Comments

કોઈના કાનમાં તમરા બોલે..!

કાન બિચારા બિન ઉપદ્રવી અને સીધાં સાદા..! અહિંસક એવાં કે કોઈ સળી કરે તો તેની સાથે છુટ્ટા કાનની મારામારી કરવા નીચે ઉતરી નહિ પડે. ભાત-ભાતની કહેવતો કાઢીને છંછેડ્યા હશે, છતાં સાવ ઋષિમંત !  આતંકવાદ નહિ ફેલાવે..! કાન વિષે  કેવી કેવી છોડિયાફાડ કહેવતો છે..? જેમ કે, કાન છે કે કોડિયાં, કાનના કીડા ખરી ગયા, કાનમાં ઝેર રેડ્યું, કાના-ફૂંસી કરી, કાચા કાનનો, એક કાનથી સાંભળે ને બીજા કાનથી કાઢી નાંખે, એના કાનમાં તમરા બોલે, પારકી મા હોય એ જ કાન વીંધે, મારો કાન આમળી નાંખ્યો વગેરે વગેરે..!  કાનો વિશેની કહેવતો અને કાનના ગુણધર્મોને નજર અંદાજ નહિ કરે તો પણ, માણસ માણસાઈની ચોગથ્માં સચવાયેલો રહે.

આ તો એક વાત કે, ક્યારેય કોઈએ વિચાર્યું છે ખરું કે, ભગવાને આપણને કેવી મોંઘીદાટ શરીરની મિલકત આપી છે?  કોઇથી કોઈ વાતે કોઈ કમી નહિ. આવી અમુલ્ય મિલકત આપીને ધરતી ઉપર ધકેલી દીધા પછી પણ ભગવાન પલાંઠી વાળીને બેસી નથી રહ્યા. એમને ખબર છે કે, વધતી ઉમરે એમાં પાછળથી  તોફાનો આવવાના છે..! એટલે તે માટેના તજજ્ઞો પણ  સર્કીટ ફીટ કરીને પૃથ્વી ઉપર ઉતારેલા. આંખ-કાન-નાક-ગળા-હૃદય-દાંત વગેરેનાં ડોકટરોની ઉપલબ્ધી એ એમની આગોતરી વ્યવસ્થા છે બોસ..!  આંખની માથાકૂટ આવે તો આંખના તજજ્ઞ હાજર, નાકની આવે તો નાકના હાજર, દાંતની આવે તો દાંતના હાજર, ને કાનની આવે તો શ્રવણ-યંત્રો સાથે કાનના તજજ્ઞો હાજર..! બસ, એક જ ધ્યેય..! મારો બનાવેલો માનવી ધરતી ઉપર ગયા પછી હેરાન થવો જોઈએ નહિ..! એ ભલે દુનિયાને બનાવે,  પણ મારો બનાવેલો હેરાન  થવો જોઈએ નહિ..! જે કદી જોવામાં નથી, જમવામાં નથી, એ આટલી કાળજી રાખે એ કંઈ ઓછો દયાળુ કહેવાય..?

શું શ્રી હરિની રચના છે?  મારી આંખોને હું અરીસા વગર જોઈ શકતો નથી. આંખમાં કણી પડે તો કાઢવા માટે બીજાની આંખ ભાડે કરવી પડે.  પોતીકા કાનને ક્યારેય નરી આંખે જોયા નથી. ને કાન પણ મારું મોઢું જોવા રાજી ના હોય એમ, ગાડી ત્સ્થાયાગ કરીને હેઠે ઉતર્નયા નથી. સ્પર્શ કરી શકું, એની સળી પણ કરી શકું, પણ ‘કર્ણ-દર્શન’ કરવા હોય તો, અરીસાનો આશરો લેવો પડે..! છતાં મને સંભળાય છે એટલે માની લઉં છું કે, ચહેરાની અગલ બગલમાં બે મઠ આવેલા છે. જે મને સંભળાવવાનું કાર્ય ઉપાડે છે. હવાને હું મહેસુસ કરી શકું છું, પણ જોઈ શકતો નથી, એમ કાનને હું સ્પર્શી શકું છું, પણ દેખી શકતો નથી. મગજને સંદેશા આપીને જે કામણગારું અંગ મને ચેતેલો રાખે,  એને નરી આંખે જોવાની તાલાવેલી કોને ના હોય..? ફોટા સાથે લગ્નના કર્હોયા હોય અને, માશુકા વિદેશમાં વસતી હોય એના જેવો મૂંઝારો અનુભવું દાદૂ..! નરી આંખે જોવાનો લ્હાવો તો અનેરો જ હોય કે..?

