કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ CJP ના વિદ્યાર્થી આંદોલનના સમર્થનમાં ખુલ્લો પત્ર લખતા જ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. પોતાના જ પક્ષના વરિષ્ઠ નેતાએ વિદ્યાર્થીઓ અને યુવાનોના મુદ્દે સરકાર સામે સવાલો ઉઠાવતા શાસક પક્ષ ભાજપમાં મોટો ખળભળાટ મચી ગયો છે. ચાવડાએ સ્પષ્ટ કર્યું છે કે છેલ્લા 1 વર્ષથી તેઓ યુવાનો વચ્ચે રહીને બેકારી, શિક્ષણ ક્ષેત્રની નબળી સ્થિતિ અને વારંવાર બનતી પેપર લીકની ઘટનાઓથી ખૂબ વાકેફ થયા છે.
મુખ્યમંત્રી પાસે માગ્યો સમય, ‘ભારેલા અગ્નિ‘ જેવી સ્થિતિનો ઈશારો
ચાવડાએ પત્રમાં ગંભીર ચેતવણી આપતા જણાવ્યું છે કે ગાંધીના ગુજરાતમાં વિદ્યાર્થીઓ વારંવાર અન્યાય સહન કરીને પણ હાલ શાંત છે, પરંતુ આ પરિસ્થિતિ ભાજપ સરકાર માટે ‘ભારેલા અગ્નિ’ જેવી છે. સત્તાધારી પક્ષના વરિષ્ઠ નેતા હોવા છતાં યુવાનોની વેદના અને આંદોલનને વાચા આપવા તેમણે મુખ્યમંત્રી પાસે રૂબરૂ મુલાકાતનો સમય માગ્યો છે.
આ સાથે તેમણે પક્ષાપક્ષી, નાતજાત કે ધર્મના ભેદભાવથી ઉપર ઉઠીને વાલીઓ અને જાગૃત નાગરિકોને આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે એકજૂથ થઈ અવાજ ઉઠાવવા ભાવુક અપીલ કરી છે.
કોણ છે પૂર્વ મંત્રી જવાહર ચાવડા?
- સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા: જવાહર ચાવડા સૌરાષ્ટ્રના રાજકારણનો મોટો ચહેરો માનવામાં આવે છે.
- સૌથી યુવાન વયે MLA: માણાવદર બેઠક પરથી 1990 માં માત્ર 26 વર્ષની ઉંમરે તેઓ પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા.
- કોંગ્રેસથી ભાજપની સફર: દાયકાઓ સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ 2019 માં ભાજપમાં જોડાયા અને વિજય રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા હતા.
- હાલની રાજકીય સ્થિતિ: 2022 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર હાર થયા બાદ તેઓ સમયાંતરે સરકાર વિરુદ્ધ નિવેદનો આપતા રહ્યા છે.
હવે પોતાના જ નેતા દ્વારા CJP ને ટેકો અપાતા ભાજપ હાઈકમાન્ડ તેમની સામે શું શિસ્તભંગના પગલાં લેશે તેના પર સૌની નજર ટકેલી છે.