Charchapatra

શિક્ષણ જગત – કોરોનાકાળનો સૌથી મોટો શિકાર

વસમું વર્ષ-૨૦૨૦ જેને કોરોના વર્ષ નામ આપીએ તો પણ ખોટું નથી. કોરોનાકાળના કપરા સંજોગોમાં આ વર્ષ તો પસાર થઇ ગયું, પરંતુ કોરોના વાયરસ હજુ આવનારાં કેટલાં વર્ષો સુધી આપણને હંફાવશે? એ કહેવું વિચારવું ખૂબ અઘરું છે. લોકડાઉનથી અનલોક સુધીની સફરમાં દરેક ક્ષેત્રે પોતાની પહેલાંની રોજિંદી પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

દરેક ક્ષેત્રના દરેક લોકો પોતાની રોજીરોટી માટે રોજિંદાં અને જરૂરી કામો કરવા પાછા વળગી ગયાં છે. પરંતુ આ કોરોનાકાળનો સૌથી મોટો શિકાર બન્યું હોય તો તે છે શિક્ષણ જગત અને આ દેશનું ભવિષ્ય એટલે કુમળાં ફૂલ જેવાં બાળકો. અનલોકની પ્રક્રિયામાં ધીમે ધીમે દુકાનો, મોલ-મલ્ટીપ્લેકક્ષ, મંદિરો, હોટલો, જાહેર સ્થળો વગેરે ખુલ્લાં મૂકવામાં આવ્યાં જયારે વિદ્યાનું મંદિર એટલે કે શાળા હજુ બંધ છે.

નાનાં-નાનાં બાળકોની કિલકારીઓથી ગૂંજતું શાળાનું મેદાન અને વર્ગખંડ અત્યારે ભેંકાર ભાસે છે. ઓનલાઇન એજયુકેશન અને મોબાઇલના વધારે પડતા ઉપયોગથી બાળકોનાં માનસ સંકુચિત બની ગયાં છે. શિક્ષકોએ ફૂલની જેમ ખિલવેલાં બાળકો કોરોનાકાળમાં જાણે કરમાઈ ગયાં છે. બાળકોની સાથે સાથે શિક્ષકોની  હાલત પણ કફોડી છે.

દેશના  ભવિષ્ય એવાં બાળકોનો માર્ગદર્શક શિક્ષક પોતે આજે ગુજરાન ચલાવવા માટે માર્ગદર્શનની શોધમાં છે. કારણ શાળાઓ કયારે નિયમિતપણે શરૂ થાય એનાં કોઇ એંધાણ હાલ તો વર્તાતાં નથી. જેથી અમુક ખાનગી શાળાઓએ શિક્ષકોના પગાર સ્થગિત કરવા અથવા તો છૂટા કરવા જેવા નિર્ણયો લીધા છે.

કોરોના કાળમાં શિક્ષણજગત એટલું બધું પાછળ ધકેલાઈ ગયું છે, જેને ફરીથી બેઠું કરી રોજિંદી ઘરેડમાં લાવતાં શિક્ષકોને નવનેજાં પાણી આવશે એવું હાલની પરિસ્થિતિ જોતાં લાગી રહ્યું છે. આ પરિસ્થિતિનો એક માત્ર ઉપાય શાળાઓ જલદીથી ખોલવામાં આવે  એ જ છે!

સુરત   પાયલ વી. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top