World

યુક્રેનના અનેક શહેરો પર રશિયન મિસાઇલો ઝીંકાઇ

કિવ: રશિયાએ (Russia) આજે યુક્રેન (Ukrain) પર વ્યાપક મિસાઇલોનો મારો ચલાવ્યો હતો અને ડ્રોન્સ (Dron) વડે હુમલો (Attack) કર્યો હતો જેમણે યુક્રેનભરમાં રહેણાક ઇમારતો અને મહત્વના ઇન્ફ્રાસ્ટ્રકચરને નિશાન બનાવ્યા હતા, જેમાં છ લોકોનાં મોત થયા હતા અને હજારો લોકો વિજળી અને ગરમી વિનાના બની ગયા હતા. આ હુમલાને પગલે એક ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ કલાકો સુધી પાવર ગ્રીડથી કપાઇ ગયો હતો. ત્રણ સપ્તાહમાં આ સૌથી મોટો હુમલો છે.

  • રહેણાક ઇમારતો અને મહત્વના ઇન્ફ્રાસ્ટ્રકચરને નિશાન બનાવાયા, છનાં મોત
  • વિજળી પુરવઠો ખોરવાતા હજારો લોકો વિજળી વિહોણા, ત્રણ સપ્તાહમાં સૌથી મોટો હુમલો

રાતભર હવાઇ હુમલાની સાયરનો ચીસો પાડતી રહી હતી જ્યારે દેશના વિશાળ વિસ્તારોને હુમલાઓએ નિશાન બનાવ્યા હતા જેમાં પશ્ચિમ યુક્રેનનો પણ સમાવેશ થાય છે જે મોરચાની હરોળથી દૂર છે. પ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કીએ એમ કહ્યું હતું કે આ હુમલો એવા સમયે આવ્યો છે જયારે ઘણા લોકો સૂઇ રહ્યા હતા અને તે મોસ્કો દ્વારા યુક્રેનિયનોને ફરીથી ડરાવવાનો પ્રયાસ છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તાજેતરમાં પશ્ચિમ રશિયાના બ્રિઆન્સ્ક પ્રદેશમાં થયેલ ઘૂસણખોરીનો આ જવાબ છે જે ઘૂસણખોરી યુક્રેનિયન ભાંગફોડિયાઓએ કરી હોવાનો દાવો રશિયા કરે છે. યુક્રેને આ દાવો ફગાવ્યો છે અને ચેતવણી આપી છે કે રશિયા પોતાના હુમલાઓ વધારવાનું વાજબી ઠેરવવા માટે આવા આક્ષેપો કરી શકે છે.

ક્રેમલિનના દળોએ ગયા ઓકટોબરથી યુક્રેનના પાવર સપ્લાયને લક્ષ્ય બનાવવાનું શરૂ કર્યું હતું જેથી શિયાળામાં યુક્રેનના નાગરિકોનું મનોબળ તોડી નાખી શકાય અને કિવને રશિયાની શરતો પર મંત્રણાના મેજ પર આવવાની ફરજ પાડી શકાય. જો કે બાદમાં આ ઉપરા છાપરી હુમલાઓ ઘટી ગયા હતા ને છૂટક હુમલાઓ થતા હતા જેના માટે વિશ્લેષકો એવી અટકળો કરે છે કે રશિયા પાસે દારૂગોળો ઘટી ગયો છે. છેલ્લો મોટો બોમ્બમારો ૧૬મી ફેબ્રુઆરીના રોજ થયો હતો.

Most Popular

To Top