કાનના પણ અનેક પ્રકાર હોય. ખરેખર તો ‘MISS WORLD’ ની માફક, કાનોની પણ ‘MISS EAR’ ની સ્પર્ધા થવી જોઈએ. જેથી ખબર પડે કે, કયા કાનોને સુંદર કહી શકાય. ભલે કાચા કાનવાળો ફાવી જાય, પણ કાચું તો નહિ કપાય..? બાકી કાનના પણ કેવાં કેવાં પ્રકાર હોય. કોઈના કાન કોડિયા જેવાં હોય, કોઈના કાન  તપખીરની ડબ્બી જેવાં હોય, કોઈના કાન કોડી જેવાં હોય કે ગજ-કર્ણ જેવાં પણ હોય..! જે આકાર કે પ્ગરકારના હોય તે, સાંભળવામાં કચાસ નહિ ચાલે. પસંદગીના કાનનો સેટ બેસાડવા, કે આખેઆખા કાન બદલવાની દિશામાં હજી આપણે ધારેલું ખેડાણ કર્યું  નથી. ને ‘કર્ણ-દાન’ કરવાનો મહિમા પણ નથી.

બહુ બહુ તો કાનના શટર બંધ થાય તો શ્રવણ-યંત્ર આપીને ટાઢા કરી શકાય..!  બધાને ખબર છે કે, કાન હૈ તો કહાન હૈ..! અવાજના તરંગોને ઝીલીને, શ્રવણચેતા દ્વારા મગજ સુધી પહોંચાડવાનાં બાહ્ય સાધનને વિજ્ઞાન ‘કાન’ કહે છે. દુકાન આગળ લટકાવાતા લીંબુ મરચાંની માફક બંને કાન મોંઢાની શોભામાં વધારો કરે છે. બહાર દેખાતા કાન  માત્ર શો-રૂમ જેવાં છે, એ જગ જાહેર વાત છે. બાકી ખરો માલ તો ગોડાઉનમાં હોય..!  કાનના ડબલાં  દ્વારા પ્રવેશ પામેલા શબ્દો, સ્વસ્તિ છે કે ગાલી-પ્રદાન એનું પૃથ્થકરણ અંદરવાળા કરે. જેમ બંગલામાં આગળ ડ્રોઈંગ-રૂમ હોય, ને પાછળ કિચન હોય એમ, બહાર દેખાતા કાન તો ‘કર્ણ-હાઉસ’ નો ડ્રોઈંગ રૂમ જ હોય.

કિચન-બેડરૂમ વગેરે પાછળ હોય એવું..! બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંત:કર્ણની ત્રણ સરકીટમાંથી એકાદ નિષ્ફળ પણ જાય તો, માણસ સાંભળવાની શક્તિ ગુમાવી દે. કંપનીનો માલ હોય તો, વોરંટી પીરીયડમાં રીટર્ન પણ કરી દેવાય. આ તો ભગવાનની પ્રોડક્ટ..! માલ બદલાવવા ઉપર જવું પડે..!  શરીરના અમુક પાર્ટ્સ તો એવાં કે, ચાળીસ-પચાસ તાજમહાલ વેચીએ તો પણ નહિ મળે. શરીરનું ઘડતર જ એવું કરેલું કે, નહિ સિમેન્ટ, નહિ ખીલા, નહિ રેતી કે, નહિ સળિયા, છતાં સાલું મજબુત અને ટકાટક..! દરેક પાર્ટ્સ પોતપોતાનું કામ કરે અને બીજા સાથે મળી સંપીને રહે. આંખ ગમે એટલી તેજ હોય, પણ જોવા સિવાય બીજાના ધંધામાં માથું મારતી નથી. 

