Sports

WPLમાં મુંબઈ ઈન્ડિયન્સે સતત ત્રીજી મેચ જીતી, દિલ્હી કેપિટલ્સ પહેલી મેચ હાર્યું

મુંબઇ : મહિલા પ્રીમિયર લીગમાં (WPL) ટેબલ ટોપર્સ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચેની મેચમાં મુંબઇના બોલરો સામે દિલ્હીનો ધબડકો થયો હતો અને તેમની ટીમ 18 ઓવરમાં માત્ર 105 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દિલ્હી કેપિટલ્સ તરફથી કેપ્ટન મેગ લેનિંગે સર્વાધિક 43 રન કર્યા હતા. મુંબઈ તરફથી સાઈકા ઈશાક, હેલી મેથ્યુસ અને ઈસાબેલ વોંગે 3-3 વિકેટ લીધી હતી. મુંબઇ ઇન્ડિયન્સે મેથ્યૂઝ અને યાસ્તિકા ભાટિયાની ભાગીદારીની મદદથી 15 ઓવરમાં જ લક્ષ્યાંક કબજે કરીને સતત ત્રીજી મેચ જીતી હતી. જ્યારે દિલ્હી પહેલી મેચ હાર્યું હતું.

  • મુંબઇ ઇન્ડિયન્સની સાઇકા ઇશાક, હેલી મેથ્યૂઝ અને ઇસાબેલ વોંગની કાતિલ બોલિંગથી દિલ્હી કેપિટલ્સનો ધબડકો, 105 રનમાં વિંટો વળ્યો
  • હેલી મેથ્યૂઝ અને યાસ્તિકા ભાટિયાની ઓપનીંગ ભાગીદારીની મદદથી મુંબઇ ઇન્ડિયન્સે 15 ઓવરમાં જ બે વિકેટે લક્ષ્યાંક આંબી લીધો

106 રનના લક્ષ્યનો પીછો કરતા ઓપનર યસ્તિકા ભાટિયા અને હેલી મેથ્યુઝે મુંબઈને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે 65 રનની ભાગીદારી થઇ હતી. યસ્તિકા 32 બોલમાં 41 રન બનાવીને આઉટ થઇ હતી. મેથ્યૂઝ 32 રન કરીને આઉટ થઇ તે પછી હરમનપ્રીત કૌર અને નતાલી સ્કીવરે મળીને ટીમને જીતાડી હતી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી અને 31 રનના સ્કોર સુધીમાં તેમણે શેફાલી વર્મા, એલિસ કેપ્સી અને મેરિઝેન કેપ એમ ટોપ ઓર્ડરની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી ક્રિઝ પર આવેલી જેમિમા રોડ્રિગ્સ અને કેપ્ટન મેગ લેનિંગે દિલ્હીની ઇનિંગ્સને સંભાળી હતી. બંનેએ 34 બોલમાં 50 રનની ભાગીદારી કરીને સ્કોર 81 પર પહોંચાડ્યો તે પછી જેમિમા અંગત 25 રન કરીને આઉટ થઇ હતી અને એ જ ઓવરમાં લેનિંગ પણ અંગત 43 રને આઉટ થઇ હતી. અંતે દિલ્હી કેપિટલ્સની ટીમ 18 ઓવરમાં 105 રને ઓલઆઉટ થઇ હતી.

Most Popular

To Top