National

સામે આવ્યું કારણ, શા માટે પિતાએ આયુષીનો જીવ લીધો, માતા-પિતા બંનેની ધરપકડ

મથુરા (Mathura) જિલ્લામાં યમુના એક્સપ્રેસ વે (Yamuna Express Way) પાસે ટ્રોલી બેગમાંથી મળેલી 22 વર્ષીય યુવતીના મૃતદેહની ઓળખ કરવાની સાથે ઉત્તર પ્રદેશ પોલીસે હત્યાનો (Murder) મામલો પણ ઉકેલી લેવાનો દાવો કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર યુવતીની ઓળખ આયુષી તરીકે થઈ હતી અને તેની હત્યા તેના પિતાએ (Father) કરી હતી. મથુરાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટના જણાવ્યા અનુસાર આયુષીના માતા-પિતાની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આયુષીના પિતા નિતેશ યાદવે કથિત રીતે પુત્રીની (Daughter) ગોળી મારી હત્યા કરી હતી. તે નારાજ હતો કે આયુષી તેને જાણ કર્યા વગર થોડા દિવસો માટે ઘરની બહાર નીકળી ગઈ હતી. રિપોર્ટ અનુસાર તે એ વાતથી પણ નારાજ હતો કે આયુષીએ અન્ય જ્ઞાતિના વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા હતાં અને તે ઘણીવાર મોડી રાત સુધી બહાર રહેતી હતી. આયુષી દિલ્હીમાં બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (BCA) કરી રહી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી પિતાને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેણે પૂછપરછ દરમિયાન પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. એક અધિકારીએ જણાવ્યું કે રાયા કટ પાસે લાલ રંગની ટ્રોલી બેગમાંથી મળેલી યુવતીના મૃતદેહની ઓળખ કરી લેવામાં આવી છે. મૃતદેહની ઓળખ આયુષી યાદવ (21) તરીકે થઈ છે જે દિલ્હીના બદરપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મોડબંદ ગામની રહેવાસી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર આયુષીએ તેના પરિવારના સભ્યોને જાણ કર્યા વિના અન્ય જાતિના છત્રપાલ નામની વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા હતા. તેના માતા-પિતા તેના ‘જિદ્દી’ વલણને સ્વીકારવા તૈયાર ન હતા. તેના લગ્નના નિર્ણય માટે તેઓ ગુસ્સે હતા. આયુષીને તેની લાઇસન્સવાળી બંદૂકથી ગોળી માર્યા પછી નિતેશ યાદવે કથિત રીતે તેના શરીરને સૂટકેસમાં પેક કરીને મથુરામાં ફેંકી દીધું હતું. પોલીસે જણાવ્યું કે નીતેશ મૂળ ગોરખપુરના સુનારડી ગામનો રહેવાસી છે અને તેના પિતા કામની શોધમાં દિલ્હી આવ્યા હતા ત્યારબાદ નિતેશ પણ ત્યાં જ સ્થાયી થયો અને બિઝનેસ કરવા લાગ્યો હતો.

પોલીસ અધિક્ષક (શહેર) માર્તંડ પ્રકાશ સિંહના જણાવ્યા અનુસાર પોલીસે 20,000 થી વધુ કૉલ્સ ટ્રેસ કર્યા અને છોકરીની ઓળખ કરવા માટે 200 થી વધુ સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગને સ્કેન કર્યા. આ સાથે સોશિયલ મીડિયા પર અને દિલ્હીમાં પોસ્ટર લગાવીને યુવતીની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિક્ષક સિંહે જણાવ્યું કે રવિવારે સવારે પોલીસ નંબર પર આવેલા એક અજાણ્યા કોલથી યુવતી વિશે સાચી માહિતી મળી હતી. તેની માતા અને ભાઈએ તસવીરો અને તેની પાસેથી મળેલા સામાન પરથી ઓળખની પુષ્ટિ કરી હતી. સિંહના કહેવા પ્રમાણે જ્યારે પોલીસ ત્રણેયને લઈને મથુરા પહોંચી ત્યારે માતા અને ભાઈએ આયુષીના મૃતદેહને શબઘરમાં જોયા બાદ તેની ઓળખ કરી હતી.

જણાવી દઈએ કે ગયા શુક્રવારે યમુના એક્સપ્રેસ વે પર સર્વિસ રોડ પાસે ઝાડીઓમાં એક ટ્રોલી બેગ પડેલી મળી હતી જેમાં એક યુવતીની લાશ મળી આવી હતી. રવિવાર સુધી તેની ઓળખ થઈ શકી ન હતી પરંતુ એક અજાણ્યા ફોન પરથી તેના વિશે માહિતી મળી હતી જે તપાસમાં સાચી નીકળી હતી. પોલીસે જણાવ્યું કે આરોપી પિતા કસ્ટડીમાં છે અને તેની પાસેથી સમગ્ર મામલાની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. હત્યામાં વપરાયેલી પિસ્તોલ પહેલા જ મળી ચુકી છે.

Most Popular

To Top