જીભ એવી મુકાદમ જેવી કે, બધાં પાર્ટ્સને ધાકમાં રાખે, ને આડી ફાટી તો ધોકાવાળી પણ કરાવે. ત્યારે કાનનું કામ  માત્ર સાંભળવાનું..! ખોરાક પહોંચાડવાની જવાબદારી નહિ ઉઠાવે..! આ તો એક ગમ્મત..!  ઘણીવાર એવો પણ વિચાર આવે કે, સાંભળવાનું કામ જો કાનની અંદર બેઠેલી ‘મીનીસ્ટ્રી’ સંભાળતી હોય તો, બહાર દેખાતાં ડબલાં જેવાં કાન માટે ભગવાને શું કામ મટેરિયલ બગાડ્યું હશે..? મોટાં છિદ્રો મુકીને પણ વ્યવસ્થા જાળવી શકાય હોત..! પણ રતનજીનું કહેવું છે કે, ડબલા જેવાં હેંગર છે એટલે તો  મિસ્ત્રી એની પેન્સિલ કાન ઉપર ભેરવી શકે,  દરજી મેઝરટેપ ભેરવી શકે, મજુર એની બીડી ભેરવી શકે, ને માણસનાં ચશ્માંની દાંડી કાન ઉપર ટકેલી રહે..!

જેના કાન સખણા એ ઓછાં ખાય ડફણા..! જેના કાન ON LINE હોય, એના માટે તો કોઈ પ્રશ્ન જ નહિ, પણ જેના શટર બંધ હોય એને તો ભારે તકલીફ..!  મુકેશના ગીતો હોય કે, મગનલાલના, લતાના ગીતો હોય કે લલીતાના કોઈ ફરક નહિ પડે..!  વાર્તાલાપ કરવા માટે બરાડા એવાં પાડવા પડે કે, પરસેવાના ઝરા બોચીએ ફૂટવા માંડે..!  જો કે આવી સ્થિતિવાળા માટે ચોક્કસ દયાભાવ જાગે. એટલા માટે કે, એ આપણી આવતીકાલ છે. ઉમર થાય એટલે આવા પ્રોબ્લેમ તો દરેકને આવવા માંડે. સાંભળવા માટે કાન પાછળ હાથની છાજલી કરવી જ પડે..! સંતો-ચિંતકો તો ઘણીવાર કહે કે, કાન ખુલ્લા રાખો, પણ સાવ  ‘સાઈલન્સ ઝોન’ હોય તો  કરે શું..? ‘આલોમ-વિલોમ’ જ કરવા પડે.

લાસ્ટ ધ બોલ
એક શિલ્પકારે ખુબ જ સુંદર બે મૂર્તિ બનાવેલી. બંને મૂર્તિ આબેહુબ એક સરખી, પણ બંનેના ભાવ અલગ. એકનો ભાવ ૫૦૦૦૦ રૂપિયા અને બીજાનો ભાવ એક લાખ રૂપિયા..! ખરીદનારે પૂછ્યું કે, બંને મૂર્તિ એક સરખી,  છતાં ભાવમાં ફરક કેમ..?  શિલ્પીએ કહ્યું કે, જે પહેલી મૂર્તિ છે, એના એક કાનમાંથી દોરી નાંખો તો બીજા કાનેથી નીકળી જાય. અને બીજી મૂર્તિમાં તમે એક કાનેથી દોરી નાંખો તો બીજા કાનેથી નીકળે નહિ, પણ ત્યાંથી પાછી વળી હૃદયના ભાગે જાય..! ત્યારે મને ખબર પડી કે જે માણસો એક વાતને સાંભળીને બીજા કાને કાઢી નાખે, એની આ જગતમાં ઓછી  કિંમત છે. પણ જે કોઈ વાત સાંભળીને બીજા કાન સુધી પહોંચાડી એના હૃદયમાં સમાવી લે એની કીમત વધારે છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top