યાં હતાં. આ બંને જણાએ ઓગસ્ટ-2022માં જીવન ટુંકાવ્યું હતું. મૃત્યુ પામનારા યુવકનું નામ ગણેશ દીપક પાડવી અને યુવતીનું નામ રંજના મનીષ પાડવી હતું. બંને વચ્ચે એક વર્ષથી પ્રેમસંબંધ બંધાયો હતો. કોઈ કારણોસર બંને જણાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.

  • આદિવાસી સમાજના ઇતિહાસમાં સંભવત: પહેલી ઘટના
  • જૂના નેવાળામાં આમલીનાં ઝાડ ઉપર ગણેશ અને રંજને ફાંસો ખાઈ મોત વહાલું કરી લીધું હતું
  • પાટલીની વિધિ, મૂર્તિની સ્થાપના કરી વર-વધૂની જેમ શણગાર કરાયો

યુવક અને યુવતીની મૂર્તિ જેને આદિવાસી બોલીમાં પાટલી કહેવામાં આવે છે એ બનાવી તેમના પરિવાર દ્વારા આદિવાસી પરંપરા મુજબ લગ્ન કરાવવા મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. કદાચ ઇતિહાસમાં પહેલી વખત આવા કોઈ લગ્ન સામે આવ્યાં હશે કે જેમાં મૃત્યુ પામેલા પ્રેમીપંખીડાની મૂર્તિની સ્થાપના કરી તેમની અંતિમ ઇચ્છા પૂર્ણ કરવા લગ્ન કરવામાં આવ્યાં હશે. મરણ જનાર ગણેશભાઈ અને તેની પ્રેમિકા રંજનાબેન બંનેનાં મૃત્યુ બાદ મૂર્તિ સ્થાપના કરી તેને પતિ-પત્નીનું પ્રત્યક્ષ સ્વરૂપ આપી વર-વધૂની જેમ વેશભૂષા ધારણ કરાવી લગ્ન કરાવવામાં આવ્યાં હતાં.

આદિવાસી સમાજમાં અકાળ મૃત્યુ પામનાર વ્યક્તિની આત્માની શાંતિ માટે મૂર્તિ મૂકવામાં આવે છે જેને પાટલી સ્થાપના કહેવામાં આવે છે. અહીં બંનેની આત્માને મોક્ષ મળે, માટે અંતિમ ઇચ્છા પૂર્ણ કરતાં આ લગ્નની વિધિ કરવામાં આવી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આદિવાસી પરંપરા મુજબ બંનેની મૂર્તિની સ્થાપના કરી વિધિવત રીતે લગ્ન કરાવ્યાં હતાં.

આ પ્રેમીપંખીડાએ જૂના નેવાળા ગામની સીમમાં આમલીનાં ઝાડ ઉપર ગત વર્ષે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. બંને પ્રેમીપંખીડા પતિ-પત્ની તરીકે રહેવા ઇચ્છુક હતાં. પ્રેમી ગણેશભાઈ અને પ્રેમિકા રંજનાબેન સાથે મોડી રાતે પ્રેમીના ઘરે ગયાં હતાં, પરંતુ આ સંબંધથી પરિવારના સભ્યો ખુશ ન હતા. બંનેના પ્રેમ સંબંધ બાબતે ઠપકો મળતાં પ્રેમીપંખીડાના ખોટું લાગી આવ્યું હતું. ઘરેથી નીકળીને જૂના નેવાળા ગામની સીમમાં ઉદવહન સિંચાઈ યોજનાની ઓફિસ પાછળ આમલીના ઝાડ ઉપર જે-તે સમયે ફાંસો ખાઈ મોત વ્હાલું કર્યું હતું.

Most Popular

To Top