ઉત્તર પ્રદેશના મોરાદાબાદ જિલ્લામાંથી એક ચોંકાવનારો હત્યાકાંડ સામે આવ્યો છે. 23 વર્ષીય કાયદાની વિદ્યાર્થીની આદિલા રહેમાનની તેના જ પતિએ ગોળી મારીને હત્યા કરી હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ હત્યા તે જ મહિન્દ્રા થાર SUVમાં કરવામાં આવી હતી, જે આદિલાએ પોતાના પતિને ભેટમાં આપી હતી. હત્યા કર્યા બાદ આરોપીએ આખી રાત કાર ચલાવી મૃતદેહને ઉત્તરાખંડના રૂડકી નજીક કેનાલમાં ફેંકી દીધો હતો.જો કે ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે આરોપી ગુલફામ અલીની અન્ય એક કેસમાં જેલમાં પૂછપરછ કરવામાં આવી.
પરીક્ષા આપવા ઘરેથી નીકળી, પરંતુ પરત ફરી નહીં
મોરાદાબાદના જાણીતા વેપારી અદીવ-ઉર-રહેમાનની પુત્રી આદિલા રહેમાન 25 જૂને પોતાના પરિવારને કહીને ઘરેથી નીકળી હતી કે તે હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટીમાં LLB બીજા વર્ષની પરીક્ષા આપવા જઈ રહી છે. 29 જૂને તેણે પરિવાર સાથે છેલ્લી વખત વાત કરી હતી અને જણાવ્યું હતું કે તે ઘરે પરત ફરી રહી છે. ત્યારબાદ તેનો મોબાઇલ ફોન બંધ થઈ ગયો અને પરિવારનો તેની સાથેનો સંપર્ક તૂટી ગયો.
ઘરમાંથી મળ્યું ગુપ્ત લગ્નનું પ્રમાણપત્ર
આદિલા ઘરે ન પહોંચતાં પરિવાર ચિંતિત બન્યો. તપાસ દરમિયાન ઘરમાંથી ગુલફામ અલી નામનું લગ્ન પ્રમાણપત્ર મળી આવ્યું.તેના આધારે પરિવારને જાણ થઈ કે આદિલાએ પરિવારને જાણ કર્યા વગર અજમેરમાં ગુપ્ત રીતે ગુલફામ અલી સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ પરિવારજનોએ પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી.
લગ્ન બાદ નોઈડામાં રહેતું હતું દંપતી
પોલીસ તપાસમાં સામે આવ્યું કે લગ્ન બાદ બંને નોઈડાના ભાડાના ફ્લેટમાં રહેતા હતા.આદિલા જ ઘરના મોટાભાગના ખર્ચ ઉઠાવતી હતી. તેણે પતિ માટે મોંઘી થાર SUV પણ ભેટમાં ખરીદી આપી હતી. જોકે થોડા સમય બાદ બંને વચ્ચે પારિવારિક મુદ્દાઓને લઈને ગંભીર મતભેદો શરૂ થયા હતા.
પરિવારથી સંબંધ તોડવાના મુદ્દે થયો વિવાદ
પોલીસના જણાવ્યા મુજબ આદિલા ઈચ્છતી હતી કે ગુલફામ પોતાના પરિવારથી સંપૂર્ણપણે અલગ થઈ જાય.આ મુદ્દે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. 29 જૂને ફરી ઉગ્ર બોલાચાલી થઈ. ત્યારબાદ આદિલા દિલ્હીથી ટેક્સી દ્વારા મોરાદાબાદ જવા નીકળી હતી. રસ્તામાં ગુલફામ પોતાની થાર લઈને પહોંચ્યો અને તેને રોકી લીધી. બંને વચ્ચે ફરી ઝઘડો શરૂ થયો.
થારમાં નજીકથી ગોળી મારી હત્યા
પોલીસ અનુસાર દિલ્હી-લખનૌ હાઈવે પર આવેલા જૂના ટોલ પ્લાઝા નજીક ગુલફામે નજીકથી ગોળી મારી આદિલાની હત્યા કરી દીધી.ગોળી વાગતાં જ તેનું ઘટનાસ્થળે જ મોત થયું. ત્યારબાદ આરોપીએ મૃતદેહને થાર SUVમાં જ છુપાવી દીધો અને આખી રાત ડ્રાઇવ કરીને ઉત્તરાખંડ તરફ નીકળી ગયો.
મૃતદેહ કેનાલમાં ફેંકી દીધો
પોલીસના જણાવ્યા મુજબ આરોપી રૂડકીના મંગલૌર વિસ્તાર પાસે પહોંચ્યો અને કેનાલમાં મૃતદેહ ફેંકી દીધો.4 જુલાઈએ ઉત્તરાખંડ પોલીસને કેનાલમાંથી એક અજાણ્યા યુવતીનો મૃતદેહ મળ્યો હતો. ઓળખ ન થતાં સ્થાનિક નિયમો મુજબ અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા. બાદમાં મોરાદાબાદ પોલીસની તપાસથી મૃતદેહ આદિલાનો હોવાનું બહાર આવ્યું.
પછી ખુદ જ કોર્ટમાં હાજર થયો
હત્યા કર્યા બાદ ગુલફામ અલી ઉત્તર પ્રદેશ પરત ફર્યો. 1 જુલાઈએ તેણે એક વર્ષ જૂના હત્યાના પ્રયાસના અન્ય કેસમાં રામપુર કોર્ટમાં આત્મસમર્પણ કર્યું, જ્યાંથી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો. ત્યારબાદ મોરાદાબાદ પોલીસે જેલમાં તેની પૂછપરછ કરી, જેમાં તેણે સમગ્ર હત્યાકાંડની કબૂલાત કરી હોવાનું પોલીસનું કહેવું છે.
હત્યામાં વપરાયેલી થાર અને હથિયારની શોધ
મોરાદાબાદ પોલીસના એસપી (સિટી) કુમાર રણવિજય સિંહે જણાવ્યું કે આરોપીની પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે અરજી કરવામાં આવી છે.પોલીસ હાલમાં હત્યામાં વપરાયેલી થાર SUV અને હથિયારની શોધખોળ કરી રહી છે. સાથે જ ઘટનાના તમામ પાસાઓની વિગતવાર તપાસ ચાલી રહી છે.
અનેક પ્રશ્નો હજુ પણ બાકી
આ કેસમાં હજુ પણ અનેક પ્રશ્નોના જવાબ મળવાના બાકી છે. આદિલાએ પરિવારને જાણ કર્યા વગર લગ્ન કેમ કર્યા? બંને વચ્ચે મતભેદ કેટલા ગંભીર હતા? હત્યા અગાઉ કોઈ પૂર્વ આયોજન હતું કે નહીં? પોલીસ હવે આ તમામ મુદ્દાઓની તપાસ કરી રહી છે.ડિજિટલ પુરાવા, મોબાઇલ કોલ રેકોર્ડ, CCTV ફૂટેજ અને વાહનના રૂટની પણ તપાસ કરવામાં આવી રહી છે.
સમગ્ર વિસ્તારમાં ચકચાર
આ ઘટના બહાર આવતા મોરાદાબાદ સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.પ્રેમ લગ્નથી શરૂ થયેલો સંબંધ અંતે નિર્દયી હત્યા સુધી પહોંચતાં લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસે જણાવ્યું છે કે તમામ પુરાવા એકત્ર કરીને આરોપી સામે મજબૂત ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.